Thu Sep 17 2026

Logo

સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડ: ગુજરાત હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો, નવા કાયદા હેઠળની કાર્યવાહી રદ

2026-05-07 16:41:00
Author: Devayat Khatana
સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડ: ગુજરાત હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો, નવા કાયદા હેઠળની કાર્યવાહી રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વિવિધ સરકારી પરીક્ષાઓમાં 'ડમી ઉમેદવાર' બેસાડવાના આરોપ હેઠળ પકડાયેલા અનેક આરોપીઓને મોટી રાહત આપી હતી. હાઈ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ, ૨૦૨૩ હેઠળ આ કેસોમાં કાર્યવાહી કરી શકાય નહીં, કારણ કે આ કાયદો માર્ચ ૨૦૨૩માં અમલમાં આવ્યો હતો, જે કિસ્સાઓમાં ડમી ઉમેદવારો બેઠા હોવાનો આક્ષેપ છે તે પરીક્ષાઓ ૨૦૧૭ થી ૨૦૨૩ દરમિયાન (માર્ચ પહેલા) લેવાઈ હતી. આથી, સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવવાના આદેશને હાઈકોર્ટે રદ કર્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે, બંધારણની કલમ ૨૦(૧) મુજબ કોઈ પણ વ્યક્તિને તે સમયે અમલમાં ન હોય તેવા કાયદા હેઠળ દોષિત ઠેરવી શકાય નહીં. આ કાયદાકીય સિદ્ધાંત મુજબ, ગુનો જે સમયે આચરવામાં આવ્યો હોય તે સમયે અસ્તિત્વમાં હોય તેવા કાયદા જ લાગુ પડે છે.

અદાલતે અવલોકન કર્યું કે માર્ચ ૨૦૨૩માં લાગુ થયેલા નવા કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જેનાથી તેને ભૂતકાળની અસરથી લાગુ કરી શકાય. આમ, જે-તે સમયે અસ્તિત્વમાં ન હોય તેવા કાયદાનો ઉપયોગ કરવો તે ગેરબંધારણીય છે.

અદાલતે વધુમાં ઉમેર્યું હતું કે, કાયદાકીય નિષ્પક્ષતા અને બંધારણીય અધિકારોનું જતન કરવું અનિવાર્ય છે. હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે કૃત્ય તે સમયે ગુનો ન ગણાતું હોય (નવા કાયદા મુજબ), તે માટે પાછળથી બનેલા કાયદા હેઠળ ધરપકડ કે સજા થઈ શકે નહીં. આ સિદ્ધાંતને આધારે કોર્ટે તમામ અરજદારો વિરુદ્ધ 'પરીક્ષા ચોરી વિરોધી કાયદા'ની કલમો હેઠળની કાર્યવાહી રદબાતલ ઠેરવી હતી.