Mon Jul 27 2026

Logo

સોનમ વાંગચુકની સારવાર અંગે વિવાદ: પત્ની ગીતાંજલિ હાઈકોર્ટ પહોંચ્યા, કહ્યું- સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી

2026-07-19 12:04:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: સોનમ વાંગચુક હાલ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. દરમિયાન તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ કરી છે. તેમનું કહેવું છે કે તેમને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.

મહત્વનું છે કે સોનમ વાંગચુક હોસ્પિટલમાંથી પણ પોતાની હડતાળ ચાલુ રાખી રહ્યા છે. તેમની ભૂખ હડતાળનો રવિવારે 22મો દિવસ છે. હાલમાં હોસ્પિટલમાં તેમણે ડ્રિપ (ગ્લુકોઝના બાટલા) અથવા કોઈપણ પ્રકારની દવા લેવાની ના પાડી દીધી છે. જંતર-મંતર પર હડતાળ કરી રહેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે શનિવારની સવારે ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

'સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી'

સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે 'તેમને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી, આ એક ગેરકાયદેસર અટકાયત (ડિટેન્શન) જેવું છે, અહીંથી તેમના પતિને ટૂંક સમયમાં જ ખાનગી (પ્રાઇવેટ) હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે.' સોનમ વાંગચુકના પત્નીએ દિલ્હી હાઈકોર્ટ પાસે આજે જ તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આ દરમિયાન રવિવારે સવારે સફદરજંગ હોસ્પિટલ તરફથી સોનમ વાંગચુકનું હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાયું છે. સોનમ વાંગચુક તરફથી હોસ્પિટલમાંથી જ હડતાળ ચાલુ રાખવાની વાત કહેવામાં આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે આગળ પણ અપડેટ જાહેર કરવામાં આવશે.

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: ગીતાંજલિ આંગ્મો

ગીતાંજલિ આંગ્મોનું કહેવું છે કે 'સોનમ વાંગચુક હજુ પણ ભૂખ હડતાળ પર છે અને કોઈ પ્રવાહી પદાર્થ (લિક્વિડ) લઈ રહ્યા નથી, માત્ર પાણી અને મીઠું જ લઈ રહ્યા છે. સફદરજંગ હોસ્પિટલનું કહેવું છે કે તેમના પોટેશિયમનું સ્તર ઘણું ઓછું થઈ ગયું છે.' આંગ્મોએ ઉમેર્યું કે તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની ઔપચારિકતાઓ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ વાંગચુકને કાં તો ઘરે લઈ જઈ શકે અથવા એવી કોઈ હોસ્પિટલમાં લઈ જઈ શકે જેના પર તેમને ભરોસો હોય.