રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા અનેક દિવસોથી હત્યાના બનાવોએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે ફરી એકવાર હત્યાના બનાવે ચર્ચા જગાવી છે. આ તાજેતરની ભયાનક ઘટના રાજકોટના કણકોટ રોડ પર આવેલી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ સામે બની રહેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર બની હતી. અહીં મજૂરીકામ કરતા એક પરિવારમાં કૌટુંબિક કંકાસને કારણે દીકરાએ પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું તપાસમાં ખૂલતાં ચકચાર મચી ગઇ હતી.
પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈયઆરની વિગતો અનુસાર, મૃતક ભારતસીંગ ડામોરની તેના દીકરા વિકાસ ડામોરે હત્યા કરી નાખી હતી. મૃતકના પત્ની અને આરોપીની માતા નાનીબેન ડામોરે ફરિયાદ નોંધાવી હતી. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ટીકડી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી વિગતો અનુસાર, આ ઘટના 5 ઓગસ્ટ 2026ના રોજ બની હતી. તે દિવસે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ભારતસીંગે પોતાની પત્ની પાસે પૈસા માંગી ઝઘડો કર્યો હતો, જેના ડરથી માતા અને પુત્ર ત્રણ કલાક સુધી ઓરડીમાં પુરાઈ રહ્યા હતા. ત્યારબાદ બપોરના આશરે 3 વાગ્યે ભારતસીંગે ફરીથી ઓરડીએ આવીને પત્ની પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી. પત્ની સાથે ઝઘડો કરી તે હાથાપાઈ કરવા લાગ્યો હતો.
માતા પર થતો આ અત્યાચાર ન જોવાતાં દીકરા વિકાસે વચ્ચે પડીને માતાને છોડાવી ઓરડીની બહાર કાઢી હતી. ત્યારબાદ વિકાસે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ઓરડીની અંદર પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં વિકાસે ઓરડીમાં પડેલા કાપડના લાંબા ટુકડા અને દોરી વડે પિતા ભારતસીંગને ગળે ટૂંપો આપી દીધો હતો. ભારતસીંગ બેભાન થઈને નીચે પડી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ આવતાં સ્ટાફ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 103 (1) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.