Wed Jul 29 2026

Logo

શિરડીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોએ કર્યો સોનાનો વરસાદ! ગુજરાત અને MPના ભક્તોએ ચડાવ્યા લાખોના દાગીના

2026-07-29 19:06:05
Author: Mumbai Samachar Team
Article Image

@SSSTShirdi


મુંબઈ/શિરડી: ગુરુપૂર્ણિમા મહોત્સવના આગલા દિવસે સાઈ બાબાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દેશના અલગ અલગ રાજ્યોથી શિરડી પહોંચેલા શ્રદ્ધાળુઓએ સાંઈબાબાના ચરણોમાં 9.63 લાખ રૂપિયાના સોનાના દાગીના ભેટ આપ્યા હતા. મધ્ય પ્રદેશ (એમપી)ના એક ભક્તે સોનાનો મુગટ અને ગુજરાતના એક ભક્તે સોનાનો 'ૐ' ભેટ કર્યો હતો. આ દાન સાઈબાબા પ્રત્યે તેમના ભાવિક ભક્તોની અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે, જેનાથી લાખો ભક્તો પ્રેરિત થાય છે. 

સાઈબાબા સંસ્થા અનુસાર મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી સાઈ ભક્ત એકે શર્માએ બાબાને 48 ગ્રામ વજનના આકર્ષક નકાશીદાર સુવર્ણ મુગટ અર્પિત કર્યા હતા. આ સોનાના મુગટની કિંમત 6.28 લાખ રૂપિયા જણાવી છે. આ મુગટને વિશેષ રૂપથી કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જેને શ્રદ્ધાળુએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાબાના ચરણોમાં અર્પણ કર્યો હતો. 

ભક્તએ ભેટ આપ્યા સોનાના 'ૐ'
ગુજરાતના વડોદરાના રહેવાસી ભાવિક ભક્ત વિજય બાલકૃષ્ણ નાયક દ્વારા સાઈ બાબાને 25.530 ગ્રામ વજનના બે આકર્ષક 'ૐ' ભેટ કરવામાં આવ્યા હતા. જેની કિંમત 3,34,417 લાખ રૂપિયા જેટલી છે. સંસ્થાએ કહ્યું કે આ શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી સુવર્ણ ભેટ ફક્ત કિંમતી ધાતુ જ નથી, પરંતુ સાઈ બાબા પ્રત્યેની તેમની ભક્તિ, વિશ્વાસ અને સમર્પણની ભાવનાનું ચિન્હ છે. 

દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ શિરડી પહોંચીને સાઈબાબાના દર્શન કરે છે. આ પર્વ પર ગુરુ પ્રત્યે સમ્માન, કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો પાવન દિવસ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અનુસાર રોકડ, સોનુ, ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ બાબાના ચરણોમાં અર્પણ કરે છે.  

મંદિરમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી 
ગુરુ પૂર્ણિમા મહોત્સવના આગલા દિવસે મંદિર પરિસરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાઈ બાબાના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી હતી. સંસ્થાએ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરી છે. આ અવસરે શ્રી સાઈબાબા સંસ્થાના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી ભીમરાજ દરાડેએ બંને દાતાઓનું સન્માન કરી તેમના શ્રદ્ધાભાવ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓનું આ સમર્પણ સાઈ બાબા પ્રત્યે અતૂટ વિશ્વાસ અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે, જે દર વર્ષે ગુરુ પૂર્ણિમાના અવસર પર જોવા મળે છે.