Thu Mar 12 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ શાહિદ કપૂર ‘હીટ’ ને ‘ફલોપ’ ફિલ્મનાં ચક્કરમાં અટવાયેલો કલાકાર

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

ઉમેશ ત્રિવેદી


હિન્દી ફિલ્મોમાં ગીતોનું ખૂબ જ મહત્ત્વ છે અને ફિલ્મનાં ઘણા દિગ્દર્શકો એવાં પણ છે જે ગીતોનાં પિકચરાઇઝેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચતા હોય છે અને તેમનાં ગીતોમાં હીરો-હિરોઇન ઉપરાંત બીજાં 100-200 ડાન્સરો બેકગ્રાઉન્ડમાં નાચ્યા કરતા હોય છે. આવા બ્રેકગ્રાઉન્ડ ડાન્સરમાંથી કોઇ હીરો બનીને ઊભરે અને તે લોકપ્રિય સ્ટાર તરીકે આગળ આવે એ સાવ દિવાસ્વપ્ન જેવું લાગે ને? પણ હકીકતમાં એવું થયું છે અને આજે તે એક ‘સ્ટાર’ છે. 


અમે શાહિદ કપૂરની વાત કરી રહ્યા છીએ. નીલિમા આઝીમ અને પંકજ કપૂરને ત્યાં 25મી ફેબ્રુઆરી 1981ના જન્મેલા શાહિદ કપૂરે માત્ર 16 વર્ષની ઉંમરે 1997ના આવેલી ‘દિલ તો પાગલ હૈ’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે બોલિવૂડમાં પ્રવેશ મેળવ્યો હતો. તે પોતાના જોરે જ ફિલ્મ દુનિયામાં આગળ આવવા માગતો હતો એટલે તેને કોઇ બેનરે ‘એક સ્ટાર સન’ તરીકે  લોન્ચ નથી કર્યો. તે જાતમહેનતે ‘સ્ટ્રગલ’ કરીને આગળ આવ્યો છે.


‘દિલ તો પાગલ હૈ’ પછી 1999માં આવેલી ‘તાલ’ ફિલ્મમાં પણ તે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે હતો. ત્યારબાદ તેણે તે સમયે અનેક મ્યુઝીક વીડિયોમાં ડાન્સર તરીકે કામ કર્યું. જોકે, તેનાં ચાર વર્ષ બાદ તેની મહેનત રંગ લાવી. તેને પહેલી ફિલ્મ ‘સોલો હીરો’ તરીકે મળી. એ ફિલ્મ હતી કેન ઘોષની ‘ઇશ્ક વિશ્ક’. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ. ફિલ્મમાં તેની સાથે અમૃતા રાવ અને શાહનાઝ ટ્રેઝરીવાલા હતી. આ બંને હીરોઇનો રૂપેરી પડદેથી ગુમ છે. પણ શાહિદ કપૂર હજી હીરો તરીકે અડીખમ છે. જોકે, તેની કારકિર્દીમાં સતત ઉતાર-ચઢાવ આવતો રહે છે. એકાદ  ફિલ્મ ‘સુપરહીટ’ સાબિત  થાય, પછી પાંચથી છ ફિલ્મ પીટાઇ જાય. પણ રોમાન્ટિક ફિલ્મોને કારણે શાહિદ કપૂરની ગાડી ચાલ્યા કરે છે.


પહેલી ફિલ્મ હીટ ગયા પછી તેની સતત પાંચેક ફિલ્મ ફલોપ ગઇ. તેમાં ફીદા, દિલ માંગે મોર, દિવાને હુએ પાગલ, વાહ લાઇફ હો તો ઐસી અને શિખર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે, 2006માં તેની ત્રણ ફિલ્મ રિલીઝ થઇ અને બોકસ ઓફિસ પર એ ત્રણેય ફિલ્મ ચાલી ગઇ. તેમાં કરીના કપૂર સાથેની ‘36 ચાઇના ટાઉન’ અને ‘ચૂપ ચૂપ કે’નો સમાવેશ થાય છે અને અમૃતા રાવ સાથેની ‘વિવાહ’ ફિલ્મનો સમાવેશ થાય છે.


2007માં કરીના કપૂર સાથેની ‘જબ વી મેટ’ આવી અને તે સમયે તેનાં અને કરીના કપૂરના પ્રેમની અફવાઓ પણ ચગી હતી. એ ફિલ્મ સુપરડુપર હીટ સાબિત થઇ. તેની સાથે આવેલી ‘ફૂલ એન્ડ ફાઇનલ’, ત્યાર પછી આવેલી ‘કિસ્મત કનેકશન’, ‘દિલ બોલે હડિપ્પા’, ‘ચાન્સ પે ડાન્સ’, ‘પાઠશાલા’, ‘બદમાશ કંપની’, ‘મિલેંગે-મિલેંગે’, ‘મૌસમ’ જેવી ફિલ્મો ફલોપ થઇ. એ વચમાં ‘તેરી મેરી કહાની’ અને ‘કમિનેં’ જેવી ફિલ્મો ચાલી.


‘કમિનેં’મા શાહિદ કપૂરે પહેલી જ વાર વિશાલ ભારદ્વાજ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 2009માં આવી હતી અને હવે 2026માં શાહિદ કપૂરને ફરી એકવાર ‘હીટ’ ફિલ્મની જરૂર છે, ત્યારે વિશાલ ભારદ્વાજ સાથે તેની ‘ઓ રોમિયો’ આવી છે. ‘ઓ રોમિયો’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, જેમાં શાહિદ કપૂરની સાથે તૃપ્તિ ડીમરી, નાના પાટેકર, તમન્ના ભાટિયા, દિશા પટણી અને વિક્રાંત મેસ્સી જેવાં કલાકારો છે. જોકે, 17 વર્ષમાં શાહિદ કપૂરે વિશાલ ભારદ્વાજની ચાર ફિલ્મોમાં અભિનય કર્યો છે.


