Fri May 01 2026

Logo

શેરેગરકાંડના રોકાણકારો વધુ એકવાર છેતરપિંડીનો ભોગ બન્યાં...

2026-04-01 09:33:00
Author: Praful Shah
Article Image

 

પ્રફુલ શાહ

મુંબઇ પોલીસ પાસે અશોક શેરેગર આણિ મંડળી વિરુદ્ધ એક પછી એક ફરિયાદ આવવા માંડી હતી. અંતે  પોલીસે 1997ના  નવેમ્બર મહિનામાં શેરેગર અને એની નેટવર્કના ભાગ સમા અમુક એજન્ટની ધરપકડ કરી હતી. આ દરમિયાન ધડાધડ પોલીસ કમ્પેલઇન થવા માંડી હતી. એનો આંકડો વધતા-વધતા બે હજારને આંબી ગયો હતો.

આ ભયંકર છેતરપિંડી મામલામાં મહારાષ્ટ્ર પ્રોટેકશન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (એમ. પી. આઇ. ડી.) કોર્ટના હસ્તક્ષેપને પગલે રોકાણકારોને થોડું વળતર મળવાનું શરૂ થયું હતું. આમાં બે શર્ત હતી. એક, ફરિયાદ વર્ષ 2000ના જાન્યુઆરી અગાઉ થયેલી હોવી જોઇએ. બે, વળતરનું પ્રમાણ આંશિક હતું એટલે કે યોજના મુજબ 25થી 100 ટકા વચ્ચે હતું.

પરંતુ આ છેતરપિંડી અને ફરિયાદ તથા વળતર વચ્ચે શું થયું એ જાણવું જોઇએ.

ફરિયાદને તપાસ અધિકારીઓએ શેરેગરના ભંડોળ અને ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. એના અને સાથીઓના 192 બૅંક ખાતામાં તે સમયે દસ કરોડની રકમ જમા પડેલી હતી. આમાંથી આવકવેરા ખાતાએ 4.30 કરોડ વેરા પેટે મેળવવાનો દાવો કર્યો હતો. બાકીની રકમ બૅન્કમાં ફિકસ્ડ ડિપોઝિટ તરીકે મૂકી દેવાઇ હતી. આનો ઉપયોગ માત્ર ને માત્ર રોકાણકારોને વળતર ચુકવવા માટે કરવાનો આદેશ અપાયો હતો. જોકે અદાલતે આવકવેરા ખાતાને 4.30 કરોડની રકમ પોલીસને પાછી આપવાનો આદેશ આપ્યો હતો, કે જેથી વધુને વધુ લોકોને શકય એટલું વધારે વળતર ચૂકવી શકાય.

શેરેગર કૌભાંડને ષડયંત્રકારીઓની બદઇરાદા સાથે રોકાણકારોની અવિચારી, અતાર્કિક લાલચ અને ઉતાવળે ધનવાન બનવાની વૃત્તિનું ય પરિણામ ગણાવી શકાય. નજીવા સમયમાં મૂડી રોકાણ ડબલ થતું હોય તો મોટા મોટા કોર્પોરેટ હાઉસ શા માટે લમણાઝીંક કરે? આવક રળવા માટે બુદ્ધિચાતુર્ય, નિષ્ઠા, કાર્યક્ષમતા અને મહેનત કરવાને બદલે શોર્ટકટના કુંડાળામાં કૂદી પડો તો ભોગવવાનો વારો આવે ને આવે જ.

આવું જ ચોક્કસપણે થયું. આ અગાઉ આવું થયું હતું તે પછી પણ કાળી મજૂરી કરનારાઓ આ બધા કપટથી સાવ અજાણ હોતા નથી પણ એ બે-પાંચ-પચીસને નાની-નાની રકમ ઝડપભેર બમણી થવાની વાત જાણીને લલચાઇ જાય, આશા બાંધી બેઠો. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ફાવી જાય.

આ શેરેગર કૌભાંડમાં રોકાણકારો સાથે પહેલીવાર છેતરપિંડી થઇ એ કરી કાવતરાખોરોએ, પરંતુ એમની સાથે બીજીવાર પણ એવું થયું ને એ વધુ આઘાતજનક હતું.

થયું એવું કે કોર્ટના આદેશ મુજબ મુંબઈ પોલીસની ચપળ અને કાર્યક્ષમ ગણાતી પાંખ ઇ.ઓ.ડબલ્યુ.(ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ અર્થાત્ આર્થિક ગુના શાખા) એ શેરેગર કૌભાંડના શિકાર બનેલા 1750 જણાના વળતરના ચેક સહી કર્યાં હતા, પરંતુ... પરંતુ આ ચેક મૂળ રોકાણકાર સુધી પહોંચ્યા જ નહીં!

એ વળી કંઇ રીતે થયું? ને એ કેવી રીતે બહાર આવ્યું? 2005ની 21મી માર્ચે ભોઇવાડા પોલીસમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી કે પોતાનું રૂ. 1300નું  ડિવિડંડ વોરન્ટ કોઇ અજાણ્યા શખસે વટાવી લીધું છે. પોલીસ જાણતી નહોતી કે આ નાનકડી રકમની તપાસ અન્ય મોટા કૌભાંડ સુધી દોરી જવાની હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ડિવિડંડ વૉરન્ટ ભોઇવાડાની ગજરાજ કો-ઓપરેટિવ સોસાયટીમાં ભૈરવ એન્ટરપ્રાઇઝિસના ખાતામાં જમા થયું હતું. વધુ ઊંડાણમાં તપાસ કરતા પોલીસને અન્ય કંપનીના લાખો રૂપિયાના ડિવિડંડ વૉરન્ટ  અને એક કંપનીનો લાખો રૂપિયાનો ચેક જમા થયાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, શેરગેર કૌભાંડમાં છેતરાયેલા રોકાણકારોનો ઇ. ઓ. ડબ્લ્યુ.એ આપેલા વળતરના 1750 ચેક પણ આ જ ખાતામાં જમા થયા હતા.

પોલીસે આ જાણકારી ઇ.ઓ.ડબ્લ્યુ.ને આપી એના બે વર્ષ બાદ આ નવા કેસમાં બે જણાની ધરપકડ થઇ હતી. આ સાથે ઇ. ઓ. ડબ્લ્યુ. એ નવી ફરિયાદ લખી હતી. 

આમેય મોટાભાગના છેતરપિંડીના કે અન્ય ગુનાહિત કેસમાં સમયાંતર ઘણાંની દિલચસ્પી ઘટતી જતી હોય છે અને અંતમાં ખરેખર શું થયું એ જાણવાનો સમય બહુ ઓછાં પાસે હોય છે.   

 (સંપૂર્ણ)