ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ આશીર્વાદ આપતાં જ ધરૌમ્ય કબૂતર યોનીમાંથી મુક્ત થઈ માનવ યોનીમાં પ્રવેશ કરે છે અને પોતાના ગુરુને બ્રહ્મજ્ઞાન આપવા નીકળી પડે છે. માતા પાર્વતી દ્વારા પોતાના બ્રહ્મજ્ઞાનનું શું એવું પુછાતાં ભગવાન શિવ કહે છે, ‘હું આ જ્ઞાન કોઈને પણ એકવખત જ આપી શકું છું, મને ખાતરી છે કે જગત કલ્યાણ માટે તમે યોગ્ય સમયે બ્રહ્મજ્ઞાન મેળવીને જ રહેશો.’ પ્રસન્ન માતા પાર્વતી અમરનાથ ગુફામાં નિવાસ કરવાનું કહેતાં ભગવાન શિવ કહે છે, ‘તમારી ઈચ્છાને પૂર્ણ કરવા આપણે તમે કહેશો નહીં ત્યાં સુધી અહીં નિવાસ કરીશું. પણ આપણે આ રૂપમાં ન રહેતાં આપણાં પ્રતિકસમા હિમલિંગમાં જ્યોતિ સ્વરૂપે નિવાસ કરીશું.’
એ જ ક્ષણે માતા પાર્વતી અને ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે હિમલિંગમાં પ્રવેશ કરે છે. કૈલાસ ખાતે શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવના વિરહમાં દુ:ખી હોય છે. દેવર્ષિ નારદ તુરંત વૈકુંઠલોક પહોંચે છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને દિવ્યદૃષ્ટિથી માતા પાર્વતી અને ભગવાન શિવ ક્યાં વિદ્યમાન છે એ જોવાનું કહે છે. શ્રીહરિ વિષ્ણુ પોતાની દિવ્યદૃષ્ટિની જુએ છે અને કહે છે, ‘મને ફક્ત બે હિમલિંગ દેખાઈ રહ્યા છે બીજું કંઈ નહીં. મને આ રહસ્ય સમજાઈ રહ્યું નથી.’
જિજ્ઞાસુ દેવર્ષિ નારદ કહે છે, ‘પ્રભુ તમારે માતા લક્ષ્મી સાથે કૈલાસ જવું જોઈએ, જેથી શિવગણોનું દુ:ખ ઓછું થાય અને હું ભ્રમણ દ્વારા હિમલિંગનું રહસ્ય સમજવાની કોશિશ કરીશ.’ દેવર્ષિ નારદની વાત યોગ્ય લાગતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી કૈલાસ પહોંચે છે. બીજી તરફ દેવર્ષિ નારદ બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજીને પણ તેમની દિવ્યદૃષ્ટિથી જોવા કહે છે. બ્રહ્માજી પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુની જેમ દિવ્યદૃષ્ટિથી જોઈ કહે છે કે, મને ફક્ત બે હિમલિંગ દેખાઈ રહ્યા છે બીજું કંઈ નહીં.
દેવર્ષિની વાત સાંભળી બ્રહ્માજી અને માતા સરસ્વતી પણ કૈલાસ પહોંચે છે. આકાશમાર્ગે આગળ વધતાં દેવર્ષિ નારદની દૃષ્ટિ મહર્ષિ ઓર્વના આશ્રમ પર પડે છે. ઋષિ ધરૌમ્ય માનવ યોની મેળવી ગુરુ ઓર્વનાં ચરણોમાં બેઠા છે. દેવર્ષિ નારદ તુરંત તેમની પાસે પહોંચતાં જ ઋષિ ધરૌમ્ય તેમનો આભાર માનતા કહે છે, ‘તમારા કહેવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીએ મને આશીર્વાદ આપી કબૂતરયોનીમાંથી મુક્ત કર્યો અને બ્રહ્મજ્ઞાન આપ્યું.’ દેવર્ષિ નારદ દ્વારા પૂછાતાં ઋષિ ધરૌમ્ય જણાવે છે કે ‘ભગવાન શિવ માતા પાર્વતીને બ્રહ્મજ્ઞાન આપવા અને મને કબૂતર યોનીમાંથી મુક્ત કરવા હિમાલય પર્વતમાળામાં અમરનાથ ગુફાનું નિર્માણ કર્યું છે.’
