ઈસ્ટ ઝોનના લીડ સાથે 5/584, ટ્રોફી પર કબજો દૂર નથીઃ આખી મૅચમાં ઇશાન કિશને બનાવ્યા 350 રન
ચેન્નઈઃ અહીં પાંચ-દિવસીય દુલીપ ટ્રોફી ફાઇનલમાં સાઉથ ઝોન સામે ઈસ્ટ ઝોને ગુરુવાર, 10મી સપ્ટેમ્બરના અંતિમ દિવસે જ્વલંત વિજય મેળવવાની પૂર્વતૈયારી સાથે 13 વર્ષે ફરી ટ્રોફી પર કબજો જમાવવાની પૂરી તૈયારી કરી લીધી છે ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન સામે રવિવાર, 13મી સપ્ટેમ્બરે દિલ્હીમાં શરૂ થનારી ટી-20 સિરીઝમાં સારું રમવાનો મનોમન મનસૂબો ઘડનાર તિલક વર્મા (Tilak Verma)એ બુધવારે એક તબક્કે નિરાશ થવું પડ્યું હતું. સાઉથ ઝોનનો કૅપ્ટન તિલક દુલીપ ફાઇનલના ચોથા દિવસે પ્રથમ દાવમાં 99 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. વધુ નવાઈની વાત એ છે કે 11મી જુલાઈ પછી (60 દિવસ બાદ) તે પહેલી વખત આઉટ થયો હતો. 11મી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામેની ટી-20માં તેણે વિકેટ ગુમાવ્યા બાદ પાંચ ઇનિંગ્સમાં તે આઉટ જ નહોતો થયો.
દુલીપ ટ્રોફી (Duleep trophy)ની ફાઇનલના પ્રથમ દાવમાં ઈસ્ટ ઝોને 708 રન બનાવ્યા બાદ બુધવારના ચોથા દિવસે સાઉથ ઝોનની ટીમ 336 રન પર ઑલઆઉટ થતાં ઈસ્ટ ઝોને 372 રનની સરસાઈ લીધી હતી. જોકે ઈસ્ટ ઝોને સાઉથ ઝોનને ફૉલો-ઑન આપવાનું ટાળીને બીજા દાવમાં બૅટિંગ કરી હતી અને રમતના અંત સુધીમાં પાંચ વિકેટે 212 રન બનાવ્યા હતા અને સરસાઈ સાથે ઈસ્ટ ઝોનના 584 રન હતા.
ઈસ્ટ ઝોનના કૅપ્ટન ઇશાન કિશને આખી મૅચમાં કુલ 350 રન બનાવ્યા છે. પ્રથમ દાવમાં તેણે 334 બૉલમાં સાત સિક્સર અને 30 ફોરની મદદથી 270 રન બનાવ્યા બાદ બુધવારે બીજા દાવમાં 98 બૉલમાં ત્રણ સિક્સર અને નવ ફોરની મદદથી 80 રન કર્યા હતા. ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી બિગ શૉટની લાલચમાં ફક્ત આઠ રનમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ કિશન અને શિખર મોહન (બાવન રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 126 રનની ભાગીદારી થઈ હતી.
તિલક પોતાના 210મા બૉલ સુધી ઈસ્ટ ઝોનના બોલર્સ (મોહમ્મદ શમી, મુકેશ કુમાર વગેરે) સામે ઝઝૂમ્યો હતો, પણ 211મા બૉલ પર સેન્ચુરી પૂરી કર્યા વિના આઉટ થઈ ગયો હતો. તે 99 રન પર હતો અને નવમી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરીથી એક જ ડગલું દૂર હતો, પરંતુ મોહમ્મદ કોનૈન કુરેશી નામના 23 વર્ષીય ઑફ સ્પિનરના બૉલમાં તેણે ધીરજ ગુમાવી હતી.

તિલકે 11મી જુલાઈએ સધમ્પ્ટનમાં બ્રિટિશરો સામેની ટી-20માં પોતાના 53 રનના સ્કોર પર વિકેટ ગુમાવ્યા બાદ પાંચ ઇનિંગ્સમાં આ મુજબ રન બનાવ્યા હતાઃ ઝિમ્બાબ્વે સામે છ અણનમ, ઝિમ્બાબ્વે સામે 60 અણનમ, ઝિમ્બાબ્વે સામે 11 અણનમ, નૉર્થ ઝોન સામે 116 અણનમ અને 51 અણનમ.