ભુજઃ ખાડી દેશોમાં ચાલી રહેલા અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ખતરનાક સ્તરે પહોંચી ચૂકેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ લગભગ બંધ થઇ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠા પર સંકટના વાદળો છવાયેલા છે, ત્યારે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયાના યાનબો પોર્ટથી ૪૮,૦૦૦ ટન એલપીજીનો જથ્થો લઈને નીકળેલું વિશાળ જહાજ 'AL AIN' આગામી રવિવારે વહેલી સવારે કચ્છના મુંદ્રા અદાણી બંદર પર લાંગરશે.
હાલમાં ખાડી દેશોમાં એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર જહાજો પર જોખમ વધ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ગેસ અને ક્રૂડ ઓઈલના પુરવઠામાં અછત સર્જાતાં અનેક દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આ કપરા સમયમાં સાઉદી અરેબિયાથી આટલો મોટો જથ્થો સુરક્ષિત રીતે ભારત પહોંચવો એ દેશની ઊર્જા સુરક્ષા માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.
મળતી સત્તાવાર વિગતો મુજબ, AL AIN' જહાજ કુલ ૪૮,૦૦૦ મેટ્રિક ટન એલપીજી સાથે આવી રહ્યું છે જેમાં કચ્છના મુંદ્રા બંદર પર આ જહાજમાંથી અંદાજે ૨૮,૦૦૦ ટન ગેસ ઉતારવામાં આવશે. ત્યારબાદ, બાકીનો જથ્થો ખાલી કરવા માટે જહાજ કર્ણાટકના મેંગલોર બંદર તરફ પ્રયાણ કરશે. આ જથ્થાના આગમનથી દેશના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં રાંધણ ગેસના સપ્લાયમાં ઉભી થયેલી અનિશ્ચિતતા હાલ પૂરતી હળવી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણની અછત અને વધતા ભાવો વચ્ચે આ શિપમેન્ટના આગમનથી સ્થાનિક બજારમાં એલપીજીના ભાવ અને પુરવઠા પર સકારાત્મક અસર પડશે.
મુંદ્રા બંદરની જેટી પર જહાજ લાંગર્યા બાદ, રાજ્ય અને દેશના અન્ય હિસ્સામાં ગેસનો બોટલિંગ પ્લાન્ટ સુધીનો પુરવઠો અવિરત ચાલુ રહી શકે તે માટે યુદ્ધના ધોરણે ગેસ અનલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
(ઉત્સવ વૈદ્ય)