Sat Sep 05 2026

Logo

સુરત સ્મીમેર મેડિકલ કોલેજ હોસ્ટેલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલઃ બે જૂથ વચ્ચે મારામારી, માફીપત્ર લખાવાયું

2026-08-28 17:43:21
Author: Devayat Khatana
સુરત સ્મીમેર મેડિકલ કોલેજ હોસ્ટેલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલઃ બે જૂથ વચ્ચે મારામારી, માફીપત્ર લખાવાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈ વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા હતા. મળતી માહિતી અનુસાર કોલેજના હોસ્ટેલ પરિસરની બહાર જ એમબીબીએસના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વિદ્યાર્થિનીની સાથે થયેલા કથિત દુર્વ્યવહારને કારણે આ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જોકે, આ બનાવ આશરે પંદર દિવસ જેટલો જૂનો હોવાની વિગતો મળી હતી. 

આ વીડિયો અંગે મળતી વિગતો અનુસાર, સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલના પરિસરમાં જૂથ અથડામણ થઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. 

આ બનાવ પાછળ એમબીબીએસ વિદ્યાર્થિનીને હેરાન કરવામાં આવતી હતી અને તેના આથી તેનાથી કંટાળીને વિદ્યાર્થિનીએ તેના સાથી મિત્રોને આ અંગે જાણ કરી હતી અને આથી જ સાથી મિત્રોએ યુવકને મેથી પાક ચખાડવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

આ મુદ્દે હોસ્ટેલના પરિસરની બહાર વિદ્યાર્થીઓના બે જૂથ ભેગા થઈ ગયા હતા અને આરંભે વિદ્યાર્થિનીને હેરાન કરનાર વિદ્યાર્થીને ઘેરીને બોલાચાલી થઈ હતી. જોકે, આ વાતચીત ઉગ્ર બની જતાં બંને જુથ વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક ચર્ચા જાગી હતી. 

જો કે આ ઘટના બાદ કોલેજે કડક વલણ અપનાવીને તપાસ કમિટીના અહેવાલના આધારે  જવાબદાર અને બનાવ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ પાસેથી લેખિતમાં માફીનામું લખાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, કોલેજના કેમ્પસમાં ભવિષ્યમાં આ પ્રકારની કોઈ હિંસક ઘટના ઘટે નહીં એની પણ ચેતવણી આપવામાં આવી હતી.