Thu Sep 10 2026

Logo

સાઇ સુદર્શને T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ...ઓસ્ટ્રેલિયાઇ ધુરંધરનો મહારેકોર્ડ ધ્વસ્ત

2026-05-17 09:48:00
Author: Mumbai Samachar Team
સાઇ સુદર્શને T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ...ઓસ્ટ્રેલિયાઇ ધુરંધરનો મહારેકોર્ડ ધ્વસ્ત

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં 16મે (શનિવાર) ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં સાઇ સુદર્શને બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ (GT)ના ઓપનિંગ બેટ્સમેન સુદર્શને ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં 28 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. સુદર્શન આ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને 23 રનના વ્યક્તિગત સ્કોર પર તેણે મેદાન છોડવું પડ્યું હતું. જોકે, તે ફરીથી બેટિંગ કરવા ઉતર્યો અને અડધી સદી ફટકારી.

આ અડધી સદીની ઇનિંગ્સ દરમિયાન સાઇ સુદર્શને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સુદર્શને T20 ક્રિકેટમાં પોતાના 3 હજાર રન પૂરા કરી લીધા છે. ઇનિંગ્સની દ્રષ્ટિએ સુદર્શન T20માં સૌથી ઝડપી 3 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સુદર્શને પોતાની 78મી T20 ઇનિંગ્સમાં 3 હજાર રન પૂરા કર્યા છે. આ સાથે જ સુદર્શને ઓસ્ટ્રેલિયાના શૉન માર્શનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે T20માં 3 હજાર રન પૂરા કરવા માટે 85 ઇનિંગ્સ લીધી હતી. શોર્ટ ડાર્સી, ડેવોન કોનવે અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજો પણ આ મામલામાં સુદર્શનથી પાછળ રહી ગયા છે.

સૌથી ઝડપી 3000 T20 રન (ઇનિંગ્સના હિસાબે)

  • 78- સાઇ સુદર્શન
  • 85- શૉન માર્શ
  • 86- ડાર્સી શૉર્ટ
  • 86- ડેવોન કૉન્વે
  • 87- ક્રિસ ગેલ

ગુજરાત ટાઇટન્સ માટે સાઇ સુદર્શનનો આ સતત ચોથો ફિફ્ટી પ્લસ (50થી વધુ રન) સ્કોર રહ્યો, જે એક રેકોર્ડ છે. સુદર્શન પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા અને વર્તમાન કેપ્ટન શુભમન ગિલથી આગળ નીકળી ગયો છે, જેમણે સતત 3-3 ઇનિંગ્સમાં 50થી વધુ રનનો સ્કોર કર્યો હતો. સુદર્શન ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં 7 વખત 50 કે તેથી વધુ રન બનાવી ચૂક્યો છે.

GT માટે સૌથી વધુ સતત 50+ સ્કોર

4*- સાઇ સુદર્શન (2026)
3- હાર્દિક પંડ્યા (2022)
3- સાઇ સુદર્શન (2024-25)
3- શુભમન ગિલ (2025)
3- શુભમન ગિલ (2026)

IPL સીઝનમાં GT માટે સૌથી વધુ 50+ સ્કોર

  • 7- શુભમન ગિલ (2023)
  • 7- સાઇ સુદર્શન (2025)
  • 7*- સાઇ સુદર્શન (2026)
  • 6- શુભમન ગિલ (2025)

સાઇ સુદર્શનના છેલ્લા 7 સ્કોર

  • 100 રન
  • 87 રન
  • 6 રન
  • 57 રન
  • 55 રન
  • 61 રન
  • 53* રન