Sun Sep 13 2026

Logo

રાજકીય પરિસ્થિતિ પર શરદ પવારની અધ્યક્ષતામાં એનસીપી (એસપી)ની બેઠક, રોહિત પવાર ગેરહાજર

2026-05-20 19:51:42
Author: Vipul Vaidya
રાજકીય પરિસ્થિતિ પર શરદ પવારની અધ્યક્ષતામાં એનસીપી (એસપી)ની બેઠક, રોહિત પવાર ગેરહાજર

મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે બુધવારે મુંબઈમાં દેશ અને મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા અને પક્ષને પુનર્જીવિત કરવા માટે રણનીતિઓ ઘડી કાઢવા માટે એક મહત્વપૂર્ણ પક્ષની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. 

પક્ષના વિધાનસભ્ય અને પવારના પૌત્ર રોહિત પવાર બેઠકમાં હાજર રહ્યા નહોતા, જોકે તેમણે નારાજ હોવાના એવા અહેવાલોને ‘પાયાવિહોણા’ ગણાવતાં કહ્યું હતું કે તેમને કર્જત-જામખેડ મતવિસ્તાર અને બારામતીના ખેડૂતોને અસર કરતી તાત્કાલિક પાણીની સમસ્યાને ઉકેલવા માટે પુણેમાં જવું પડ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળના શાસક એનસીપી જૂથમાં આંતરિક ઝઘડાના અહેવાલોની પૃષ્ઠભૂમિ વચ્ચે આ બેઠક થઈ રહી હતી, જેમાં પક્ષના દિગ્ગજ નેતા સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને દેખીતી રીતે બાજુ પર રાખવામાં આવ્યા છે. તટકરે ગયા અઠવાડિયે મુંબઈમાં શરદ પવારને મળ્યા હતા.

બુધવારે એનસીપી (એસપી)ના સાંસદો, વિધાનસભ્યો અને 2024 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો દક્ષિણ મુંબઈના વાય.બી. ચવ્હાણ સેન્ટર ખાતે યોજાયેલી પાર્ટીની બેઠકમાં હાજરી આપી હતી. 2024ની વિધાનસભા ચૂંટણી અને આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એનસીપી (એસપી)ના પ્રદર્શન પર ચર્ચા-વિચારણા ઉપરાંત, મુખ્ય રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પાર્ટીના વલણ તેમજ 10 જૂનના રોજના સ્થાપના દિવસના કાર્યક્રમની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ રહી હતી.

રોહિત પવારે એક્સ પર એક પોસ્ટમાં બેઠકમાં તેમની ગેરહાજરી અંગેની અટકળોને ફગાવી દીધી હતી. ‘મીડિયાના કેટલાક વિભાગોમાં મારા નારાજ હોવાના અહેવાલો પાયાવિહોણા છે. અમે આદરણીય પવાર સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરતા કાર્યકરો છીએ,’ એમ તેમણે કહ્યું હતું. રોહિત પવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટી અને તેના વરિષ્ઠ નેતાઓ આ મુદ્દે યોગ્ય નિર્ણય લેશે.