ભગવાન શિવ અને માતા પાર્વતી કયા સ્થાન પર વિદ્યમાન છે એની જાણકારી મળતાં જ દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે અને કૈલાસ પહોંચે છે. ત્યાં પહેલેથી જ માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી અને બ્રહ્માજી ઉપસ્થિત હોય છે. દેવર્ષિ નારદ જણાવતા કહે છે કે, માતા પાર્વતી અને ભગવાન શિવે મહર્ષિ ઓર્વના શિષ્ય ઋષિ ધરૌમ્યને હિમાલયની પર્વતમાળાની એક ગુફામાં કબૂતરયોનીમાંથી મુક્ત કરી બ્રહ્મજ્ઞાન આપ્યું છે. તો ચાલો અમરનાથ ગુફા.’
---
આટલું કહેતાં જ માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી અને સમસ્ત શિવગણ ત્યાંથી નીકળી અમરનાથ ગુફા તરફ પ્રયાણ કરે છે. થોડા સમયમાં જ સમસ્ત દેવગણ અમરનાથ ગુફા પહોંચે છે. તેઓ જુએ છે કે સામે બે હિમલિંગ વિદ્યમાન છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવર્ષિ મને આ જ બે હિમલિંગ દૃશ્યમાન થતી હતી.’
બ્રહ્માજી: ‘મને પણ આ જ બે હિમલિંગ દૃશ્યમાન થતી હતી.’
માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી અને સમસ્ત શિવગણ દ્વારા બંને હિમલિંગની લાંબો સમય સુધી પૂજા-અર્ચના ચાલુ રહેતાં માતા પાર્વતી અને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન અમરેશ્વર સાક્ષાત દર્શન આપે છે.
ભગવાન શિવ: ‘અહીં ઉપસ્થિત દેવીઓ પોતાની મનોકામના અને શ્રદ્ધા અનુસાર બ્રહ્મજ્ઞાન મેળવવાની ઇચ્છા ધરાવી પ્રયત્ન કર્યો અને પોતાની પાત્રતા બાબતે ઘણા પ્રશ્નો ઉઠાવ્યાં. હું તમને જણાવવા માગું છું કે, બ્રહ્મજ્ઞાન મેળવવાનો અધિકાર એને છે જે સાંસારિક મોહને ત્યાગી ચૂકયો હોય અને કોઈ સાંસારિક ઇચ્છા પણ ન હોય. જીવનથી મુક્ત થઈ પરમાત્મામાં વિલય થવા ઇચ્છુક હોય અને તેનો એકમાત્ર ઉદ્દેશ શિવતત્ત્વની પ્રાપ્તિ કરવાનો હોય છે.
જો ધન અને સમૃદ્ધિની આધિપતિ દેવી લક્ષ્મી જો બ્રહ્મજ્ઞાનમાં લીન થઈ જાય તો સમગ્ર સંસારમાં દરિદ્રતા છવાઈ જશે અને કલા અને વિદ્યાની આધિપતિ દેવી સરસ્વતી જો બ્રહ્મજ્ઞાનમાં લીન થઈ જાય તો સંસારમાંથી વિદ્વાનો અને કળાકારો નિષ્ક્રિય થઈ જશે. આપણે એટલે કે દેવતાઓનું પ્રથમ કર્તવ્ય સંસારનું કલ્યાણ છે. સાંસારિક જીવોમાં ધાર્મિક જીવન વ્યતિત કરવાની ભાવનાનો વિકાસ કરવો આપણું કર્તવ્ય છે. સદાચારી, કર્તવ્યનિષ્ઠો દ્વારા અબોલ પશુ પક્ષીઓની સંભાળ રાખવાની નીતિને પ્રાધાન્ય અપાવવાના કાર્યને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. દેવતાઓએ વ્યક્તિગત સ્વાર્થનો પરિત્યાગ કરવો ઉચિત હશે. શું તમે બ્રહ્મજ્ઞાની બનીને પોતાના કાર્યથી વિમુખ થવા માગો છો.’
