સુરતઃ શહેરના કોસાડ આવાસ પાસે પ્લાસ્ટિકના કોથળામાંથી મળેલી 55 વર્ષીય મહિલાની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગત મુજબ, મૃતકના નાના પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના (મોટા પુત્રની પત્ની) વચ્ચે આડા સંબંધ હતા. ઘરમાં પૈસા અને આ સંબંધોને લઈ વારંવાર ઝઘડા થતા હતા.
સાસુ વહુ અને દિકરાના આડા સંબંધનો ઉઠાવતી હતી વાંધો
પોલીસ અનુસાર, સાસુ હમીદા ખાતૂન આડા સંબંધો અને પારિવારિક વિવાદોને લઈ વાંધો ઉઠાવતી હતી. જેનાથી નારાજ થઈને પુત્ર પરવેઝ, પુત્રવધૂ શબાના અને શબાનાના પિતા ફિરોઝ આલમે તેની રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. 10 માર્ચે ત્રણેય મળીને હમીદા ખાતૂનનું ગળું દબાવીને હત્યા કરી હતી અને મૃતદેહને ઘરમાં રાખ્યો હતો.
પુત્રએ જ નોંધાવી હતી માતા ગુમ થયાની ફરિયાદ
11 માર્ચે આરોપીઓએ મૃતદેહને પ્લાસ્ટિકના કોથળામાં પેક કર્યો હતો અને બપોરના સમયે હનુમાન મંદિર પાસે ફેંકી દીધો હતો. ઘટના બાદ આરોપી પુત્ર પરવેઝ ખુદ અમરોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને માતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, માતા કપડા લેવા બજારમાં ગઈ હતી અને લાપતા બની હતી.
આ રીતે ઘટનાનો થયો પર્દાફાશ
કેસની તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા હતા. મૃતક મહિલાના હાથ-પગ જે દોરીથી બાંધવામાં આવ્યા હતા તેવી જ દોરી પરવેઝના ઘરમાંથી મળી હતી. આ ઉપરાંત પૂછપરછમાં પરવેઝ અને શબાનાના નિવેદનમાં પણ વિરોધાભાસ હતો. જેથી પોલીસની શંકા મજબૂત બની. કડકાઈથી પૂછપરછ કરતાં બંનેએ હત્યાની કબૂલાત કરી હતી.
પોલીસે પરવેઝ અને શબાનાને સુરતથી ઝડપી પાડ્યા હતા, જ્યારે હત્યામાં સામેલ શબાનાના પિતા ઘટના બાદ બિહાર જતા રહ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાંચના ટેકનિકલ સર્વેલંસ અને બિહાર એસટીએફની મદદથી તેને પટના રેલવે સ્ટેશનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન એવી પણ વિગત સામે આવી કે, મૃતદેહને ઠેકાણે પાડવા શબાનાનો પિતા જ પ્લાસ્ટિકનો કોથળો લઈને આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં તે સફેદ પ્લાસ્ટિકનો કોથળો લઈ જતો નજરે પડ્યો હતો.