મુંબઈ: હિન્દી સિનેમામાં એક દાયકાથી વધુ સમય વિતાવનાર શ્રદ્ધા કપૂરે અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આદિત્ય રોય કપૂર સાથેની 'આશિકી 2' હોય કે રણબીર કપૂર અને રાજકુમાર રાવ સાથેની ફિલ્મ શ્રદ્ધાની જોડી હંમેશાં દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. હવે તે પોતાની કારકિર્દીમાં એક નવો વળાંક લઈ રહી છે અને પહેલીવાર એક પાવરફુલ એક્ટર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ નવી જોડીને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં 'ઈથા' નામની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ જાણીતા મરાઠી કલાકાર વિઠ્ઠબાઈ નારાયણગાવકરના જીવન પર આધારિત છે. આ પ્રોજેક્ટમાં તેની સાથે રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મેડક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું પૂણે શિડ્યુલ તાજેતરમાં જ પૂરું થયું છે, જેના ઘણા ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષે આ ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર છેલ્લે 'સ્ત્રી 2'થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. બીજી તરફ, રણદીપ હુડ્ડા તાજેતરમાં સની દેઓલની ફિલ્મ 'જાટ'માં નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. રણદીપ અને શ્રદ્ધા બંને ટેલેન્ટેડ કલાકારો છે, તેથી તેમને એકસાથે જોવા માટે ચાહકો પણ આતુર છે. આ ફિલ્મ સિવાય પણ બંને પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.
વ્યાવસાયિક સફળતાની સાથે સાથે આ બંને સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં પિતા બનવાના છે. બીજી તરફ, શ્રદ્ધા કપૂર પણ પોતાના પરિવાર અને બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરી રહી છે ત્યારે હવે તેમની નવી ફિલ્મની જાહેરાતે ચાહકોને ડબલ ટ્રીટ આપી છે.