Sun Sep 06 2026

Logo

પંજાબ જીતતાં જ કૅપ્ટન શ્રેયસની બહેને ભાંગડા શરૂ કરી દીધા!

2026-04-01 16:48:31
Author: Ajay Motiwala
પંજાબ જીતતાં જ કૅપ્ટન શ્રેયસની બહેને ભાંગડા શરૂ કરી દીધા!

ન્યૂ ચંડીગઢઃ અહીં મુલ્લાંપુરમાં મંગળવારે શ્રેયસ ઐયર (18 રન, 11 બૉલ, બે સિક્સર)નો બૅટિંગ-પર્ફોર્મન્સ ખાસ કંઈ વખાણવા જેવો નહોતો, પરંતુ તેની કૅપ્ટન્સીમાં પંજાબ કિંગ્સ (Punjab Kings)ની ટીમ ગુજરાત ટાઇટન્સ સામેના રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટે જીતી ગઈ એનાથી ખુશ થઈને શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠા (Sister Shreshtha) ઐયર ખૂબ નાચી હતી જેનો વીડિયો અને ફોટો વાઇરલ થયા છે.

શ્રેષ્ઠા ઐયરે ઘરમાં પરિવાર સાથે આ મૅચ માણી હતી અને નવોદિત ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન કૂપર કૉનોલીએ ફોર ફટકારતાં પંજાબનો વિજય થયો હતો અને એ સાથે જ ઉત્સાહિત થયેલી શ્રેષ્ઠાએ `જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ...'ની બૂમો પાડીને ભાંગડા શરૂ કરી દીધા હતા અને આનંદના આવેશમાં મોટે મોટેથી ગીતો ગાવા લાગી હતી.

ઉલ્લેખનીય છે કે પંજાબની ટીમ આ પહેલાં 2025ની ફાઇનલમાં (બેંગ્લૂરુ સામે) હારી ગઈ હતી અને રનર-અપ રહી હતી. શ્રેષ્ઠા ઐયરે મંગળવારે રાત્રે પંજાબની જીત સાથે ડાન્સ શરૂ કર્યો ત્યારે પરિવારજનો અને મિત્રો પણ તેની સાથે નાચ્યાં હતાં. શ્રેષ્ઠા અને તેનો પરિવાર દક્ષિણ ભારતીય છે, પરંતુ પંજાબની ટીમ જીતી એટલે શ્રેષ્ઠાએ ભાંગડા શરૂ કરી દીધા હતા.

બીજી તરફ, સોશ્યલ મીડિયામાં પંજાબ કિંગ્સના ચાહકોએ ટીમની સીઝનની આ પ્રથમ મૅચની જીતને બિરદાવી હતી. કૂપર કૉનોલીએ 44 બૉલમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 72 રન કર્યા હતા. ગુજરાતે છ વિકેટે 162 રન કર્યા બાદ પંજાબે કેટલાક ઉતાર-ચઢાવ બાદ છેવટે 19.1 ઓવરમાં સાત વિકેટે 165 રન કરીને વિજય બદલ બે પૉઇન્ટ મેળવ્યા હતા.