Tue Oct 13 2026

Logo

ભારતીય ક્રિકેટરો માટે બુલેટ ટ્રેનનો પ્રવાસ પણ `ખૂબ લાંબો!': બીસીસીઆઇએ કહ્યું `નાગોયામાં જ રહેજો'

2026-09-09 18:56:00
Author: Ajay Motiwala
ભારતીય ક્રિકેટરો માટે બુલેટ ટ્રેનનો પ્રવાસ પણ `ખૂબ લાંબો!': બીસીસીઆઇએ કહ્યું `નાગોયામાં જ રહેજો'

નવી દિલ્હીઃ સામાન્ય રીતે બુલેટ ટ્રેન (BULLET TRAIN)નો પ્રવાસ કરવાથી પૅસેન્જરનો ઘણો સમય બચી જતો હોય છે અને તેઓ દિવસ દરમ્યાન ખૂબ ઓછા સમયમાં ઘણા કામ કરી શકતા હોય છે, પરંતુ જાપાનમાં આગામી એશિયન ગેમ્સ માટેના નાગોયા શહેરથી ટોક્યો અને નાગોયાથી બુલેટ ટ્રેન દ્વારા ઓસાકા શહેર વચ્ચેનું અંતર ભારતીય ક્રિકેટરો માટે `લાંબુ' નીવડી શકે એમ હોવાથી તેમને નાગોયાની જ ખાસ બનાવવામાં આવેલી હૉટેલમાં રહેવાની સલાહ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ખેલાડીઓને આપી છે.

19મી સપ્ટેમ્બરે જાપાનના આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સ યોજાવાની છે અને એમાં મેન્સ તથા વિમેન્સ, બન્નેમાં ટી-20 ફૉર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. ભારત આ બન્ને કૅટેગરીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. આ વખતે ભારતની પ્રથમ ક્રિકેટ મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે.

વાત એવી છે કે નાગોયામાં બહુ ઓછી હૉટેલો છે. એશિયન ગેમ્સ માટે ઍથ્લીટો અને ખેલાડીઓ માટે કોઈ ગેમ્સ વિલેજ પણ નથી બનાવાયું. જોકે એશિયન ગેમ્સના સત્તાવાળાઓએ શિપિંગ ક્નટેનરમાં હૉટેલ જેવી જ રૂમો બનાવી છે તેમ જ ઍથ્લીટોને ક્રુઝ શિપમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતીય ક્રિકેટરોને દેશ-વિદેશના પ્રવાસમાં ફાઇવસ્ટાર હૉટેલમાં રાખવામાં આવતા હોય છે. એનું ખાસ કારણ ખેલાડીઓને પૂરતી સલામતી પૂરી પાડવાનું હોય છે. જોકે અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે નાગોયામાં ખાસ કોઈ મોટી હૉટેલ ન હોવાથી બીસીસીઆઇ દ્વારા શ્રેયસ ઐયરની ટીમ અને હરમનપ્રીત કૌરની ટીમ માટે ટોક્યોની અથવા ઓસાકાની હૉટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

જોકે રમતોત્સવ નાગોયામાં અને ક્રિકેટરોએ રહેવાનું ટોક્યો કે ઓસાકામાં એ સંભવ નહોતું. કારણ એ છે કે નાગોયાથી ક્રિકેટરો કલાકે 285 કિલોમીટરની ઝડપવાળી બુલેટ ટ્રેનમાં દોઢ કલાકે ટોક્યો કે ઓસાકા પહોંચે. જવા-આવવાના તેમના ત્રણ કલાક બગડે અને ટી-20 મૅચ હોય ત્રણ કલાકની! બીજું, ભારતના તમામ 500-પ્લસ ઍથ્લીટો અને 250-પ્લસ અધિકારીઓ નાગોયામાં `એક પરિવારની જેમ' રહેતા હોય અને ક્રિકેટરો માટે ટોક્યો કે ઓસાકા જેવા મોટા શહેરમાં રહેવાની વ્યવસ્થા કરાઈ હોય એ પણ ઠીક ન કહેવાય. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને બીસીસીઆઇએ ક્રિકેટરોને નાગોયામાં શિપિંગ ક્નટેનરમાં કે અન્ય ખાસ વ્યવસ્થાથી બનાવવામાં આવેલી સ્ટાર-હૉટેલ જેવી હૉટેલમાં જ રહેવા કહ્યું છે. ક્રિકેટરે 20મી સપ્ટેમ્બરે જાપાન જવા રવાના થશે.

ભારતની બંને ટીમના ખેલાડીઓ

BCCI

મેન્સ ટીમઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ.

BCCI

વિમેન્સ ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), પ્રતીકા રાવલ, દીપ્તિ શર્મા, ભારતી ફૂલમાલી, શ્રી ચરની, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરૂંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ અને નંદની શર્મા.