અત્યારે અમેરિકા-ઈરાન અખાતી યુદ્ધના માહોલમાંવધતી જતી મોંઘવારી વચ્ચે આપણી સરકારે ‘કરકસર’ના નામે અચાનક જે પગલાં જાહેર કર્યા ંએનાથી પ્રજામાં એક પ્રકારની દહેશત ઊભી થઈ છે તો બીજી તરફ, એ જ કરકસરના નામે આપણા નેતાભાઈઓનાં દંભી ‘નાટક’ શરૂ થઈ ગયાં છે...
- વિજય વ્યાસ
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરકસરની અપીલ કરી તેના કારણે દેશમાં વિચિત્ર માહોલ છે. લોકોને પેટ્રોલ-ડીઝલ કરકસરથી વાપરવા, એક વરસ સુધી સોનું નહીં ખરીદવા, વિદેશ પ્રવાસ નહીં કરવા, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા, ખાદ્યતેલનો વપરાશ ઘટાડવા સહિતની વડા પ્રધાને અપીલો કરી તેના કારણે ભાજપના નેતાઓ હરખપદુડા થઈ રહ્યા છે. એક તરફ નેતાઓ તેમ જ શાસકોમાં કરકસરનો દેખાડો કરવાની ને મોદીની અપીલના કારણે દેશને કેટલો મોટો ફાયદો થશે એ સાબિત કરવાની હોડ જામી છે ત્યારે બીજી તરફ પ્રજામાં ફફડાટ છે.
લોકોને લાગી રહ્યું છે કે, દેશના અર્થતંત્રની હાલત કફોડી છે અને નજીકના ભવિષ્યમાં જ ઘણી બધી ચીજોની અછત સર્જાઈ શકે છે અને ચીજોના ભાવ કાબૂ બહાર જતા રહેશે. તેના કારણે લોકો સંગ્રહખોરી તરફ વળી રહ્યા છે. થોડા સમય પહેલાં રાંધણ ગેસની અછત સર્જાશે એવી વાતો ચાલી ત્યારે લોકો જ્યાંથી મળે ત્યાંથી ને જે ભાવે મળે એ ભાવે ગેસના બાટલા ભેગા કરવા માંડેલા. તેના કારણે ગેસના બાટલા બ્લેકમાં વેચાવા માંડેલા. બ્લેકમાં ગેસના બાટલાનો ભાવ પાંચ હજારને પાર થઈ ગયેલો ને એજન્સીઓની બહાર લાઈનો લાગી ગઈ હતી.
અત્યારે પણ લોકોમાં એ હદે ફફડાટ છે કે, પેટ્રોલ-ડીઝલ જેવી બહુ લાંબો સમય ના ચાલે એવી ચીજોનો પણ લોકો સંગ્રહ કરી રહ્યા છે. હવે પેટ્રોલ કે ડીઝલ તમે ભરાવી ભરાવીને કેટલું ભરાવી શકો ? બહુ બહુ તો વાહનની ટાંકી ફુલ કરાવી શકો કે પછી એક-બે કેરબા ભરાવીને રાખી શકો કે જે મહિના-બે મહિનામાં પતી જ જાય પણ જ્યારે ડર જાગે ત્યારે વિવેકબુદ્ધિ કામ કરતી નથી. અત્યારે પણ લોકોની હાલત એવી જ છે. લોકો બુદ્ધિ ચલાવ્યા વિના ધોમધખતા તડકામાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાવીને પેટ્રોલ-ડીઝલ ભરાવી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમની વાતોના કારણે દેશમાં લોકડાઉન આવી જશે એવો ડર પણ લોકોને સતાવી રહ્યો છે.
આ માહોલમાં સોના-ચાંદી અને ઝવેરાતના વેપારીઓ વળી નવી આફતમાં છે. છેલ્લાં એક વર્ષમાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા તેના કારણે ખરીદી ઘટી છે તેથી સોના-ચાંદી અને ઝવેરાતના ધંધાને અસર થયેલી જ હતી ત્યાં હવે મોદીએ તો વરસ લગી સોનું સાવ નહીં જ ખરીદવાની સલાહ આપી દીધી તેથી મોટો ફટકો પડી ગયો છે. આ ઉપરાંત, સરકારે સોના-ચાંદીની આયાત ડ્યૂટી છ ટકાથી વધારીને 15 ટકા વધારી દીધી છે એટલે ઝવેરાતના વેપારીઓ ભારે કકળાટ કરી રહ્યા છે. આ દેશના વડા પ્રધાને તેમના પેટ પર લાત મારી દીધી હોય એવું તેમને લાગી રહ્યું છે.
