Sat May 09 2026

Logo

ગિલની કેપ્ટન્સી જશે? વન-ડે તેમ જ ટી-20 ટીમનું નેતૃત્વ કદાચ આ ખેલાડીને સોંપાશે

2026-05-09 11:55:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: છેલ્લા બે વર્ષ દરમ્યાન રોહિત શર્માએ ટેસ્ટ અને ટી-20માં રમવાનું છોડ્યું છે ત્યારથી ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં ફરી એક વખત મોટું પરિવર્તન જોવા મળશે તો નવાઈ નહીં લાગે. એવી ચર્ચા થઈ રહી છે કે વન-ડે ટીમનું સુકાન શુભમન ગિલ (Gill)ના હાથમાંથી લઈને શ્રેયસ (Shreyas)ને સોંપવામાં આવશે.

સૂર્યકુમાર યાદવ ટી-20નો વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન છે, પરંતુ તેનો બૅટિંગ-પર્ફોર્મન્સ છેલ્લા એક-દોઢ વર્ષથી ખૂબ ખરાબ છે. એ જોતાં એવી અટકળ થઈ રહી છે કે આઈપીએલ પછી સૂર્યકુમારને ટી-20ની કેપ્ટન્સીમાંથી હટાવીને એ જવાબદારી પણ શ્રેયસ ઐયરને સોંપી દેવામાં આવશે.

એક જાણીતી ટીવી ચેનલના અહેવાલ અનુસાર ટીમ ઇન્ડિયાનું મૅનેજમેન્ટ ઈચ્છે છે કે ટી-20 અને વન-ડે ટીમનું નેતૃત્વ એક જ કેપ્ટનને સોંપવામાં આવે.

એવી જોરદાર ચર્ચા છે કે 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વન-ડેનો જે વર્લ્ડ કપ રમાવાનો છે ત્યાં સુધી ભારતની વન-ડે ટીમના સુકાનના જવાબદારી શ્રેયસ ઐયરને સોંપવાની બધી તૈયારી થઈ ચૂકી છે.

શ્રેયસ ઐયરે છેલ્લા થોડા વર્ષોમાં બૅટિંગમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું છે અને હાલમાં આઈપીએલમાં તે પંજાબ કિંગ્સની ટીમને ઘણી સફળતાઓ અપાવી રહ્યો છે. એ જોતાં, બીસીસીઆઈના સિલેક્ટરો આ યુવાન ખેલાડીને ભારતની ટી-20 અને વન-ડે, બન્ને ટીમના નેતૃત્વની જવાબદારી સોંપવા ઉત્સુક છે.

એવી પણ ચર્ચા છે કે શ્રેયસ ઐયરને સૌથી પહેલા તો આઈપીએલ બાદ આયરલૅન્ડના પ્રવાસમાં રમાનારી બે મૅચની ટી-20 સિરીઝ માટે તેમ જ ત્યાર પછી ઇંગ્લૅન્ડમાં રમાનારી પાંચ ટી-20 મૅચની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી સોંપવામાં આવશે.