Mon Oct 05 2026

Logo

લાલ સમુદ્ર ભારતીય માલવાહક જહાજ પર વિસ્ફોટક હુમલો; સલાયાના 13 સહિત તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

2026-08-06 14:01:00
Author: Pooja Shah
લાલ સમુદ્ર ભારતીય માલવાહક જહાજ પર વિસ્ફોટક હુમલો; સલાયાના 13 સહિત તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

જામનગર/સલાયા: લાલ સમુદ્ર (રેડ સી)માં યમનના હોડેઇડાહ નજીક ભારતીય માલવાહક જહાજ એમએસવી ફેઝ નૂરે ઓલિયા પર થયેલા વિસ્ફોટક હુમલાથી દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ચિંતા વ્યાપી છે. અજાણી વિસ્ફોટકોથી ભરેલી બોટ જહાજ સાથે અથડાતા જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું હતું.

મળતી માહિતી મુજબ, જહાજમાં જનરલ કાર્ગો ઉપરાંત 18 એમ્બ્યુલન્સ લઈ જવામાં આવી રહી હતી. જોકે રાહતની વાત એ છે કે જહાજમાં સવાર તમામ 14 ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી.

ક્રૂમાં 13 ભારતીય ખલાસીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક ક્રૂ મેમ્બર યમનનો નાગરિક છે. ઘટનાની જાણ થતાં યમન કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે મોખા પોર્ટ પહોંચાડવામાં આવ્યા હતા. યમન સરકારના પ્રાથમિક દાવા મુજબ આ હુમલો હુથી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

આ જહાજના માલિક સલાયાના જાણીતા વહાણવટા ઉદ્યોગકાર મુનાફ હાજી અબ્દુલ્લાહ ભાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સલાયાના વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, તમામ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.