Wed Jun 17 2026

Logo

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના મંડાણ? સાઉદી પ્રિન્સ MBS એ ટ્રમ્પને મોટો હુમલો કરવાનું કહ્યું હોવાનો દાવો

Riyadh   2026-03-24 22:53:41
Author: Mumbai Samachar Team
Article Image

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને હવે એક મહિનો પૂરો થવા આવ્યો છે, ત્યારે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માટે દબાણ કરી રહ્યા છે. ક્રાઉન પ્રિન્સનું માનવું છે કે આ સંઘર્ષ સમગ્ર પ્રદેશના નકશાને ફરીથી કંડારવાની અને ઈરાન દ્વારા ઊભા કરાયેલા લાંબા ગાળાના જોખમને કાયમ માટે ખતમ કરવાની એક ઐતિહાસિક તક છે.

મીડિયા અહેવાલ મુજબ, સાઉદી પ્રિન્સે ટ્રમ્પ સાથેની તાજેતરની ચર્ચાઓમાં ભાર મૂક્યો છે કે ઈરાનનું વર્તમાન શાસન અખાતી દેશો માટે સતત ખતરો છે. તેમણે ઈરાનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા અને જરૂર પડે તો ગ્રાઉન્ડ ઓપરેશન (જમીની હુમલા) દ્વારા તેહરાન સરકારને નબળી પાડવાનું સૂચન પણ કર્યું છે. જોકે, સત્તાવાર રીતે સાઉદી સરકારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને નિવેદન આપ્યું છે કે તેઓ હંમેશા શાંતિપૂર્ણ ઉકેલના પક્ષધર રહ્યા છે અને માત્ર પોતાના રક્ષણ માટે જ સંઘર્ષમાં જોડાયા છે.

આ યુદ્ધની સૌથી મોટી અસર વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષા પર પડી રહી છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ', જે વૈશ્વિક ઉર્જા પુરવઠા માટેનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે, ત્યાં ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે નિકાસને માઠી અસર થઈ છે. સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશોના તેલ નિકાસ પર જોખમ ઊભું થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં સંકેત આપ્યો છે કે તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માટે 'ઉત્પાદક વાતચીત' કરી રહ્યા છે, પરંતુ ક્રાઉન પ્રિન્સની આકરી કાર્યવાહીની માંગે સ્થિતિ વધુ જટિલ બનાવી છે.

નિષ્ણાતો માને છે કે સાઉદી અરેબિયા અત્યારે મોટી દુવિધામાં છે. એક તરફ તે ઈરાનને નબળું પાડીને પ્રદેશમાં પોતાનો દબદબો બનાવવા માંગે છે, તો બીજી તરફ લાંબો સમય ચાલનારું યુદ્ધ તેના 'વિઝન 2030' ના આર્થિક સુધારાના એજન્ડાને નુકસાન પહોંચાડી શકે છે. ૨૦૧૯માં સાઉદી તેલ સુવિધાઓ પર થયેલા હુમલાઓએ બતાવ્યું છે કે સાઉદી ઈરાનના પલટવાર સામે કેટલું અસુરક્ષિત છે. આર્થિક રોકાણ અને વિકાસ માટે પ્રદેશમાં સ્થિરતા અનિવાર્ય છે, જે યુદ્ધના કારણે જોખમાઈ રહી છે.