Sat Jun 27 2026

Logo

શેટ્ટી ટાવર પર ગોળીબાર પહેલાં શૂટરે દારૂની મહેફિલ માણી

2026-02-17 14:40:00
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર પહેલાં ચાર આરોપીએ નિર્જન રસ્તા પર જ દારૂની મહેફિલ માણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શૂટર દીપક શર્મા, સોનુ કુમાર, સની કુમાર તેમના એક સાથી સાથે 31 જાન્યુઆરીની રાતે જૂહુ પહોંચ્યા હતા. શેટ્ટી ટાવરની છેલ્લી વાર રૅકી કરીને ચારેય આરોપી થોડે જ અંતરે આવેલી વાઈન શૉપમાં ગયા હતા.
 
વાઈન શૉપમાંથી શરાબ ખરીદીને એકાંત રસ્તા પર ચારેય જણે શરાબ પીધો હતો. પછી બે જણ વિલેપાર્લે તરફ ગયા હતા, જ્યારે દીપક અને સોનુ સ્કૂટર પર શેટ્ટી ટાવર નજીક ગયા હતા. શેટ્ટી ટાવરથી બે બિલ્ડિંગ છોડીને સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.

આરોપી સોનુ સ્કૂટર પાસે ઊભો હતો, જ્યારે દીપક ગોળીબાર કરવા શેટ્ટી ટાવર સામે ગયો હતો. અંધાધૂબંધ ગોળીબાર કરીને પાછા ફરેલા દીપક સાથે બન્ને સ્કૂટર પર ફરાર થયા હતા. જોકે જૂહુ ચર્ચ નજીક પહોંચ્યા ત્યારે તેમની નજર પોલીસની નાકાબંધી પર પડી હતી. નાકાબંધી જોઈ ડરી ગયેલા બન્ને જણ સ્કૂટરને ચર્ચ નજીક છોડી રિક્ષામાં રવાના થયા હતા.
 
કહેવાય છે કે પહેલાં જૂહુ ચોપાટી તરફ ગયા હતા અને પછી બીજી રિક્ષામાં વિલેપાર્લે સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાંથી કલ્યાણ જઈને પછી ટ્રેનથી બન્ને ઉત્તર પ્રદેશ ગયા હતા, એવું તપાસમાં જણાયું હતું.