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ ફાટીને ધુમાડે ગયા છે અને અછત પણ સર્જાઈ રહી છે. તેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તેની લોકોને ખબર હતી. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પતે પછી તરત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જશે એવી માનસિક તૈયારી રાખીને પણ લોકો બેઠાં હતાં અને હવે સરકારે પણ પ્રતિ લિટર પેટ્રોલ-ડીઝલના ભાવ ત્રણ રૂપિયા વધારી પણ નાખ્યા છે... કરકસરના નામે સરકાર બીજી સલાહોનો મારો ચલાવી રહી છે તેના કારણે પણ લોકો હતપ્રભ છે.
લોકોને સવાલ થઈ રહ્યો છે કે, ક્રૂડની અછત સર્જાય એ તો સમજ્યા પણ તેમાં વરસ લગી સોનું-ચાંદી ખરીદવાનું બંધ શું કરવા કરવું જોઈએ ? ભારતમાં નવજાત શિશુના જન્મથી માંડીને લગ્ન સુધીના બધા સામાજિક પ્રસંગોમાં સોનું-ચાંદી શુભ મનાય છે તેથી દરેક વ્યક્તિ પોતપોતાની તાકાત પ્રમાણે સોનું-ચાંદી ખરીદે છે. આ આપણી પરંપરા છે ને હવે એ પરંપરાને બાજુ પર મૂકવાનું કેમ સલાહ અપાઈ રહી છે ? આ દેશમાં સોના-ચાંદી ને ઝવેરાતના ધંધા પર લાખો લોકો નભે છે. લોકો વરસ લગી સોનું જ ના ખરીદે તો તેમના ધંધાનું શું ? સોના-ચાંદી ને ઝવેરાતના ધંધામાં કારીગરોથી માંડીને સેલ્સ ગર્લ-બોય સુધીના નાના નાના લાખો લોકોને રોજગારી મળે છે. ધંધો ના ચાલે તો આ લોકો બેરોજગાર થશે તેનું શું ?
લોકોને એ પણ નથી સમજાઈ રહ્યું કે, મોદી ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવા કેમ કહી રહ્યા છે? અંધભક્તો મોદીની અપીલ પાછળનાં લોજિક સમજાવીને તેને યોગ્ય ઠેરવવા મથી રહ્યા છે પણ ખુદ વડા પ્રધાને તેની પાછળનું લોજિક સમજાવ્યું કે ના સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે... આવાં બધાં કારણોસર દેશનું અર્થતંત્ર બહુ ખરાબ હાલતમાં છે કે શું એવી શંકા-આશંકા પણ લોકોને થઈ રહી છે.
એક તરફ ભાજપના શાસનમાં દેશના અર્થતંત્રે જબરદસ્ત વિકાસ કર્યો હોવાની વાતો થાય છે ને બીજી તરફ ખાવાના તેલનો વપરાશ પણ ઓછો કરવો એવી અપીલ કરાય તેનો અર્થ શો ? શું આપણે ખાવાનું તેલ પણ છૂટથી ના વાપરી શકીએ એવા દિવસો આવી ગયા છે ?
પ્રજાના આવા બધા કકળાટ વચ્ચે પણ આપણા નેતાઓ એમની શોબાજીમાં મસ્ત છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બુલેટ પર ઓફિસે પહોંચ્યા તો બિહારના મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરી તો વળી પગપાળા ઓફિસે ગયા તો મહારાષ્ટ્રના જ એક વરિષ્ઠ નેતાએ અશ્વસવારી કરીને દર્શાવ્યું કે ‘પેટ્રોલનો બચાવ’ આમ પણ થઈ શકે... ! ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં માત્ર બે જ કાર રાખવાનું એલાન કરી દીધું તો યોગી આદિત્યનાથે રાજ્યનાં અડધાં સરકારી વાહનોને ગેરેજમાં મૂકાવી દીધાં. દિલ્હીનાં મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે ‘વર્ક ફોર્મ હોમ’નો ફતવો બહાર પાડી દીધો તો વડા પ્રધાન ખુદે મોદી પોતાના કાફલામાં ચાર જ કાર રાખવાની જાહેરાત કરી દીધી છે... એ જાહેરાત કરે એટલે બીજા મંત્રીઓએ પણ જખ મારીને કરસકર કરવી જ પડે તેથી બધા મચી પડ્યા છે.
