Sun Sep 06 2026

Logo

શુભમન ગિલ સેન્ચુરી પછી પાછો આવ્યો ત્યારે બૉલ-બૉય તેને પગે લાગ્યો!

2026-06-10 18:14:39
Author: Ajay Motiwala
શુભમન ગિલ સેન્ચુરી પછી પાછો આવ્યો ત્યારે બૉલ-બૉય તેને પગે લાગ્યો!

ન્યૂ ચંડીગઢઃ સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ક્રિકેટ-લેજન્ડને તેમનો કોઈ ડાઇ-હાર્ડ ચાહક પગે લાગે તો નવાઈ ન લાગે, પરંતુ શુભમન ગિલને કોઈ પગે લાગે તો એ જરૂર આશ્ચર્યની વાત કહેવાય. બન્યું એવું કે તાજેતરમાં ન્યૂ ચંડીગઢમાં મુલ્લાંપુરના મેદાન પર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે એકમાત્ર ટેસ્ટ મૅચ રમાઈ ત્યારે એક તબક્કે કૅપ્ટન શુભમન ગિલ (Gill) મેદાનની બહાર આવી રહ્યો હતો ત્યારે બાઉન્ડરી લાઇન પાસે ઊભેલો એક બૉલ-બૉય તેને પગે લાગ્યો (Feet touching) હતો.

ભારતે આ ટેસ્ટ એક દાવ અને 300 રનથી જીતી લીધી હતી. નવા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથાર (28 રન, 6/33, 1/29)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જોકે વાઇરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું કે મૅચના તમામ બૅટ્સમેનોમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરનાર શુભમન ગિલ (126 રન, 177 બૉલ, 236 મિનિટ, એક સિક્સર, પંદર ફોર) સેન્ચુરી પૂરી કર્યા પછી પૅવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે તેને પગે લાગ્યો હતો. ગિલને એ ગમ્યું નહોતું અને તેણે તેને સન્માનપૂર્વક પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બૉલ-બૉયના ચહેરા પર તેણે ગિલના આશીર્વાદ મેળવ્યા હોય એવો આનંદ હતો.

બૉલ-બૉય પાસેથી પસાર થયા પછી ગિલ ડ્રેસિંગ-રૂમમાં ગયો હતો. બૉલ-બૉયનો આ ફીટ-ટચિંગ વીડિયો વાઇરલ થઈ ગયો હતો.

સોશ્યલ મીડિયા પર આ ઘટના વિશે ચર્ચા થઈ હતી જેમાં એક ક્રિકેટપ્રેમીએ લખ્યું હતું કે ગિલ હજી મહાન ક્રિકેટર નથી બન્યો કે તેને આટલું બધુ માન આપવામાં આવે. બીજા એક ક્રિકેટલવરે લખ્યું, `આ તો આપણી સંસ્કૃતિ છે કે જે વ્યક્તિ આદર્શ માનવામાં આવે તેના ચરણસ્પર્શ કરવામાં આવે એમાં ખોટું શું છે?' અન્ય એક ક્રિકેટરસિકે રમૂજ કરતા લખ્યું, `શુભમન ગિલે સેન્ચુરી કરી એના કરતાં તેનો આ બાળ-ચાહક વધુ રોમાંચિત હતો.'