માતા સરસ્વતી અને માતા લક્ષ્મી: ‘દેવી પાર્વતી બ્રહ્મજ્ઞાન મેળવી લેશે એવા વિચારે અમે પણ બ્રહ્મજ્ઞાન મેળવવા ઇચ્છતા હતા, અમને ક્ષમા કરો હવે અમને જ્ઞાત થઈ ગયું છે કે બ્રહ્મજ્ઞાન કરતાં સંસારનું કલ્યાણ ઉત્તમ કાર્ય છે.’
ભગવાન શિવ: ‘ક્ષમાની આવશ્યકતા નથી દેવી! હું ફક્ત તમને સચેત કરવા માગતો હતો. દેવી લક્ષ્મી તમે વૈકુંઠલોક જઈ ફરી તમારી જવાબદારી પૂર્ણ કરો જેથી સંસારમાં દરિદ્રતા ન છવાઈ અને દેવી સરસ્વતી તમે બ્રહ્મલોક જઈ તમે પણ તમારી જવાબદારી પૂર્ણ કરો જેથી વિદ્વાનો નિષ્ક્રિય ન બને.’
માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરતાં સમસ્ત દેવગણ પોત-પોતાના લોક જઈ પોતાની જવાબદારી નિભાવવા લાગ્યાં.
---
મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી સાગર કિનારે સંધ્યાવિહાર(સનસેટ જોવા) માટે પહોંચ્યાં.
મહારાજા પ્રિયવર્ત: ‘પ્રિયે આ સંધ્યા ટાણે સૂર્યની સુંદરતા તો જુઓ.’
મહારાણી બહિષ્મતી: ‘સ્વામી હું તો તે સૂર્યની સુંદરતા અને આ સૂર્યની સુંદરતા બંને જોઈ રહી છું. મને ખબર છે કે તે સૂર્ય પોતાની જવાબદારી પ્રમાણે ઊગવું અને આથમવું ભૂલતો નથી તેમ આ સૂર્ય પણ પોતાના કર્તવ્યને નહીં ભૂલે.’
મહારાજા પ્રિયવર્ત: ‘પ્રિયે, અરે આટલું અંધારું કેમ થઈ ગયું.’
મહારાણી બહિષ્મતી: ‘અંધારું જ ન હોત તો પરોઢનું સૌંદર્ય કઈ રીતે સમજાત.’
મહારાજા પ્રિયવર્ત: ‘અંધકાર અને સૌંદર્યને શું સંબંધ?’
મહારાણી બહિષ્મતી: ‘સ્વામિ અંધકાર અને સૌંદર્યને સંબંધ છે. જો અંધકાર ન હોત તો સૌંદર્ય પણ ન હોત.’
મહારાજા પ્રિયવર્ત: ‘એટલે શું?’
મહારાણી બહિષ્મતી: ‘સૌંદર્યનો જન્મ જ ગાઢ અંધકારમાંથી થતો હોય છે. કવિના ગાઢ અચેતનમાં કવિતાનો જન્મ થાય છે અને એક ચિત્રનો જન્મ ચિત્રકારના હૃદયમાં થતો હોય છે. સમાધિ, ભક્તિ અને ધ્યાનનો જન્મ પણ ભક્તિના ગાઢ અંધકારમાં જ થતો હોય છે અને એક બીજનું અંકુરિત થવું પણ ધરતીના ગહન અંધકારમાં જ શક્ય છે. (ક્રમશ:)