Thu Mar 12 2026

Logo

દુહાની દુનિયા: લાલસાહેબની ઊલટ-પલટ સાધનાભૂમિનું પદ

1 week ago
Author: ડૉ. બળવંત જાની
Article Image

રવિભાણ પરંપરાના સંતોની વિગતોથી અભિજ્ઞિત થવા માટે ગુજરાતમાં થોડા શ્રદ્ધેય માહિતી દાતાઓ છે. એમાં ભારે મોટા તો ભાણસાહેબના સમાધી સ્થાનક કમીજલા સ્થાનકના આદરણીય મહંતશ્રી સંતશ્રી જાનકીદાસ બાપુ. એમને જયારે મળીએ ત્યારે સત્સંગ થાય. ભાઈ નિરંજન રાજયગુરુને એમણે અઘરું લેશન સોંપેલું. પણ સંતકૃપા અને નિરંજનની નિષ્ઠાને કારણે એ ઉત્તમ રીતે પૂર્ણ થયું. રવિ-ભાણ સંપ્રદાયના સંત કવિ લાલસાહેબ : જીવન અને ક્વન નામથી ગયા વર્ષની ભાણ જન્મ તિથિએ મહાસુદ અગિયારસને તા.11/2/2022ના રોજ લાલસાહેબના, સમાધિ સ્થાન, લક્ષ્મીપુરા, મીરા દરવાજા પાસે પાટણ દ્વારા એમનું સંશોધનાત્મક પુસ્તક પ્રકાશિત થયું. ડૉ. નિરંજન રાજયગુરુએ સંત સાહિત્યની બહુ મોટી સેવા કરી છે. આજ સુધી ઘણાં ભજન સંગ્રહોમાં અને અભ્યાસગ્રંથોમાં લાલદાસ-લાલસાહેબ એવા સમાન નામવાળા સંતોની રચનાઓ પરસ્પર ભેળસેળ થતી આવી હતી. પહેલી વખત લાલસાહેબની બાવીશ ભજન રચનાઓ, અધિકૃત પાઠ અને અર્થઘટન સાથે અહીં સમાવિષ્ટ કરી. ઉપરાંત લાલસાહેબનું ચરિત્ર પણ એમણે આલેખ્યું. ડૉ.નિરંજન રાજયગુરુને આવા મહત્ત્વના કામ માટે હૃદયપૂર્વક અભિનંદન. 

ડૉ.નિરંજન રાજયગુરુ દ્વારા લાલસાહેબનો સમુદ્ધાર સાહિત્યનો તો થયો પરંતુ એ સ્થાનક પણ સાવ વિસરાઈ ગયેલું. એનો પણ પુનરોદ્ધા2-જીણોદ્ધા2 થયો. રવિભાણ સંતોના બધા સ્થાનકો ચૈતન્ય-જીવંત રીતે અઢી-ત્રણ સદી પછી પણ ક્રિયાશીલ છે. એ આપણાં સમયની સાંસ્કૃતિક ઘટના ગણાવી જોઈએ. લાલસાહેબનો જન્મ પાટણમાં, પરિભ્રમણ, ગુરુસાનિધ્ય અને પછી સમાધિ પણ પાટણમાં ઈ.સ.183પમાં 93 વર્ષની વયે પોતાની ગુરુ રવિસાહેબના આદેશથી બાંધેલી જગ્યામાં લીધેલી. પાટણમાં એમના શ્રદ્ધાળુઓની સંખ્યા બહુ મોટી હતી. શિષ્યવૃંંદ પણ આસપાસ રહેતું. લાલસાહેબની સાધના ભૂમિકાનો અને ગુરુકૃપાનો પરિચય કરાવતું એમનું એક ભજન આસ્વાદીએ -

