Thu Jun 25 2026

Logo

શ્રદ્ધાને ક્યારેક અંધ થવાનું પણ ગમે છે...

2026-03-15 12:07:00
Author: Mumbai Samachar Team
Article Image

હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ

કોઈ માણસ એમ કહે કે પોતે ડૉન છે ને અંધારી આલમ પર તેનું એકચક્રી રાજ ચાલે છે તો લોકો તેની આ વાત તરત માની લેતા નથી, એ માટે તેણે પુરાવા આપવા પડે છે. બાર-પંદર ખૂનો કરવાં-કરાવવાં પડે છે. પણ કોઈ એમ કહે કે તે કૃષ્ણનો અવતાર છે કે પોતે જ ક્રાઇસ્ટ છે તો લોકો, ખાસ કરીને તેને અનુસરનારાઓ તેમાં શંકા નથી કરતા. તે પોતે જાતે ઊઠીને કહેતો હોય કે તે ઈસુ ખ્રિસ્ત છે તો આપણે તેની વાતમાં કુશંકા કરી શા માટે નરકમાં જવું! હોય તો હોય પણ ખરો એવું માની શંકાનો લાભ તેને આપીએ છીએ.

અમેરિકામાં તાજેતરમાં એક આવો ક્રાઇસ્ટ થઈ ગયો જેણે આખેઆખી ક્લિન્ટન સરકારને હચમચાવી મૂકી. ત્યાં એક ડેવિડિયન પંથ ચાલે છે અને આ પંથનો વડો 33 વર્ષનો ડેવિડ કોરેસ પોતાની જાતને ઈસુ ખ્રિસ્તનો અવતાર ગણાવતો હતો. તે હવામાનશાસ્ત્રી નહીં હોવા છતાં તેણે એવી આગાહી કરી હતી કે આકાશમાંથી 

અગનવર્ષા થશે ને વિશ્ર્વનો અંત આવી જશે. તેના અનુયાયીઓને તેણે કહ્યું હતું કે તમારે સ્વર્ગમાં જવું હોય તો મારા કહ્યા પ્રમાણે વર્તવું પડશે. તમારે બ્રહ્મચર્ય પાળવું પડશે. આ બ્રહ્મચર્ય સુધીની વાત તો જાણે બરાબર હતી, પણ તેણે ઉમેર્યું હતું કે તમારી પત્નીઓએ બ્રહ્મચર્ય પાળવાનું નથી. તેમની સાથે હું પતિ જેવો વ્યવહાર કરીશ. નરકમાં જવાથી ડરનારા આ પતિઓ તેમની સ્ત્રીઓ ડેવિડને સોંપી સ્વર્ગનું એડવાન્સ બુકિંગ કરાવી લેતા.

