Mon Aug 31 2026

Logo

શ્રીલંકાના સોનાલ દિનુશાની છ ભાગીદારી, ભારતના આઠ બોલર ચાર વિકેટ પણ ન લઈ શક્યા

Colombo   2026-08-27 19:19:17
Author: Ajay Motiwala
શ્રીલંકાના સોનાલ દિનુશાની છ ભાગીદારી, ભારતના આઠ બોલર ચાર વિકેટ પણ ન લઈ શક્યા

શ્રીલંકન ટીમ ટેસ્ટ ઐતિહાસિક ડ્રૉ કરાવવામાં સફળઃ ભારતે સિરીઝ 1-0થી જીતી લીધી

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે ટેસ્ટ-સિરીઝની બીજી અને અંતિમ મૅચ ડ્રૉ જાહેર થતાં જ ભારતને શ્રેણીનું 1-0થી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ શ્રીલંકાના બૅટ્સમેનોએ જેમાં ખાસ કરીને મિડલ-ઑર્ડર બૅટ્સમૅન સોનાલ દિનુશા (133 અણનમ, 264 બૉલ, 420 બૉલ, બે છગ્ગા, આઠ ચોગ્ગા)એ અનેક લોકોના દિલ જીતી લીધા હતા. તેણે ટેસ્ટના બન્ને દાવમાં સદી ફટકારી હતી. શ્રીલંકા (SriLanka)ના ટેસ્ટ ઇતિહાસમાં દિનુશાની આ અણનમ ઇનિંગ્સ સુવર્ણ અક્ષરે લખાશે, કારણકે તેણે નીચલા ક્રમના સાથી બૅટસમેનોની મદદથી ભારતને જીતવા જ નહોતું દીધું. દિનુશાએ બીજા દાવમાં નાની-મોટી છ ભાગીદારી કરી હતી અને શ્રીલંકાને અભૂતપૂર્વ ડ્રૉ અપાવી હતી. પ્રથમ દાવમાં દિનુશા (Dinusha)એ 103 રન બનાવ્યા હતા.

ટેસ્ટ કેવી રીતે ડ્રૉ જાહેર કરાઈ?

છેલ્લા દિવસે લગભગ 27 ઓવર બાકી હતી ત્યારે ભારત-શ્રીલંકા ટેસ્ટને ડ્રૉ (Draw) જાહેર કરવામાં આવી હતી. શ્રીલંકન બૅટ્સમેનો (ખાસ કરીને સોનાલ દિનુશા)એ ભારતને બીજા દાવની બૅટિંગનો મોકો જ નહોતો આપ્યો અને મર્યાદિત સમય બાકી રહ્યો હોવાથી બન્ને ટીમે એકમેક સાથે સહમત થઈને ટેસ્ટને ડ્રૉ જાહેર કરાવી હતી. ભારતે આ સિરીઝ 1-0થી જીતી લીધી છે. મૅચ ડ્રૉ જાહેર થઈ ત્યારે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર 9/429 ડિક્લેર્ડ હતો. ભારતની પ્રથમ દાવની 213 રનની સરસાઈ બાદ કરતા બીજા દાવમાં શ્રીલંકાનો સ્કોર 9/216 હતો અને શ્રીલંકાના ડિકલેરેશન બાદ ભારત 217 રનના લક્ષ્યાંક સાથે ફરી બૅટિંગમાં આવે એ પહેલાં જ મૅચ ડ્રૉ જાહેર કરાઈ હતી.

ગિલ, યશસ્વી, જુરેલે બોલિંગ કરી છતાં...

