Mon Oct 05 2026

Logo

ક્રિકેટર શિખર ધવન અને સોફીના શાહી લગ્ન: ઇન્ટરનેટ પર તસવીરોએ મચાવી ધૂમ

2026-02-21 20:39:00
Author: Mumbai Samachar Team
ક્રિકેટર શિખર ધવન અને સોફીના શાહી લગ્ન: ઇન્ટરનેટ પર તસવીરોએ મચાવી ધૂમ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બર બેટ્સમેન શિખર ધવન પોતાની જિંદગીની એક નવી અને સુંદર ઇનિંગની શરૂઆત કરી દીધી છે. શિખર ધવને તેમની લેડી લવ સોફી સાથે સાત ફેરા લઈને લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. આ લગ્નની સત્તાવાર જાણકારી તેમના ખાસ મિત્ર અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આપી છે. આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને ચાહકો આ નવા જોડાને આશીર્વાદ આપી રહ્યા છે.

શિખર અને સોફીના લગ્ન માટે 'વ્હાઇટ અને આઇવરી' કલરની ખાસ થીમ પસંદ કરવામાં આવી હતી, જેમાં આ કપલ કોઈ રાજવી પરિવાર જેવું દેખાતું હતું. યુઝવેન્દ્ર ચહલે જે તસવીરો શેર કરી છે તેમાં નવદંપતી સફેદ અને સોનેરી ફૂલોથી તૈયાર કરાયેલ મંડપમાં સ્ટેજ પર ઉભેલા જોવા મળે છે. ચહલે કેપ્શનમાં 'મેરે યાર કી શાદી હૈ...' લખીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ લગ્ન પ્રસંગે ચહલ પોતે પણ સફેદ રંગના બંધગળા કોટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો અને વરઘોડામાં ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો.

દુલ્હનના અવતારમાં સોફી કોઈ પરી જેવી સુંદર લાગી રહી હતી. તેણે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શનનો આશરે 8.25 લાખ રૂપિયાની કિંમતનો આઇવરી અને ઓરેન્જ કલરનો 3D ફ્લાવર ટ્રેલ લહેંગો પહેર્યો હતો. આ આઉટફિટમાં પર્લ એમ્બ્રોઇડરી અને હાથથી કરેલી બારીક કઢાઈ તેના લૂકને એલિગન્ટ બનાવી રહી હતી. જ્વેલરીની વાત કરીએ તો સોફીએ મોતી અને કુંદનનો નેકલેસ તથા નાની ટીકી પહેરી હતી, જે તેના ચહેરાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

બીજી તરફ શિખર ધવને પણ પોતાના વેડિંગ લૂકથી સૌને ચોંકાવી દીધા હતા. સફેદ રંગની એમ્બ્રોઇડરી વાળી શેરવાની અને માથે બાંધેલી શાનદાર પાઘડીમાં તે રાજકુમાર જેવો દેખાતો હતો. તેણે ગળામાં પન્નાની લાંબી માળા પહેરી હતી, જે તેના સફેદ આઉટફિટ સાથે આકર્ષક રોયલ કોન્ટ્રાસ્ટ ઉભો કરતી હતી. શિખરના ચહેરા પરની મુસ્કાન તેના નવા જીવનના આનંદને સ્પષ્ટપણે રજૂ કરી રહી હતી. ક્રિકેટના મેદાન પર રનનો વરસાદ કરનાર ગબ્બર હવે સંસારના મેદાન પર નવી સફર શરૂ કરી ચૂક્યા છે.