Sun Sep 06 2026

Logo

દેશમાં કરાટેના આટલા બધા નૅશનલ ફેડરેશન કેમ છે? આઇઓએને ખેલકૂદ મંત્રાલયનો સવાલ

2026-02-24 16:00:00
Author: Ajay Motiwala
દેશમાં કરાટેના આટલા બધા નૅશનલ ફેડરેશન કેમ છે? આઇઓએને ખેલકૂદ મંત્રાલયનો સવાલ

નવી દિલ્હીઃ દેશભરમાં કરાટે (Karate)ની વિદ્યા શીખતા સ્ટૂડન્ટ્સની સંખ્યા દર વર્ષે વધતી જાય છે જેમાં શહેરોમાં ખાસ કરીને ગુજરાતી પરિવારના બાળકોની સંખ્યા ઘણી મોટી હોય છે અને આ પરિસ્થિતિમાં દેશમાં કરાટેના નૅશનલ ફેડરેશનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે જે મુદ્દે ખેલકૂદ મંત્રાલયે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (IOA)ને એક મહત્ત્વનો સવાલ કર્યો છે.

સ્પોર્ટ્સ મંત્રાલયે લેજન્ડ-રનર પી. ટી. ઉષાના પ્રમુખસ્થાન હેઠળના આઇઓએને પત્રમાં સવાલ કર્યો છે કે ` દેશમાં કરાટેની રમતનું પોતે રાષ્ટ્રીય મહામંડળ (નૅશનલ ફેડરેશન) હોવાનો દાવો ઘણા સંગઠનો કરી રહ્યા છે. આવું કેમ છે? દેશમાં કરાટેની રમતના સંચાલનની બાબતમાં વહીવટ બરાબર થઈ જાય એની તકેદારી લો.'

કયા ચાર સંગઠનોનો દાવો છે?

પીટીઆઇના અહેવાલ અનુસાર હાલમાં દેશમાં કરાટેના ચાર સંગઠન નૅશનલ ફેડરેશન હોવાનો દાવો કરી રહ્યા છેઃ ઑલ ઇન્ડિયા કરાટે-ડો ફેડરેશન (એઆઇકેડીએફ), કરાટે અસોસિયેશન ઑફ ઇન્ડિયા (કેએઆઇ), કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન (કેઆઇઓ), કરાટે ઇન્ડિયા ઍન્ડ ધ કરાટે ફેડરેશન ઑફ ઇન્ડિયા (ટીકેએફઆઇ).

ઍડ-હૉક કમિટી રચવા સૂચના

રમતગમત મંત્રાલયે પી. ટી. ઉષાને પત્રમાં એવું પણ જણાવ્યું છે કે ` આ વર્ષની એશિયન ગેમ્સમાં કરાટેની રમતનું ઘણું મહાત્મ્ય રહેશે એટલે દેશમાં આ રમતના વહીવટનું સરખું સંચાલન થાય એ જરૂરી છે. 2024ની ઑલિમ્પિક્સમાં આ રમત નહોતી, પરંતુ હવે આ રમતમાં કુલ 56 મેડલ અપાવાના છે. તમે કરાટેના સંબંધિત આંતરરાષ્ટ્રીય ફેડરેશનનો સંપર્ક કરીને એક ઍડ-હૉક કમિટી બનાવો કે જેથી એના માર્ગદર્શન મુજબ દેશમાં કરાટેની રમતનું સરખું સંચાલન થાય.'