Sat Jun 20 2026

Logo
IPL 2026:

શુભમન ગિલે પરાજય માટે કોને દોષી ગણાવ્યા?

2026-05-17 16:51:28
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ શનિવારે અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે જીતીને સત્તાવાર રીતે પ્લે-ઑફમાં સ્થાન મેળવવાની સાથે ટૉપ-ટૂમાં પણ મોટા ભાગે ફિક્સ થઈ શકે એવી સ્થિતિ હતી, પણ ખરાબ ફીલ્ડિંગ (FIELDING)ને કારણે ગુજરાતે હાર જોવી પડી અને એ પરાજયનો કૅપ્ટન શુભમન ગિલને અફસોસ છે, પણ તેણે કહ્યું કે અમારી ફીલ્ડિંગ ઘણી ખરાબ હતી એટલે અમે જીતવાને લાયક જ નહોતા.

ગુજરાતના ફીલ્ડર્સે કુલ ચાર કૅચ છોડ્યા હતા. એમાંથી ત્રણ કૅચ આસાન હતા. ખાસ કરીને કોલકાતાના ઓપનર ફિન ઍલન (93 રન, 35 બૉલ, દસ સિક્સર, ચાર ફોર)ને મળેલા બે જીવતદાન ગુજરાતને ભારે પડ્યા હતા. મોહમ્મદ સિરાજ અને જેસન હોલ્ડરે તેના કૅચ છોડ્યા હતા. ગુજરાતનો કોચ ખરાબ ફીલ્ડિંગને લીધે ગુસ્સામાં હતો. ઍલન સાત રન માટે સદી ચૂકી ગયો હતો, પણ તેની ઇનિંગ્સની પ્રેરણાથી પછીથી અંગક્રિશ રઘુવંશી (82 અણનમ) અને કૅમેરન ગ્રીન (બાવન અણનમ)ની જોડીએ 108 રનની અતૂટ ભાગીદારીએ કોલકાતાને 2/247નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો અને ગુજરાત 4/218ના સ્કોર બદલ 29 રનથી હારી ગયું હતું.

ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ પાર્થિવ પટેલે પણ પરાજય માટે ટીમની ખરાબ ફીલ્ડિંગને જવાબદારી ગણાવી હતી. તેણે મૅચ પછી કહ્યું, `કોલકાતાના બૅટ્સમેનોના કૅચ છૂટ્યા ત્યાં જ મોટો ફરક પડી ગયો. જ્યારે ક્વૉલિટી બૅટ્સમેનો સામે રમીએ અને એ મૅચ હાઇ-સ્કોરિંગ હોય તો એમાં બહુ તક નથી મળતી હોતી, જે મોકો મળે એ ઉઠાવી લેવો પડે.'

શુભમન ગિલે કહ્યું, `અમે બૅટિંગ સારી કરી, પણ એ પહેલાં અમારી ફીલ્ડિંગ ઘણી ખરાબ હતી. અમારા ફીલ્ડર્સે ત્રણ કૅચ છોડ્યા. અમે જીતવાને લાયક નહોતા. લીગમાં હતી ઠીક છે, પણ ક્વૉલિફાયરમાં (પ્લે-ઑફમાં) આવું જરાય ચાલે જ નહીં.'