રિયાધઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના એર ડિફેન્સ સિસ્ટમે મક્કાના દક્ષિણ વિસ્તારમાં આવી રહેલ હુતી બળવાખોરોના એક ડ્રોનને આકાશમાં જ નાશ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાઉદી આગેવાની હેઠળના સૈન્ય ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલકીના જણાવ્યા પ્રમાણે, મંગળવારની સાંજે આ ડ્રોન ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું. જુલાઈ 2017માં બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા બાદ મક્કાને નિશાન બનાવવાનો હુતીઓનો આ બીજો પ્રયાસ છે. સાઉદી સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે મક્કાની સુરક્ષા તેમના માટે રેડ લાઈન સમાન છે. એટલું જ નહીં પરંતુ સાઉદી અરબે મક્કામાં પહેલીવાર ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે.
મક્કા પર હુમલા અંગે હુતી જૂથનો ઈનકાર
હુતી રાજકીય બ્યુરોના સભ્ય મોહમ્મદ અલ-ફરાહે મક્કાને નિશાન બનાવવાનો ઈનકાર કર્યો અને સાઉદી અરેબિયાના આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો છે. જોકે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન યમનના ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર અનેક હુમલા કર્યા છે. સોમવારે પણ હુતીઓએ સાઉદી એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 13 નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત, હુતી બળવાખોરોએ Bab al-Mandab Strait નજીક યમનના રેડ સી કિનારે કબ્જો જમાવ્યો છે, જેનાથી તેલના પરિવહન પર જોખમ વધી ગયું છે.
વૈશ્વિક તેલ પુરવઠો અને ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર સંકટ!
છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા યુએસ-ઈરાન સંઘર્ષને કારણે હોર્મુઝ દરિયાઈ માર્ગમાં શિપિંગ સેવાઓ પહેલાથી જ ખોરવાઈ ગઈ છે. શુક્રવારે ઈરાન સમર્થિત ઈરાકી જૂથ દ્વારા સાઉદી અરેબિયાની 1,200 કિલોમીટર લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ મુખ્ય ઓઈલ ટ્રાન્સપોર્ટ રૂટ બંધ કરવો પડ્યો છે. જો આ પાઈપલાઈન લાંબા સમય સુધી બંધ રહે તો વૈશ્વિક ક્રૂડ સપ્લાયમાં 4 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. જોકે, યુએસ એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટે આશા વ્યક્ત કરી છે કે આગામી થોડા દિવસોમાં પાઈપલાઈનમાંથી તેલનું વહન ફરી શરૂ થઈ જશે.
લશ્કરી મદદ માટે યુએસ સાથે સંપર્ક
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સૈન્ય સહાયની માંગ કરી હતી. હાલમાં અમેરિકા સાઉદી અરેબિયાને ઈન્ટેલિજન્સ સપોર્ટ પૂરો પાડી રહ્યું છે, પરંતુ પ્રદેશમાં વધી રહેલા યુદ્ધના ભય વચ્ચે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.