ટેસ્ટના પહેલા ચારેય દિવસ મેઘરાજા ખૂબ નડ્યા, પણ અંતિમ દિવસે મેઘરાજાએ વિશ્રામ લીધો હતો અને દિનુશા તથા બીજા બૅટ્સમેનો ભારત માટે માથાનો દુખાવો થઈ ગયા હતા. ગુરુવારે ભારતના મુખ્ય પાંચ બોલર (મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રવીન્દ્ર જાડેજા, માનવ સુથાર, સારાંશ જૈન) બુધવારના ચોથા દિવસે સાત રન પર નૉટઆઉટ રહેલા દિનુશાને આઉટ કરવામાં નિષ્ફળ ગયા હતા. મૅચ ડ્રૉ જાહેર કરાઈ એની થોડી વાર પહેલાં ખુદ કૅપ્ટન શુભમન ગિલે બે ઓવર બોલિંગ કરી હતી અને યશસ્વી જયસ્વાલ તથા ધ્રુવ જુરેલને પણ એક-એક ઓવર આપી હતી. એકંદરે ભારતના આઠ બોલર છેલ્લા દિવસે શ્રીલંકાની બાકીની ચાર વિકેટ નહોતા લઈ શક્યા. બુધવારના ચોથા દિવસે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર 6/229 હતો અને મૅચને અંતે તેમનો સ્કોર 9/429 ડિક્લેર્ડ હતો.

દિનુશાની આ છ ભાગીદારી ભારતને નડી

છઠ્ઠા નંબર પર બૅટિંગ કરનાર પચીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન ગમાગે સોનાલ દિનુશાએ પ્રથમ દાવની પાંચ ભાગીદારી બાદ બીજા દાવમાં નાની-મોટી આ છ ભાગીદારી કરી હતી જે ભારતને નડી હતીઃ (1) પાસિન્દુ સૂર્યાબંડારા (173 બૉલમાં 92 રન) સાથે પાંચમી વિકેટ માટે 10 બૉલમાં ત્રણ રનની ભાગીદારી (2) નિરોશન ડિકવેલા (12 બૉલમાં છ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે 23 બૉલમાં છ રનની ભાગીદારી (3) કેશારા નુવન્થા (150 બૉલમાં 46 રન) સાથે સાતમી વિકેટ માટે 246 બૉલમાં 112 રનની ભાગીદારી (4) પ્રભાત જયસૂર્યા (28 બૉલમાં બે રન) સાથે આઠમી વિકેટ માટે 71 બૉલમાં પચીસ રનની ભાગીદારી (5) લાહિરુ કુમારા (90 બૉલમાં 12 રન) સાથે નવમી વિકેટ માટે 170 બૉલમાં 47 રનની ભાગીદારી અને (6) અસિથા ફર્નાન્ડો (24 બૉલમાં શૂન્ય અણનમ) સાથે દસમી વિકેટ માટે 56 બૉલમાં 27 રનની અતૂટ ભાગીદારી.

ભારતીયોની કુલ 243.4 ઓવર બોલિંગ

ભારતના પ્રથમ દાવના 9/503 ડિક્લેર્ડના જવાબમાં શ્રીલંકાએ 290 રન બનાવ્યા હતા. ભારતે યજમાન ટીમને ફૉલો-ઑન આપી અને છેલ્લે શ્રીલંકાએ 9/429 ડિક્લેર્ડના સ્કોર સાથે મૅચ ડ્રૉ કરાવી હતી. એકંદરે ભારતીય બોલર્સે કુલ 243.4 ઓવર બોલિંગ કરી હતી.

ગિલની રણનીતિ કામ ન લાગી, ગૌતમ સતત ગંભીર મુદ્રામાં

કૅપ્ટન શુભમન ગિલે ગુરુવારના અંતિમ દિવસે બોલિંગમાં અનેક ફેરફાર કર્યા હતા અને ફીલ્ડિંગમાં પણ તે બદલાવ લાવતો રહ્યો હતો, પણ શ્રીલંકાના બૅટ્સમેનો (ખાસ કરીને સોનાલ દિનુશા) ટસના મસ નહોતા થતા અને ભારતીય બોલરોને લાંબા અંતરે વિકેટ મળી હતી. ગિલની રણનીતિની દિનુશા પર કોઈ વિપરીત અસર નહોતી થઈ. બીજી તરફ, ડગઆઉટમાં હેડ-કોચ ગૌતમ ગંભીર સતતપણે ચિંતામાં જણાયો હતો. ઘણી વાર ટીવી સ્ક્રીન પર તે ગંભીર મુદ્રામાં જોવા મળ્યો હતો.

દિનુશાને મૅચનો, પડિક્કલ શ્રેણીનો પુરસ્કાર

સોનાલ દિનુશાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ દેવદત્ત પડિક્કલને મળ્યો હતો. દિનુશાની આ પાંચમી અને પડિક્કલની ચોથી ટેસ્ટ હતી.