વિસાવદર: મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશના ચૂલાઓ પર જોવા મળી રહી છે, ત્યારે આવા સમયે પણ સૌરાષ્ટ્રની જગ્યાઓના અનેક અન્નક્ષેત્રો સતત ધમધમી રહ્યા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ આપા ગીગાની જગ્યા, સતાધાર ખાતે રાજ્યનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. સતાધારની જગ્યાએ તેની મૂળ પરંપરામાં રહેલી ગૌસેવાની સાથે બાયોગેસ પ્લાન્ટને અપનાવીને આજે દૈનિક 10 હજાર જેટલા યાત્રાળુઓ માટે બાયોગેસના ઉપયોગથી પ્રસાદ તૈયાર કરવામાં છે. હાલમાં અહીં 85 ઘન મીટરની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જ્યારે વધારાના બે પ્લાન્ટનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે, જે તેને રાજ્યની સૌથી મોટી સંસ્થાકીય બાયોગેસ સુવિધા બનાવે છે.

જૂનાગઢ જિલ્લાના સતાધાર વિસ્તારમાં રાજ્યનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્લાન્ટ દ્વારા રોજિંદા મોટા પ્રમાણમાં સજીવ કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા રાજ્યમાં અત્યાર સુધીના તમામ પ્લાન્ટ કરતાં વધુ છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઊર્જા ઉત્પાદન વધશે અને પરંપરાગત ઇંધણ પરનો આધાર ઘટશે. પ્લાન્ટમાં ઉત્પન્ન થતો બાયોગેસ વીજળી ઉત્પાદન તેમજ રસોઈ ગેસ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવશે.
સતાધારની જગ્યાનો ઇતિહાસ ગાયો સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. લોકવાયકા અનુસાર, જ્યારે ચલાલાથી દાન મહારાજે આપા ગીગાને જગ્યા સ્થાપવાનો આદેશ કર્યો ત્યારે તેમણે 108 ગાયો આપા ગીગાને આપી હતી. ત્યારબાદ તેઓ ગીરમાં હાલ જ્યાં સતાધાર છે ત્યાં આવીને તેમણે જગ્યાની સ્થાપના કરી. હાલ જગ્યાની ગૌશાળામાં આશરે 1,000 ગાયો છે, જેનું છાણ આ પ્લાન્ટ માટે મુખ્ય કાચો માલ પૂરો પાડે છે. દરરોજ અંદાજે 8,000 કિલો છાણનો ઉપયોગ કરીને બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે અન્નક્ષેત્રમાં અવિરત રસોઈની સુવિધા સુનિશ્ચિત કરે છે. અગાઉ આ રસોડામાં દરરોજ 800-900 કિલો લાકડા અથવા 10 થી 15 એલપીજી સિલિન્ડરનો વપરાશ થતો હતો. બાયોગેસના અપનાવવાથી માત્ર ઇંધણના ખર્ચમાં જ જંગી બચત થઈ નથી, પરંતુ લાકડાના વપરાશમાં ઘટાડો થતા પર્યાવરણનું રક્ષણ પણ થઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને ખેડુતોને સજીવ ખાતર (Organic Fertilizer) રૂપે પણ લાભ મળશે. બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતો અવશેષ ઉત્તમ ગુણવત્તાવાળું ખાતર હોવાથી કૃષિ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકારના આ પ્રયાસથી ગ્રીન એનર્જી ક્ષેત્રમાં નવી દિશા મળશે અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને વધુ મજબૂત બનાવશે. સ્થાનિક નાગરિકો અને ખેડૂતોએ પણ આ પહેલનું સ્વાગત કર્યું છે.

આ બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા રાજ્યમાં અત્યાર સુધીના તમામ પ્લાન્ટ કરતાં વધુ છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઊર્જા ઉત્પાદન વધશે અને પરંપરાગત ઇંધણ પરનો આધાર ઘટશે. પ્લાન્ટમાં ઉત્પન્ન થતો બાયોગેસ વીજળી ઉત્પાદન તેમજ રસોઈ ગેસ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવશે.

સતાધારની જગ્યાના ગાદીપતિ વિજય બાપુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા જગ્યા રસોઈના ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બની છે. વધુમાં, બાયોગેસ પ્રક્રિયાના અંતે જે સ્લરી વધે છે, તેનો ખેતીમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે. આ રીતે સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરીને એક ટકાઉ ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) આ પ્રકારના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 193 જેટલા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેના અંતર્ગત હાલમાં 60 જેટલા નવા પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. સતાધાર ધામની આ પહેલ અન્ય ગૌશાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ માટે આધુનિક અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ અપનાવવાની પ્રેરણા પૂરી પાડે છે.