2009માં આવેલી ‘કમિનેં’ પછી 2014માં ‘હૈદર’ 2017માં ‘રંગૂન’ અને હવે 2026માં ‘ઓ રોમિયો’ વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં શાહિદ કપૂરનું કામ જરૂર વખાણાય છે, પણ ‘હૈદર’ અને ‘રંગૂન’માં તેને સફળતા મળી નહોતી.


શાહિદ કપૂરની સફળ ફિલ્મોમાં ‘ઉડતા પંજાબ’, ‘પદમાવત’, ‘કબીર સિંહ’, ‘બ્લડી ડેડી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એક સમયે કરીના કપૂર અને ત્યાર પછી પ્રિયંકા ચોપરા સાથે તેનું નામ સંકળાયું હતું. પણ, એ બન્ને અભિનેત્રીઓ પરણી ગઇ અને શાહિદ કપૂર પણ મીરાં રાજપૂત સાથે પરણીને ઠરીઠામ થઇ ગયો છે.


શાહિદ કપૂરે ‘ફર્ઝી’ નામની સીરિઝમાં કામ કરીને ઓટીટી પર પદાર્પણ કર્યું હતું. તેની આ સીરિઝ ખૂબ જ વખણાઇ હતી, હવે તેની બીજી સિઝન પણ આવવાની છે. શાહિદ કપૂરે પિતા પંકજ કપૂર સાથે બેથી ત્રણ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પણ તેને નસીબ સાથ આપતું નથી. એટલે પિતા-પુત્રની જોડીને લોકો સ્વીકારતા નથી. નહીતર પંકજ કપૂર પીઢ કલાકાર છે અને અભિનયમાં અત્યારે તેમની તોલે આવે એવો કોઇ કલાકાર નથી.


‘ઓ રોમિયો’ પછી શાહિદ કપૂરની ‘કોકટેલ-ટુ’ ફિલ્મ આવવાની છે. તેમાં તેની સાથે કૃતિ સેનન અને રશ્મિકા મંદાના છે. આ ફિલ્મ પછી રશ્મિકા મંદાના સાથે તેની વધુ એક રોમકોમ એટલે કે રોમાન્ટિક કોમેડી ફિલ્મ આવવાની છે. શાહિદ કપૂર તેની રોમોન્ટિક ફિલ્મો માટે જાણીતો છે અને તેને વધુ સફળતા એવી ફિલ્મોમાં જ મળે છે.


શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર પણ બોલિવૂડમાં ધીમે-ધીમે પગ જમાવી રહ્યો છે, ત્યારે એક બેક ગ્રાઉન્ડ ડાન્સરમાંથી મુખ્ય અભિનેતા સુધીની શાહિદની અભિનયની સફર પ્રેરણાદાયક સાબિત થઇ છે.

OTT નું હોટસ્પોટ

14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી

આ વખતે 15 ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ હોય એવો રોમાંચ જોવા મળશે.  રવિવાર, 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન ટીમ ટકરાવાની છે. અનેક વિવાદો પછી પાકિસ્તાનની ટીમ ભારત સાથે રમવા તૈયાર થઇ છે.

દર વખતે ભારત સામે નાલેશીભરી હાર થતી હોવાથી પાક. ટીમ ભારત સામેની મેચ ટાળવા માગતી હતી, પણ આઇસીસીના કડક નિર્ણય સામે પાકિસ્તાન સરકારને પણ ઝૂકવું પડયું છે અને અંતે રવિવારે ‘હાઇ વૉલ્ટેજ’ મેચ દર્શકોને સોની લીવ અને જિયો હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પર અને ‘સ્ટાર સ્પોર્ટસ’ પર જોવા મળશે.

ટી-20 વર્લ્ડ કપની મેચો સાથે ઓટીટી પ્લેટફોર્મ પર બીજું શું જોવા મળશે તેનાં પર એક નજર નાખીએ.

ઝી ફાઇવ : અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ‘કેનેડી’ 20 ફેબ્રુઆરીએ જોવા મળશે. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનાં ખૂબ જ વખાણ થયા છે. 

ફિલ્મનાં મુખ્ય કલાકારો સની લિઓની અને રાહુલ ભટ્ટ છે.

જિયો હોટસ્ટાર : આ ઓટીટી પ્લેટફોર્મ પર આજે (13 ફેબ્રુઆરીએ) હોરર-થ્રીલર ફિલ્મ ‘ધ કોન્જયુઝરિંગ લાસ્ટ રાઇટસ’નું’ પ્રસારણ થશે.

નેટ ફિલક્સ : અહીં તમને 18 ફેબ્રુઆરીએ ‘બીઇંગ ગોર્ડન રૈમસે’નું પ્રસારણ આકર્ષિત કરશે, તો 19 ફેબ્રુઆરીએ એકશન થ્રીલર સીરિઝ ‘ધ નાઇટ’ એજન્ટની ત્રીજી સિઝન પણ માણવા મળશે.

એમેઝોન પ્રાઇમ : અહીં 14 ફેબ્રુઆરીએ 56 ડેઝની પહેલી સિઝન જોવા મળશે.

આ ઉપરાંત હાલ આ અઠવાડિયું ‘વેલેન્ટાઇન વીક‘ તરીકે ઓળખાય છે, ત્યારે જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર તમને હાલની સુપરડુપર હીટ ફિલ્મ ‘સૈયારા’ અને ‘એક દિવાને કી દિવાનિયત’ જેવી ફિલ્મોનું પુન:પ્રસારણ જોવા મળશે.