Sun Mar 08 2026

Logo

`ઇન્ડિયા' કે `ઇન્ડિયન' નામ નહીં વાપરવાનુંઃ ખેલ મંત્રાલયે કોને-કોને આવો આદેશ આપ્યો?

1 week ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ દિવ્યાંગ ખેલાડીઓ અને ઍથ્લીટો માટેની ડિફ્રન્ટલી ઍબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (DCCI)ને ખેલકૂદ મંત્રાલયે એના નામમાં કે એની કોઈ પણ પ્રવૃત્તિઓમાં `ઇન્ડિયા' કે `ઇન્ડિયન' નામનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. સરકારે એ માટેનું એવું કારણ આપ્યું છે કે તમારું આ નૅશનલ ફેડરેશન નથી. મંત્રાલયે અન્ય કેટલાક ખેલકૂદ સંગઠનોને પણ આવી સૂચના આપી છે. દેશમાં હવે નૅશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ ઍક્ટ લાગુ પડી ગયો છે એટલે દરેક ખેલકૂદ સંગઠને સરકારની ફેડરેશન (Federation) તરીકેની માન્યતા મેળવવી જ પડે.

મંત્રાલયે ડીસીસીઆઇના સેક્રેટરી રવિકાન્ત ચૌહાણને પત્રમાં લખ્યું છે કે `સરકારે માન્યતા આપી હોય એવા જ સંગઠનોને ઇન્ડિયા કે ઇન્ડિયન નામનો ઉપયોગ કરવાની પરવાનગી છે. અમારી મિનિસ્ટ્રી દ્વારા તમારા ફેડરેશનને અમે નૅશનલ સ્પોર્ટ્સ ફેડરેશન તરીકેની માન્યતા નથી આપી એટલે તમારે આ બે નામ નહીં વાપરવાના.'

આવા જ પત્ર વિમેન્સ ફૂટબૉલ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન બૉડી બિલ્ડર્સ ફેડરેશન સહિત કેટલાક સંગઠનોને પણ મોકલવામાં આવ્યા છે જેમાં જણાવાયું છે કે તમારે તમારા નામમાં કે તમારી પ્રવૃત્તિઓમાં ઇન્ડિયા કે ઇન્ડિયન નામ વાપરવું નહીં અને જો વાપરવામાં આવશે તો કાયદા હેઠળ તમારી વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે.

પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (પીટીઆઇ)ના અહેવાલ અનુસાર ડીસીસીઆઇને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા પણ માન્યતા નથી મળી, પરંતુ ક્રિકેટ બોર્ડનો એને ટેકો છે. જોકે ખુદ બીસીસીઆઇ માન્યતાપ્રાપ્ત નૅશનલ સ્પોર્ટ્સ ફેડરેશન નથી.

ચૌહાણે પીટીઆઇને જણાવ્યું હતું કે `સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને અમારી વિનંતી છે કે અમને નૅશનલ ફેડરેશન તરીકેની માન્યતા આપો. અમે વર્લ્ડ કપ, એશિયા કપ, રાષ્ટ્રીય સ્પર્ધા તેમ જ દ્વિપક્ષી શ્રેણીઓનું આયોજન કરી ચૂક્યા છીએ અને આપણી રાષ્ટ્રીય ટીમ ઇંગ્લૅન્ડ તથા શ્રીલંકામાં રમી ચૂકી છે. ક્રિકેટ અસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ, ધ વ્હીલચેર અસોસિયેશન, અસોસિયેશન ફૉર સ્પીચ ઍન્ડ હીયરિંગ ઇમ્પેઇર્ડ પ્લેયર્સ જેવા અસોસિયેશનો પણ આ દેશમાં છે. હું માનું છું મંત્રાલયે આ દરેકને માન્યતા આપવી જોઈએ.'