નીતિન ગડકરીએ બસમાં મુસાફરી કરી નાખી તો રાજનાથસિંહ એક જ કારના કાફલા સાથે ઓફિસ પહોંચ્યા. બીજા મંત્રીઓએ પણ પોતપોતાની મતિ પ્રમાણે અલગ અલગ પગલાં લીધાં પણ બધામાં એક વાત કોમન એ છે કે પોતે કરકસર કરી છે એ બતાવવા માટે એ લોકો દિલથી ફોટો શૂટ કરાવી રહ્યા છે ને મીડિયા તથા સોશ્યલ મીડિયામાં જોરદાર પ્રચાર કરી રહ્યા છે. મોદીજીનું સફાઈ અભિયાન જે રીતે તમાશો બની ગયેલું એ રીતે કરકસરની અપીલ પણ તમાશો બની ગઈ હોય એવો માહોલ છે. આ તમાશો ક્યાં સુધી ચાલશે એ સવાલ પણ લોકોને થઈ રહ્યો છે. આ સવાલ સાચો છે કેમ કે આ બધી ‘ચાર દિન કી ચાંદની’ જેવો જ દેખાડો છે ને જેવું લોકોનું ધ્યાન હટશે કે પાછા એ જ તાયફા ચાલુ થઈ જશે. ફડણવીસ અત્યારે બુલેટ પર આવ્યા કે સમ્રાટ પગપાળા ચાલીને આવ્યા એવું બે-ચાર દાડા ચાલશે પણ પછી પાછો એ કારોનો કાફલો ને સરકારી નાણાંનો ધુમાડો ચાલુ થઈ જશે.
આપણી પ્રજા લડાયકતા ગુમાવી બેઠી છે. સત્તામાં બેઠેલા લોકો સામે સવાલ કરવાની હિંમત ગુમાવી બેઠી છે તેથી આ તાયફા સામે ભલે કોઈ બોલતું ના હોય, પણ લોકો નેતાઓનાં નાટકોથી ખુશ નથી જ. આ નાટકોના કારણે નેતાઓ પોતાની વિશ્વસનિયતા ગુમાવી રહ્યા છે. વડા પ્રધાને પણ આ વિશ્વસનિયતા ટકાવવી હોય તો કપરા સમયમાં નહીં, પણ કાયમી ધોરણે જ મંત્રીઓ ને અધિકારીઓ માટે કરકસરના નિયમો બનાવી દેવા જોઈએ.
અધિકારીઓ સરકારી કારમાં નહીં, પણ સરકારી સ્ટાફ બસમાં આવે ને મંત્રીઓ પોતાના કાફલામાં મહત્તમ બે કાર જ રાખી શકે એવા નિયમો બનાવવા જોઈએ. જેમની સુરક્ષા સામે ખતરો છે એવા વડા પ્રધાન કે ગૃહપ્રધાનના કાફલામાં ચારેક વાહનો બરાબર છે, પણ બાકીના મંત્રીઓને બે વાહનોથી ચાલી જ શકે.
હમણાં વડા પ્રધાન સોમનાથ આવ્યા ત્યારે તેમના કાર્યક્રમ માટે બે હજાર સરકારી બસો ખડકી દેવામાં આવી હતી. હવે એક બસદીઠ 100 લિટર ડીઝલ જ વપરાયું હોય તો પણ બે લાખ લિટર ડીઝલનો ધુમાડો આ કાર્યક્રમમાં જ થઈ ગયો. આ પ્રકારના ધુમાડા સદંતર બંધ કરાવી દેવા જોઈએ. વિચારવા બેસો તો ઘણાં પગલાં લઈ શકાય ને વડા પ્રધાને એ પગલાં લેવાની જરૂર છે. લોકોને તુક્કા લાગે એવી અપીલો કરવાના બદલે આ દેશને કરકસરનાં આવાં નક્કર પગલાંની જરૂર છે. નેતાઓની કરકસર માત્ર ફોટોશૂટ સુધી સીમિત ન રહેવી જોઈએ.