Mon Oct 05 2026

Logo

ગણેશ ચતુર્થી વખતે અભિનેત્રી ભાગ્યશ્રી દ્વારા મંદિરમાં આરતી કરવા મુદ્દે પટવર્ધન રાજપરિવારમાં ઉત્તરાધિકારનો વિવાદ વકર્યો

2026-09-17 21:30:55
Author: Mumbai Samachar Team
ગણેશ ચતુર્થી વખતે અભિનેત્રી ભાગ્યશ્રી દ્વારા મંદિરમાં આરતી કરવા મુદ્દે પટવર્ધન રાજપરિવારમાં ઉત્તરાધિકારનો વિવાદ વકર્યો

મુંબઈ: ગણેશ ચતુર્થી દરમિયાન સાંગલીના ઐતિહાસિક ગણપતિ પંચાયતન મંદિરમાં અભિનેત્રી ભાગ્યશ્રી દસાનીના જવાથી પટવર્ધન રાજપરિવારમાં ઉત્તરાધિકારીને લઈને વિવાદ ઉભો થયો હતો. વિજયસિંહરાજે પટવર્ધનની ત્રણ દીકરીમાં સૌથી મોટી ભાગ્યશ્રીએ મંદિરમાં આરતી ઉતારી હતી, ત્યાર બાદ તેના પિતાએ બધા સમક્ષ કહ્યું હતું કે તેમના દત્તક લીધેલા દીકરા આદિત્યરાજે સાંગલીની ગાદીના વારસદાર છે. 

આ વિવાદ ત્યારે શરૂ થયો જયારે ભાગ્યશ્રી ગણેશોત્સવ દરમિયાન મંદિરમાં ગઈ હતી. પરિવારની ગણેશોત્સવ પરંપરાઓમાં સામેલ થવાના પોતાના નિર્ણય વિશે જણાવતા અભિનેત્રીએ કહ્યું કે તેમને લાગ્યું કે દીકરીઓમાં કોઈ એકને આગળ આવવું જોઈએ કારણ કે તેમના પિતાની તબિયત સારી નથી. 

જોકે વિજયરાજસિંહે આ વાતને ફગાવી અને કહ્યું કે તે સંપૂર્ણપણે સારા છે. મીડિયા સાથેની એક વાતચીતમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ભાગ્યશ્રીએ તેમની ગેરહાજરીમાં આ પરંપરા કેમ નિભાવી અને આ અવસરનો ઉપયોગ ઉત્તરાધિકાર પર પોતાનો વિચાર સ્પષ્ટ કરવા માટે કર્યો હતો. પટવર્ધને કહ્યું હતું કે 'ઔપચારિક મૂર્તિ પૂજા કરવાનું સન્માન ફક્ત મને અને રાણીસાહેબનું છે. આથી મને ખબર નથી કે ભાગ્યશ્રી હિમાલય દસાની મારી ગેરહાજરીમાં આરતી કરવા કેમ ગઈ તેના પાછળ શું રાજકારણ છે, કે તેને કોણ સાથ આપી રહ્યું છે.' 

શાહી પરિવારમાં દીકરીઓની ભૂમિકા પર વાત 
તેમની વાતોએ એક એવા કાર્યક્રમને જે શરૂઆતમાં ફક્ત તહેવાર સાથે જોડાયેલો હતો, ઉત્તરાધિકાર, પરિવારિક પરંપરાઓ અને જૂના રોયલ પરિવારમાં દીકરીઓની ભૂમિકા પર જાહેર ચર્ચાઓમાં તબદીલ થઈ ગઈ હતી. લગભગ ચાર વર્ષ બાદ સાંગલી પરત ફરેલી ભાગ્યશ્રીએ મંદિરમાં હાજર લોકોએ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે પરિવારની ગણેશોત્સવની પરંપરાઓ શરૂ રહે. 

ફક્ત આદિત્યરાજે મારો એકમાત્ર વારસદાર 
તેમણે કહ્યું હતું કે 'ફક્ત આદિત્યરાજે જ મારો એકમાત્ર ઉત્તરાધિકારી માનવામાં આવવો જોઈએ. કોઈને પણ આદિત્યરાજેને નબળા પાડવા કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાના પ્રયત્નો ન કરવા જોઈએ. આદિત્યરાજેનો વ્યવહાર બતાવે છે કે વડીલોનું સમ્માન કેવી રીતે કરવું જોઈએ. ભવિષ્યમાં તે મારા આ વારસાને આગળ વધારશે.' આદિત્યરાજે મંદિર ટ્રસ્ટના મેનેજર અને ભાગ્યશ્રીના મામાના દીકરા ભાઈ જયદીપ અભ્યંકરના દીકરા છે. જાન્યુઆરી 2024માં જૂના શાહી પરિવારે તેમને દત્તક લીધા હતા. ત્યારબાદ તેમને ઔપચારિક રીતે સાંગલી વંશ અને તેની પરંપરાઓના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા. રાજલક્ષ્મીરાજે પટવર્ધને પણ આદિત્યરાજેને દત્તક લેવાનો નિર્ણયનું સમર્થન કરતા કહ્યું કે આ પગલું પરિવારમાં દીકરો નહીં હોવાના કારણે લેવામાં આવ્યું હતું. 

માતા રાજલક્ષ્મીરાજે પટવર્ધને પણ કહી આ વાત 
તેમણે કહ્યું, 'અમારા પરિવારમાં કોઈ પુત્ર નહોતો. આથી અમે આદિત્યરાજેને દત્તક લીધો હતો. અમે તેનો ઉછેર અમારા દીકરાની જેમ જ કરીએ છે અને તેને તેવા જ સંસ્કાર આપીએ છે... તે આ વારસાને સારી રીતે આગળ વધારશે, અને અમે આદિત્યરાજેને આધિકારિક ઉત્તરાધિકારી તરીકે સ્વીકારી લીધા છે, આથી તેઓ એકમાત્ર ઉત્તરાધિકારી બની ગયા છે.' 

મંદિર પરિસર બહાર પહોંચ્યો વિવાદ 
મળતી માહિતી અનુસાર આ વિવાદ મંદિર પરિસર સુધી પણ પહોંચી ગયો, જ્યાં ભાગ્યશ્રી અને ટ્રસ્ટ મેનેજર જયદીપ અભ્યંકર વચ્ચે આરતીમાં તેના સામેલ થવાને લઈને ચર્ચા થઈ હતી. બાદમાં સોશિયલ મીડિયા પર આ ચર્ચાનો એક વીડિયો વાયરલ થયો, જેનાથી શાહી પરિવારોથી જોડાયેલા વારસા, જેન્ડર રોલ અને ઉત્તરાધિકારીની પરંપરાઓ પર પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. 
પટવર્ધન પરિવારનો સબંધ તે સેનાપતિઓથી છે જેમણે મરાઠા પેશ્વાઓની સેવા કરી હતી. આઝાદી બાદ ભારતીય સંઘમાં વિલય પહેલા તે સાંગલી રજવાડાઓના શાસક હતા. ઐતિહાસિક રૂપે જયારે કોઈ સીધો પુરુષ ઉત્તરાધિકારી હોતો નહોતો, ત્યારે અનેક શાહી પરિવાર પુરુષ વારસદારો દત્તક લેવાની પરંપરાઓનું પાલન કરતા હતા.