રશ્મિ શુકલ
ઉનાળામાં સ્કિનને આપો ફ્રેશ લૂક
ઉનાળામાં બહાર નીકળીએ એટલે પરસેવે રેબઝેબ થઈ જઈએ. એમાંય સ્કિનના તો હાલ બૂરા થઈ જાય છે. આકરા તડકાને કારણે ચહેરો નિસ્તેજ અને કાળો પડી જાય છે. ધૂળ-માટી, પરસેવો ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે. એને કારણે સ્કિન કુદરતી નિખાર ગુમાવી બેસે છે. ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે. જેથી પિમ્પલ્સ, ટેનિંગ, રેશિઝ અને બળતરા થાય છે. એવામાં ત્વચાની દેખભાળ રાખવી ખૂબ જરૂરી છે.
અહીં તમને જણાવીશું સરળ રીતે ચહેરાની સારસંભાળ કઈ રીતે રાખી શકાય.
કિવીથી બનેલું સ્ક્રબ ચહેરાને તરોતાજા બનાવી દે છે. સ્ક્રબથી ચહેરા પરની ડેડ સ્કિન દૂર થાય છે અને ચહેરો ખીલી જાય છે.
એક કિવીની છાલ દૂર કરી એને મૅશ કરી લો. ત્યારબાદ એમાં એક ચમચી સાકર અને એક ચમચી મધ ભેળવવું. એને મિક્સ કરીને ચહેરા પર લગાવીની 2-3 મિનિટ મસાજ કરવું. પાંચ મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લેવો.
ફાયદો: કિવી અને સાકરનું સ્ક્રબ ચહેરા પર તરત ફ્રેશનેસ લાવવામાં મદદ કરે છે. ડ્રાયનેસ ઘટાડીને ડેડ સ્કિન દૂર કરે છે. સાથે જ ત્વચાને ચમકદાર બનાવે છે.
પગની માવજત પણ છે જરૂરી
ગરમીમાં માત્ર ચહેરો જ નહીં, પરંતુ પગની પણ કાળજી લેવી જરૂરી છે. ગરમીમાં પગની સ્કિન પણ નિસ્તેજ અને ડ્રાય થઈ જાય છે. બળબળતો તડકો, ધૂળ-માટી અને પરસેવાને કારણે પગ પર ટેનિંગ આવે છે. સાથે જ દુર્ગંધ પણ આવે છે. એવામાં ચહેરાની સાથે જ પગ પર પણ ધ્યાન આપવું જોઈએ. એના માટે અમે તમારા માટે અમુક ટિપ્સ લઈને આવ્યા છીએ.
પગની સફાઈ: ગરમીમાં જ્યારે પણ આપણે બહારથી ઘરે આવીએ એટલે તરત પગ ધોવા જોઈએ. પગને ઠંડા પાણીથી ધોવા જોઈએ. એનાથી ધૂળ અને પસીનો નીકળી જાય છે. પગને ધોયા બાદ એને સાફ ટોવેલથી લૂંછવા પણ જરૂરી છે. નહીં તો ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
સનસ્ક્રીનનો ઉપયોગ: તડકાને કારણે પગની સ્કિન ટેન થઈ જાય છે. એવામાં ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. સાથે જ જો શૂ પહેરતાં હોવ તો સ્વચ્છ મોજા પહેરવા જોઈએ. ગરમીમાં કૉટનનાં મોજા પહેરવા જે પરસેવો સુકાવામાં મદદ કરે છે. સાથે જ ટાઇટ ફૂટવેર ન પહેરવાં.
પગને આરામ: દિવસભરનો થાક દૂર કરવા માટે હૂંફાળા પાણીમાં મીઠુ નાખીને પગને થોડા સમય માટે એમાં રાખવા, એનાથી ઘણી રાહત મળે છે. પગના તળિયા અને નખને ફૂટ સ્ક્રબની મદદથી સાફ કરવા.
યોગ્ય દેખભાળ અને ઘરગથ્થુ ઉપાયોથી ગરમીમાં ત્વચાને સુંદર અને સોફ્ટ બનાવી શકાય છે.