સંજય છેલ
‘મારા હાથમાં તંબૂરો આવે એટલે એ ક્યારે ભીમની ગદા બની જાય છે એની મને પણ ખબર પડતી નથી.’
***********
‘કલાકારની સાચી કમાણી એ છે કે લોકો વર્ષો પછી પણ તેને યાદ કરે.’
***********
છત્તીસગઢના એક ગામની સાંજ. ધૂળ ઉડે છે. ખુલ્લા મેદાનમાં ગામના વૃદ્ધોથી લઈને બાળકો સુધી સૌ ગોળ થઈને બેઠા છે. મંચ પર એક જાજારમાન સ્ત્રી પ્રવેશે છે. હાથમાં માત્ર તંબૂરો. સ્ટેજ પર ના કોઇ સેટ લાઇટિંગ કે ના ધમાકેદાર સંગીત. એ સ્ત્રી મહાભારતની શરૂઆત કરીને પહેલો સંવાદ કે શબ્દ બોલે છે ને જાણે આખું કુરુક્ષેત્ર એ નાનકડા ગામમાં ઊતરી આવે છે.
એક ક્ષણ પહેલાં જે તંબૂરો હતો, એ હવે ભીમની ગદા છે. બીજી જ પળે એ અર્જુનનું ગાંડિવ છે. થોડીવારે એ શ્રીકૃષ્ણના રથની લગામ છે. પ્રેક્ષકો ભૂલી જાય છે કે મંચ પર માત્ર એકલી સ્ત્રી જ ઊભી છે, જે આટલાં બધાં પાત્રો એક પછી એક ભજવી રહી છે. એવાં હતાં અદ્ભુત લોકકલાકાર તીજનબાઈ, જેમણે હમણાં પાંચ જુલાઇએ વિદાય લીધી. આ લેખની શરૂઆતના 3 વિચાર આમ અભણ પણ કલાજ્ઞાતા તીજનબાઇ ના છે.
ભારતમાં મહાભારત જેવા સવિશેષ ગ્રંથને અનેક લોકોએ અનેકવાર લખ્યું છે, ભજવ્યું છે, સિરિયલ-ફિલ્મોમાં દેખાડ્યું છે, પરંતુ પાંડવાણી કથન-અભિનયશૈલી ‘મહાભારત’ને માત્ર કહેતી નથી, જીવતી કરે છે. આ લોકપરંપરામાં ગાયક એકલો હોય છે, પરંતુ તેની અંદર આખું મહાભારત વસેલું હોય છે. ચહેરાના હાવભાવ, આંખોની ચમક, અવાજની ઊંચ-નીચ અને હાથમાંનો તંબૂરો મળીને એવું દૃશ્ય સર્જે કે મહાભારતનાં પાત્રો અચાનક આપણી સામે ધબકવા લાગે.
પાંડવાણીની બે મુખ્ય શૈલી છે: વેદમતી અને કાપાલિક. વેદમતીમાં ગાયક બેઠા રહીને કથા કહે, જ્યારે કાપાલિકમાં કલાકાર આખા શરીરથી અભિનય કરે. તીજનબાઈએ આ કાપાલિક પરંપરામાં એવો જીવ રેડી દીધો કે લોકો પાંડવાણી સાંભળવા નહીં, તીજનબાઈને જોવા આવવા લાગ્યા. તે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ ભજવે તો રુંવાડા ઊભા થઇ જાય, આંખો ભીની થઇ જાય ને યુદ્ધમાં ભીમ ગદા ફેરવીને લલકારે ત્યારે મડદામાંયે જાન આવી જાય એવી તાકાત હતી તીજનબાઇની કલામાં.
1956માં ગનિયારી ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી તીજનના ઘરમાં સંપત્તિ નહોતી, પરંતુ વાર્તાઓનો અખૂટ ખજાનો હતો. નાનાજી બ્રિજલાલ મહાભારત ગાતા. નાનકડી તીજન કલ્લાકો સુધી સાંભળતી રહેતી. થોડાંક જ વર્ષોમાં મહાભારતના બધાં પ્રસંગો મોઢે થઈ ગયા. તીજનને શાળા ઓછું ભણાવી શકી, પરંતુ મહાભારતે જીવનભરનું શિક્ષણ આપ્યું પણ સમાજે તીજન સાથે ખૂબ અન્યાય કર્યો. ‘એક સ્ત્રી, કાપાલિક શેલીમાં પાંડવાણી ગાઇ શકે જ નહીં’ એવી દકિયાનુસી- રૂઢીચુસ્ત માન્યતા કે પ્રથાને લીધે તીજનનો ખૂબ વિરોધ કે બહિષ્કાર થયો. અંગત જીવનમાં પણ અનેક ઉતાર-ચઢાવ આવ્યા, છતાં તીજનબાઇએ હાથમાંથી તંબૂરો છોડ્યો નહીં.
તીજનબાઇની સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રખર રંગકર્મી હબીબ તન્વીરે પહેલી વાર તેજનબાઈને સાંભળ્યા ત્યારે તેમને તરત સમજાઈ ગયું કે આ અવાજ માત્ર છત્તીસગઢના ગામડાઓમાં કેદ થઇને રહે એવો મામૂલી નથી. ત્યાર બાદ તીજનબાઇની સફર ગામનાં મેળાઓમાંથી દેશના મોટા મોટા મંચ-રંગમંચ સુધી પહોંચી. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ... તીજનબાઇને ગનિયારી ગામથી દિલ્હી સુધી ને દિલ્હીથી આખી દુનિયા સુધી પહોંચાડી. ફ્રાન્સ, બ્રિટન, જાપાન, અમેરિકા અને બીજા અનેક દેશોમાં તેમણે પાંડવાણી રજૂ કરી.
