નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારત પર જોવા મળી રહી છે. આજે વહેલી સવારે ભારતીયો માટે માઠા સમાચાર આવ્યા છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. બંનેના ભાવમાં પ્રતિ લિટર 3-3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ ડિઝલમાં લિટરે 3 રૂપિયાના વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹97.49, ડીઝલનો ભાવ ₹93.26, સુરતમાં પેટ્રોલનો ભાવ ₹97.35, ડીઝલનો ભાવ ₹93.14, વડોદરામાં પેટ્રોલનો ભાવ ₹97.60, ડીઝલનો ભાવ ₹93.37, રાજકોટમાં પેટ્રોલનો ભાવ ₹97.29 જયારે ડીઝલનો ભાવ ₹93.08 થઇ ગયો છે.
દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ₹97.77 થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત લિટર દીઠ ₹99.67 પર પહોંચી ગઈ છે. મિડલ-ઈસ્ટમાં યુદ્ધની શરૂઆત થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણ (ફ્યુઅલ) બચાવવાની અપીલ કરી હતી. તેમણે 'વર્ક ફ્રોમ હોમ' કરવા અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા પર ભાર મૂક્યો હતો. ત્યારથી જ એવા સંકેતો મળી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે.
ક્યાં કેટલું મોંઘું થયું પેટ્રોલ?
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શુક્રવાર (15 મે 2026) થી અમલમાં આવ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 3 રૂપિયા મોંઘું થઈને ₹97.77 પ્રતિ લિટર થયું છે, જ્યારે કોલકાતામાં ₹108.74 (3.29 રૂપિયા મોંઘું), મુંબઈમાં ₹106.68 (3.14 રૂપિયા મોંઘું) અને ચેન્નાઈમાં ₹103.67 (2.83 રૂપિયા મોંઘું) પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ડીઝલના ભાવ પણ વધ્યા
મહાનગરોમાં ઈંધણની કિંમતોમાં અંદાજે ₹2.80 થી લઈને ₹3.30 સુધીનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં હવે ડીઝલ ₹90.67 પ્રતિ લિટર મળશે. જ્યારે, કોલકાતામાં તેનો ભાવ ₹95.13, મુંબઈમાં ₹93.14 અને ચેન્નાઈમાં ₹95.25 પ્રતિ લિટર થઈ ગયો છે.
મહત્વનું છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની આયાત અને નિકાસ પર ભારે અસર પડી છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ તેલની અછત સર્જાવાના સંકેતો મળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સરકાર સતત સલાહ આપી રહી છે કે તેલનો જરૂરિયાત કરતાં વધુ વપરાશ ન કરવો.
યાત્રા અને ટ્રાન્સપોર્ટ પણ થશે મોંઘું
ઈંધણની કિંમતમાં વધારાની અસર મુસાફરી અને ટ્રાન્સપોર્ટ પર પણ સ્પષ્ટપણે જોવા મળશે. બસ, રિક્ષા (ઓટો) અને ટેક્સી (કેબ) સેવાઓના ભાડામાં વધારો થઈ શકે છે, કારણ કે ખર્ચ વધતા કંપનીઓ ભાડું વધારી દેતી હોય છે. આ સાથે જ સ્કૂલ બસ અને વાન ચલાવવાનો ખર્ચ વધવાથી બાળકોની ટ્રાન્સપોર્ટ ફીમાં પણ વધારો થવાની શક્યતા રહે છે.
ઓનલાઇન ડિલીવરી પણ થઇ શકે મોંઘી
પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અસર ઓનલાઈન સેવાઓ પર પણ પડી શકે છે. Amazon, Flipkart, Zomato અને Swiggy જેવી કંપનીઓ ડિલિવરી ચાર્જમાં વધારો કરી શકે છે. તે જ રીતે, એક શહેરથી બીજા શહેરમાં સામાન મોકલતી કુરિયર સેવાઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
પેટ્રોલ અને ડીઝલની સાથે સીએનજી (CNG) પણ મોંઘો થયો છે. દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે હવે દિલ્હીમાં CNGની નવી કિંમત ₹79.09 પ્રતિ કિલો થઈ ગઈ છે.
આ પહેલા મુંબઈમાં પણ CNGના ભાવ વધારવામાં આવ્યા હતા. મુંબઈમાં પણ CNG 2 રૂપિયા મોંઘો થયો હતો. મુંબઇમાં ₹82 થી વધીને હવે ₹84 પ્રતિ કિલો કરી દેવામાં આવી હતી. મુંબઈમાં CNGના આ વધેલા નવા ભાવો 14 મેથી અમલમાં આવી ચૂક્યા છે.