ઑકલૅન્ડઃ ભારતની ક્રિકેટ ટીમ સમગ્ર ક્રિકેટ જગતમાં સૌથી લોકપ્રિય છે અને ટીમ ઇન્ડિયા જ્યારે કોઈ દેશના પ્રવાસે જવાની હોય એના ઘણા અઠવાડિયા કે ઘણા મહિના પહેલાં એ દેશના ક્રિકેટપ્રેમીઓ મૅચ જોવાની તૈયારી કરી રાખતા હોય છે અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) ખાતેના ભારતીય ટીમના આગામી પ્રવાસ બાબતમાં પણ એવું જ બની રહ્યું છે. આવતા મહિનામાં છેવટના દિવસોમાં ન્યૂ ઝીલૅન્ડમાં ભારતની ટી-20 સિરીઝ શરૂ થવાની છે, પણ એની 50,000 ટિકિટ અત્યારથી વેચાઈ ગઈ છે.
બાવીસમી ઑક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી ન્યૂ ઝીલૅન્ડમાં ભારતની પાંચ મૅચની ટી-20 સિરીઝ, ચોથી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી પાંચ વન-ડે અને 19મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી બે ટેસ્ટ-મૅચ રમાશે. આ મૅચો માટે ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ સહિતના ક્રિકેટલવર્સમાં ટિકિટ ખરીદવા અત્યારથી ક્રેઝ જોવા મળ્યો છે.
ટિકિટોનું વેચાણ બે અઠવાડિયા પહેલાં શરૂ થયું હતું. ખાસ કરીને ઑકલૅન્ડના ઈડન પાર્કમાં લોકોનો વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. આ સ્ટેડિયમમાં શુક્રવાર, 30મી ઑક્ટોબરે ટી-20 રમાશે અને ભારતીય ટીમ રમવાની હોવાથી તેમ જ લોકોનો ઉત્સાહ વધી ગયો હોવાથી આ સ્ટેડિયમમાં છઠ્ઠું સ્તરના સ્ટૅન્ડમાં સાત વર્ષે ફરી એક વખત બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના માર્કેટિંગ વિભાગના ચીફ ટિમ એલિસે જણાવ્યું છે કે `ભારત (India)ના ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને અમે આબાલવૃદ્ધ સૌ કોઈને મોજ કરાવે એવી કેટલીક ઇવેન્ટ રાખવાનું વિચાર્યું છે.'