આ ક્રાઇસ્ટમાં, ક્રાઇસ્ટ કરતાં કૃષ્ણના ગુણો વધારે હતા. આપણે ત્યાં પણ આવા જ એક કૃષ્ણ તાજેતરમાં થઈ ગયા. આ બંનેની મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) લગભગ સરખી હોવાને લીધે એ કૃષ્ણની થોડી વાત પણ ભેગી કરી લઈએ. આ કૃષ્ણનું નામ રૅશનકાર્ડમાં રામક્રિપાલ લલિતપ્રસાદ ત્રિપાઠી છે, પણ ઉપનામો કૃપાળુ મહારાજ ઉર્ફે જગદ્ગુરુ ઉર્ફે મહાપ્રભુ ઉર્ફે બનવારી ઉર્ફે કૃષ્ણ (વિધાઉટ ગીતા) વગેરે છે. આ વખતે તેમણે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના માનગઢમાં જન્મવાનું પસંદ કર્યું હતું. આ સ્થળે તેમણે સાધનાશ્રમ સ્થાપ્યો છે. આ તેમની હેડઑફિસ. તેની શાખા-પ્રશાખાઓ મસુરી, વૃન્દાવન, મથુરા, દિલ્હી તથા મુંબઈ ઇત્યાદિ સ્થળે આવેલ છે. તે પોતાના હેડ ક્વોર્ટરમાંથી શક્તિપાત કરે છે જે તેમની બ્રાન્ચોમાં ઝિલાય છે. આ મહાપ્રભુ પોતાને કૃષ્ણ કહીને અટકી નથી જતા પણ સુંદર સ્ત્રીઓને, સ્ત્રી હોવાનો એહસાસ કરાવે છે. કહે છે ય ખરા : ‘મૈં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હૂં ઔર તુમ સબ મેરી ગોપિયાં હો, કોઈ રાધા હૈ તો કોઈ મીરાં હૈ. મૈં રાધા કા કહાન હૂં ઔર મીરા કા મોહન હૂં વગેરે. ને આ ભોળી ગોપીઓ કૃષ્ણ ચાહે તેમ રહે છે. પરણેલી સ્ત્રીઓને તે માહિતી આપતા કે યહ દુનિયા એક માયાજાલ હૈ. યહાં આદમી કો અકેલે હી જાના પડતા હૈ, કોઈ પતિ અપની પત્ની કે પીછે પ્રાણ ન્યોછાવર નહીં કરતા. ઇસલિયે હે સુંદરી, તુલ ભૂલ જાઓ કિ તુમ કિસી કી ભાર્યા હો. યહ સબ મેરી હી રચી હુઇ સૃષ્ટિ હૈ, મૈં જો કહતા હૂં વોહી કરો, ક્યોં કિ મૈં કૃષ્ણ હૂં. મૈં જો કહતા હૂં ઉસ મેં અપની બુદ્ધિ કા પ્રયોગ મત કરો... અને સ્ત્રીઓને કૃષ્ણની આ છેલ્લી સલાહ વધુ અનુકૂળ આવતી. ભાનભૂલેલી આ ગોપીઓ તેમના પતિ માટે સ્વામી જેવું સંબોધન ખાનગીમાં પણ બોલતાં શરમાતી, એ જ ગોપીઓ આ કૃષ્ણને જાહેરમાં સ્વામી કહેતાં ધન્યતા અનુભવતી. શબરીનાં એઠાં બોર રામે ખાધેલાં, પણ કૃષ્ણની એઠી પતરાળી માટે શ્રીમંત સ્ત્રીઓ પડાપડી કરતી. લાલી-લિપસ્ટિક કરીને હોઠ લાલ કરવા કરતાં ગોપીઓ આ કૃષ્ણનું અડધું ચાવેલું પાન ખાઈને હોઠ લાલ કરવામાં પોતાનો જન્મારો સાર્થક માનતી.

અહીં શું કે પશ્ર્ચિમમાં શું સ્ત્રીઓના આઈ ક્યુ બધે જ સરખા હોય છે. એક મોટા સ્ટોરની વારસદાર એવી એક છોકરીએ તેને મળેલી 6.6 મિલિયન ડૉલરની રકમ પણ આ ઈસુને ચરણે ધરી દીધી હતી. આ સો કૉલ્ડ ઈસુને કાયદેસરની 19 પત્નીઓ હતી ને બારથી વધુ બાળકો હતાં. દરેક સ્ત્રીને તે કહેતો કે મારા આશીર્વાદથી તને જે કોઈ બાળક અવતરશે તે ઈસુનું બાળક ગણાશે. આ કારણે ઘણી સ્ત્રીઓ તેના આશીર્વાદ મેળવવા સદાય તત્પર રહેતી.

આ ઈસુ યાને ડેવિડનો જન્મ 1959માં હ્યુસ્ટન ખાતે થયો હતો. તેનું અસલ નામ વર્નોન વેઈન હૉવેલ હતું. ભણવામાં તે જે. ક્રિશ્નમૂર્તિ જેવો રેઢિયાળ હતો. ક્રિશ્નમૂર્તિ ભણવાને બદલે બગીચામાં જઈ બેસતા, આથી શાળાના શિક્ષકો બીજા વિદ્યાર્થીઓને તેની સોબત નહીં કરવાની સલાહ આપતા. પણ ક્રિશ્નમૂર્તિથી આ ડેવિડ જુદો એ રીતે પડતો હતો કે તેની યાદશક્તિ અદ્ભુત હતી. માત્ર 12 વર્ષની ઉંમરે તે ભલભલા-વિદ્વાન-પાદરીઓ કરતાં પણ બાઇબલ આખેઆખું મોઢે કડકડાટ બોલી જતો. એવી એક કહેવત છે કે જરૂર પડ્યે શેતાન પણ બાઇબલમાંની ઉક્તિઓ ટાંકતો હોય છે, પણ ડેવિડ તો જરૂર વગર પણ બાઇબલ ટાંક્યા કરતો. બસ, આ બાઇબલને જ તેણે મૂડી બનાવી દીધી.

