Tue Sep 22 2026

Logo

શ્રાવણ મહિનામાં 22 લાખ કરતા વધારે શ્રદ્ધાળુ સોમનાથ મંદિરના દર્શને આવ્યા

2026-09-12 20:08:29
Author: Pooja Shah
શ્રાવણ મહિનામાં 22 લાખ કરતા વધારે શ્રદ્ધાળુ સોમનાથ મંદિરના દર્શને આવ્યા

જુનાગઢઃ સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને શ્રાવણ માસમાં કુલ 22,61,597 ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના ચારેય સોમવારોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ સાથે જન્માષ્ટમી પર શ્રાવણની સર્વાધિક 1,72,755 જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. જ્યારે જન્માષ્ટમી વેકેશન (4 થી 7 સપ્ટેમ્બર) દરમિયાન 6,49,451 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા હતા. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિમાં યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

શ્રાવણ માસ પર્યન્ત છેલ્લા 75 વર્ષમાં સૌથી વધુ દેવાધિદેવ સોમનાથ મંદિર પર ભક્તો દ્વારા 1109 ધ્વજારોહણ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ, સોમેશ્વર પૂજા કરાવતા બ્રાહ્મણો, સફાઈ કામદારો, ટ્રસ્ટના કર્મચારીઓ સહિત દરેક તબક્કાના ભક્તો જોડાયા હતા. આ ઉપરાંત રેકોર્ડબ્રેક 1394 સોમેશ્વર મહાપૂજન થયા હતા, સાથે 8775 રૂદ્રાભિષેક પાઠ સહિતની પુજાવિધિ સાથે શ્રદ્ધાળુ પરીવારો ધન્ય બનેલા હતા. આ ઉપરાંત ભક્તો દ્વારા 4031 ગંગાજળ અભિષેક અને 2919 બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવ્યા હતા.

પ્રથમ વખત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૩૦ દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. . પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 11.17 લાખથી વધુ યજ્ઞ આહુતિ અર્પણ કરવામાં આવી હતી જે પોતાનામાં એક વિક્રમ છે. આ સાથે ટ્રસ્ટના પૂજાવિધિ કેન્દ્રો ખાતે ભક્તો દ્વારા નોંધાયેલ પૂજાઓ મળી કુલ 43.43 લાખ મહામૃત્યુંજય જાપ અને 38 લાખ સંપુટ મહામૃત્યુંજય જાપ સંપન્ન કરવામાં આવ્યા હતા.  શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલય અને ભંડારા તેમજ સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત ભંડારા માંથી 4.50 લાખ થી વધુ ભક્તોએ પ્રસાદ લીધો હતો.