Wed Aug 19 2026

Logo

સાયન બ્રિજ ખુલ્લો મૂકવાની નવી ડેડલાઈન સપ્ટેમ્બર

2026-08-09 09:42:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનેક વખત ડેડલાઈન ચૂક્યા બાદ આખરે લાંબા સમયથી રાહ જોવાતા સાયન રેલ્વે ઓવર બ્રિજ પર  શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ વચ્ચે બીજો ગર્ડર બેસાડવા માટે બ્લોક લેવામાં આવ્યો હતો.  તેથી વાહનચાલકોએ સાયન બ્રિજ માટે હજી થોડી રાહ જોવી પડવાની છે. ગર્ડર નાખવાનું કામ પૂર્ણ થયા બાદ બાકીના કામો પૂર્ણ કરવા માટે વધુ પાલિકાને ઓછામાં ઓછા ૪૫ દિવસની જરૂર પડશે. તેથી આ બ્રિજ લગભગ  સપ્ટેમ્બર  અંત સુધીમાં ખુલ્લો મુકાય એવી શકયતા છે.

સાયન આરઓબી માટે સ્ટીલના બે ગર્ડર બેસાડવામાં આવવાના હતા, જેમાં પહેલો  ગર્ડર  ૨૨ જૂને બેસાડવામાં આવ્યો હતો, જ્યારે બીજો મૂળ ૨૦ જૂનના બેસાડવાનું નક્કી થયું હતું પણ પાછળથી તેની મુદત ૩૦ જૂન કરવામાં આવી હતી. આ મુદત ફરી લંબાઈને હવે છેક આઠ-નવ ઑગસ્ટની મધ્યરાત્રિએ ગર્ડર બેસાડવામાં આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ સાયન અને માટુંગા સ્ટેશન વચ્ચે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોકની જાહેરાત કરી હતી.

ગર્ડર બેસાડવામાં થયેલા  વિલંબને કારણે પ્રોજેક્ટની મૂળ ૧૫ ઓગસ્ટની સમયમર્યાદામાં પણ હવે લગભગ દોઢ મહિનાનો વધારો થયો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે એકવાર બીજો ગર્ડર લોંચ થઈ જાય પછી પૂર્વ તરફનું કામ શરૂ થઈ શકે છે. બાકીના કામો પૂર્ણ થયા પછી બ્રિજ સપ્ટેમ્બરના અંત સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકવાની અપેક્ષા છે.

લગભગ સો વર્ષ જૂનો આ આરઓબી  પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો  મુખ્ય કનેક્ટર ગણાય છે. તે જોખમી હાલતમાં જણાઈ આવતા ઓગસ્ટ ૨૦૨૪થી તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષથી બંધ રહેલા આ બ્રિજને  કારણે હજારો મુસાફરોને લાંબી મુસાફરી કરવી પડે છે, જેમાં સમયની સાથે જ  અને ટ્રાફિક જામનો નાગરિકોને સામનો કરવો પડી રહ્યો છે.
આ દરમ્યાન સ્ટીલ ગર્ડર્સ ઉમેરવા અને એપ્રોચ રોડના વિકાસને કારણે પુલ બનાવવાનો ખર્ચ  ૪૨.૮ કરોડ રૂપિયાથી વધીને ૫૦ કરોડ રૂપિયા થઈ ગયો છે.