અને અમેરિકામાં એક વેકો રેન્ચનું સર્જન કર્યું. પોતાના અનુયાયીઓને તેણે ચેતવણી આપી દીધી કે આપણા ધર્મમાં આસ્થા નહીં રાખનારાઓ આપણા પર હુમલો કરશે એટલે આ નાસ્તિકો સામે આપણે લડવું પડશે. અને આ વેકો રેન્ચમાં ખૂંખાર યુદ્ધ ખેલી શકાય એવાં ભયાનક અને અદ્યતન શસ્ત્રો એકઠાં કરવામાં આવ્યાં. આમ, શૃંગાર અને વીરરસ સાથે વસવા માંડ્યા. આ ઈસુની વાક્છટા જોરદાર હતી. પોતાના પુરુષ અનુયાયીઓને તે શ્રમ અને પરસેવાનો મહિમા - આપણા પ્રધાનોની જેમ, ઍરકન્ડિશન્ડ મકાનમાં બેસીને - સમજાવતો અને ઉમેરતો: ‘તમારા પરસેવાનું ફળ તમારી સ્ત્રીઓને મળી રહ્યું છે, એમને એ.સી.માં મારી સાથે રાખું છું.’

એફ.બી.આઈ. વાળાનાં નાક ઘણાં સતેજ હોય છે. સંતાડેલ શસ્ત્રો તે સૂંઘી શકે છે. આ એફ.બી.આઈ.ના માણસોએ રેન્ચને ઘેરો ઘાલી પાણી અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો. તેમ છતાં ડેવિડ કે તેનો કોઈ અનુયાયી શરણે ન આવ્યો. એકાવન દિવસ સુધી ઝીંક ઝીલી. ઈસુને લાગ્યું કે જીવવા માટેનો એક પણ માર્ગ શરણે આવવા સિવાયનો હવે બાકી નથી, પણ તેની પાસે મૃત્યુના અનેક માર્ગ ખુલ્લા હતા. તેમાંથી તેણે અનુયાયીઓને મરી જવાના જુદા જુદા સાત માર્ગો સૂચવ્યા. દાખલા તરીકે મોઢામાં પિસ્તોલ રાખીને ફોડવી, જીભ કચરીને ગુજરી જવું, સાઇનાઇડ લેવું, અગનઝાળને ભેટવું વગેરે. પણ આ બધાને ઈસુએ અમરત્વની અને સ્વર્ગની ગૅરંટી આપી હતી.

છેવટે આ ઈસુ તેના 86 શિષ્યો સાથે જીવતો સળગી ગયો. બધા જ જોડે ભૂંજાઈ ગયા. આ આખીય ઘટના જાણીને અમેરિકન પ્રેસિડેન્ટ ક્લિન્ટન ડઘાઈ ગયા ને એ જ અવસ્થામાં તેમણે સમગ્ર ઘટનાની તપાસનો હુકમ આપી દીધો. આપણી પરંપરા પ્રમાણે તપાસપંચ નીમી દીધું. પ્રેસિડન્ટ એટલા નસીબદાર છે કે વિરોધપક્ષે કે પ્રજાના કોઈ પ્રતિનિધિએ તેમનું રાજીનામું માગ્યું નથી. અને છાપાવાળા પણ કહે છે કે આ આખાય કિસ્સામાં પ્રેસિડેન્ટ ક્લિન્ટન સાવ નિર્દોષ છે!