કમાલની વાત તો એ હતી કે ત્યાંના પ્રેક્ષકોને છત્તીસગઢી બોલીની એક લીટી પણ સમજાતી નહોતી. છતાં કાર્યક્રમ પૂરો થાય ત્યારે લોકો ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન વખતે મિનિટો સુધી તાળીઓના ગડગડાટથી વધાવતા.
ભાષા તીજનબાઇની કલા વચ્ચે દીવાલ બની શકી નહીં. દ્રૌપદીની વેદના, કર્ણનું દાન ને કૃષ્ણની બુદ્ધિ તીજનબાઇના અવાજ અને અભિનયમાંથી સીધી પ્રેક્ષકોના દિલને વીંધી નાખતી. તીજનબાઇના આંગિક-વાચિક અભિનયથી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પણ ખૂબ પ્રભાવિત થયાં અને જગભરમાં એમને મોકલ્યાં.
‘તીજનબાઇ’ નામની ઘટના પછી પાંડવાણી શૈલીને એક નવી જ ઓળખ અને પ્રતિષ્ઠા મળી પણ બીજી તરફ, તીજનબાઇના જીવનમાં સુખ કરતાં સંઘર્ષ વધુ આવ્યા. સમાજનો વિરોધ, કારમી ગરીબી, અંગત જીવનની નિષ્ફળતા, સતત પ્રવાસ ને વધતી જતી ઉંમરએ બધાં તમામ દુ:ખોની સામે મંચ પર આવતા વેંત જ તીજનબાઇ સાવ બદલાઈ જતાં. પરકાયા પ્રવેશ શું કહેવાય એ તીજનબાઈને જોઇને સમજાય. એમનો કોઈપણ કાર્યક્રમ કે શો એના જૂના પર્ફોર્મન્સ જેવો નહોતો. મહાભારતનો કોઇપણ પ્રસંગ દરેક વખતે નવા ભાવથી સ્ટેજ પર જન્મતો.
સંગીત નાટક અકાદમી પુરસ્કાર પછી પદ્મશ્રી, પદ્મભૂષણ ને અંતે પદ્મવિભૂષણથી તીજનબાઇનું સન્માન થયું, પરંતુ તીજનબાઈની સૌથી મોટી ઓળખ કોઈ ઇનામ ઇલ્કાબ કે ચંદ્રક નહોતી પણ તીજનબાઇને લીધે આજે કોઈપણ યુવતી નિર્ભયતાથી પાંડવાણી ગાઇ શકે છે જેની પાછળ તીજનબાઇની લડતને શ્રેય જાય છે.
અંતે, એક લેખક તરીકે કલ્પના કરું છું કે...
ગામમાં કાર્યક્રમ પૂરો થયો છે. આયોજક મહેનતાણાં તરીકે બે કિલો ચોખા, થોડી દાળ અને એક નાનું પોટલું તીજનબાઇના હાથમાં મૂકે છે. બાજુમાં ઊભેલો કોઈ પૂછે છે, આટલી મહેનત પછી બસ આટલું જ? તીજનબાઈ માત્ર સ્મિત કરે છે. કદાચ સાચો કલાકાર આવો જ હોય. તેની સૌથી મોટી કમાણી તો પ્રેક્ષકોનાં હૃદયોમાં સમાણી હોય છે, પેલા પોટલામાં નહીં,
પછી બીજું દૃશ્ય પણ કલ્પું છું...
ગામના કેટલાક લોકો કહે છે, સ્ત્રી પાંડવાણી નહીં ગાય. એની સામે કોઈ ભાષણ નથી. કોઈ ગુસ્સો નથી. બીજે જ દિવસે એ જ સ્ત્રી ફરી હાથમાં તંબૂરો લઈને મંચ પર ઊભી છે. વિરોધનો જવાબ શબ્દોથી નહીં, કલાથી આપે છે.
અને છેલ્લું કાલ્પનિક દૃશ્ય...
ઉંમરે શરીરને થકવી નાખ્યું છે, પરંતુ મહાભારતનો પહેલો શબ્દ ઉચ્ચારતાં જ આંખોમાં ફરી એક તેજ ઝળહળી ઊઠે છે. હાથનો તંબૂરો ફરી ભીમની ગદા બની જાય છે. પડદો પડે છે. લોકો ઘરે પાછા ફરે છે, પણ ક્યાંક દૂર કોઈ અજાણ્યા ગામડામાં નાનકડી બાળકી પહેલીવાર હાથમાં તંબૂરો લઈને મહાભારત ગાવાની હિંમત કરે છે...ત્યારે સમજાય કે અમુક મહાન કલાકારોનું મૃત્યુ થાય છે, પરંતુ તેમની કલા ક્યારેય મરતી નથી. તીજનબાઈ કદાચ એવી જ એક પરંપરાનું નામ છે, જેનો અવાજ હવે સદાયે પાંડવાણીના દરેક શોમાં પડઘાતો રહેશે.