 સદ્ગુરુ એસા રંગ રચાયા, તા મેં પવન પુરુષ પધરાયા,
    સદ્ગુરુ એસા રંગ રચાયા.....ટેક
જલકી બુંદ વેલ વિસ્તારા, નખ ચખ નેણ બનાયા,
મુખ કમળ નાસિકા દે નરકું, શ્રવણે શબદ સૂણાયા...
સદ્ગુરુ એસા રંગ રચાયા...    ..1
    કામ ક્રોધકું કેદ કરીજે, મોહ ભરમકું મારા,
    આશા તૃષ્ણા કબુદ્ધિ કલ્પના, વ્રેહ અગનિ પરજારા.
સદ્ગુરુ એસા રંગ રચાયા...    ..2
નાભિ કમળમેં નરત કરીજે, તન મન જનમ જગાયા,
આતમ ઝાડો અળગા કાઢી, એક નિરંજન ધાયા.
સદ્ગુરુ એસા રંગ રચાયા...  ..3
ગગન ગુફામેં ધ્યાન લગાયા, પાંચો અજર અજરાયા,
પારખ પાયા કૂડ મેટાયા, સાચમાં તત્ત્વ સમાયા.
સદ્ગુરુ એસા રંગ રચાયા...    ..4
શૂન શિખરમાં સાહબ સાખી, આપોઆપ ઉપાયા,
અકલ સરૂપ રહે અવિનાશી, નિરાધાર દરશાયા.
સદ્ગુરુ એસા રંગ રચાયા... ..પ
આપો આપે અલખ લખાયા, આપો એ જશ ગાયા,
સત્ગુરુ રવિરામ પ્રતાપે, લાલદાસ લૌ લાયા.
સદ્ગુરુુ એસા રંગ રચાયા...  ..6

રવિ-ભાણ પરંપરાની સાધનાધારાને પોતાની વાણીમાં એ પરંપરાના વિવિધ સંતોએ વણી લીધી છે. મને લાલસાહેબ એમાં મહત્ત્વના જણાયા છે. પાંચ તત્ત્વ, ત્રણ ગુણ અને પચીસ પ્રકા2ની પ્રકૃતિ એમ તેંત્રીશ ઘટકનો આ પીંડ જળ તત્ત્વનો વિસ્તા2 છે. નળાદ્વારમાં મુખ, નાસિકા અને કાનનો વિશેષ મહિમા સાધન સંદર્ભે છે. કામ, ક્રોધને કેદ કરવા, મોહ ને ભ્રમણા જાણીને એને મારવો, આશા, તૃષ્ણા અને કુબુદ્ધિને બાળી નાખવી જેવી મનને ઉલટાવવાની ક્રિયા પછી શ્વાસને - પવનને પલટાવવાની ક્રિયા સાધના કેન્દ્રમાં આવે. મુલાધાર ચક્રથી સહસ્ત્રાધાર ચક્ર સુધીની યાત્રા જ મોટી સાધના છે. લાલસાહેબ અહીં નાભીસ્થાન ચક્રની સાધનાની અનુભૂતિ કથતા જણાય છે. ગગન ગુફામાં - દેહમાં પાંચ તત્ત્વનું દર્શન કરતા લાલસાહેબ આ કારણે યોગીની કક્ષ્ાાના સાધક જણાય છે. 

શૂન્યશિખર-મણિપુર ચક્ર સુધીની યાત્રાનો નિર્દેશ છે. આ સ્થાને પહોંચીને ત્યાં નિરંતર અપાર તેજરાશિની વૃષ્ટિનું દર્શન થાય છે. આપોઆપ-આપ ઓળખ-અકળ સ્વરૂપે અવિનાશી એવા પૂર્ણ બ્રહ્મનું દર્શન-અનુભૂતિ આત્મજ્ઞાન ઉપલબ્ધિની ભૂમિકા સુધીની લાલસાહેબની યાત્રામાં લાલસાહેબ સદ્ગુરુ રવિસાહેબને પ્રતાપે-કૃપાથી ભીતરનો અમૂલ્ય અલખ પદાર્થ પ્રત્યક્ષ્ા થયો. 

લાલસાહેબની ચિંતામણિ, રૂઢ ચિંતામણિ અને આત્મબોધ ચિંતામણિ એ ત્રણ સુદીર્ઘ દુુહા-ચોપાઈ બંધની રચનાઓ તથા પ્રાણસાંકળી દીર્ઘ રચનાના ત્રણ ભાગ આ છ એ છ રચનાઓ યોગમાર્ગના વિવિધ મુકામો, અનુભવ જગતની કેફિયત તથા પ્રાપ્તિ ભાવને અર્થપૂર્ણ રીતે અભિવ્યક્તિ અર્પે છે. એનું સૂત્રાત્મક રૂપનું સ્વરૂપ આ ભજન છે. લાલસાહેબ આવા અગમ પ્રદેશની, ઊલટ-પલટની સાધનાને સહજ રીતે વણી લેતા હોઈને આપણી જ્ઞાનમાર્ગી કાવ્યધારાનું એ મહામૂલ્યવાન મોતી છે.