Thu Sep 10 2026

Logo

આજે અમદાવાદમાં બે હેવીવેઇટ ટીમો ટકરાશે: જે જીતશે એ સેમિમાં લગભગ ફિક્સ

2026-02-26 11:36:00
Author: Ajay Motiwala
આજે અમદાવાદમાં બે હેવીવેઇટ ટીમો ટકરાશે: જે જીતશે એ સેમિમાં લગભગ ફિક્સ

અમદાવાદ: અહીં ક્રિકેટ જગતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ વખતના વર્લ્ડ કપની પાંચ હાઇ-સ્કોરિંગ મૅચનું સાક્ષી રહ્યું છે અને આજે (બપોરે 3:00 વાગ્યાથી) સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી સુપર એઇટની મૅચમાં પણ એનું પુનરાવર્તન જોવા મળી શકે.

બન્ને ટીમ આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે અને આજે જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ પાક્કું કરી લેશે, જ્યારે હારી જનારી ટીમ પછીથી રણનીતિમાં મોટા ફેરફારો કરશે.

સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમમાં અનેક મૅચ-વિનર છે અને બન્ને ટીમ એકંદરે સારા ફોર્મમાં પણ છે.

હેડ-ટુ-હેડનો હિસાબ કિતાબ

સાઉથ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝ કુલ 29 ટી-20 મૅચ રમ્યું છે જેમાંથી 15 મૅચમાં વેસ્ટ ઇન્ડીઝનો અને 14 મૅચમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો છે. જોકે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને વચ્ચે પાંચ મૅચ રમાઈ છે જેમાંથી ચાર સાઉથ આફ્રિકાએ અને એક વેસ્ટ ઇન્ડિઝે જીતી છે. વેસ્ટ ઈન્ડિઝની આ એકમાત્ર જીત 2016ના વર્લ્ડ કપમાં નાગપુરમાં રમાઈ હતી જેમાં ડેરેન સૅમીના સુકાનમાં કેરિબિયનો સાઉથ આફ્રિકનોને ત્રણ વિકેટે હરાવીને ટાઈટલની દિશામાં આગળ વધ્યા હતા અને છેવટે ટાઈટલ જીતીને રહ્યા હતા. અત્યારે સૅમી વેસ્ટ ઇન્ડિઝનો કોચ છે.

બંને દેશની સંભવિત ઇલેવન:

સાઉથ આફ્રિકા: એઇડન માર્કરમ (કેપ્ટન), રાયન રિકલ્ટન, ક્વિન્ટન ડિકોક  (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, માર્કો યેનસેન, કોર્બિન બૉશ્ચ, કેશવ મહારાજ, કેગિસો રબાડા અને લુન્ગી એન્ગીડી.

વેસ્ટ ઈન્ડિઝ: શાઈ હોપ (કેપ્ટન, વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, શિમરોન હેટમાયર, રૉવમૅન પૉવેલ, શેરફેન રુધરફર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યૂ ફોર્ડે, અકીલ હોસૈન/રોસ્ટન ચેઝ, ગુડાકેશ મૉટી અને શમાર જોસેફ.

અમદાવાદની પિચ કેવી છે?

અમદાવાદમાં ભરબપોરે 3.00 વાગ્યે લગભગ 33 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન વચ્ચે મૅચ શરૂ થશે ત્યારે પ્રથમ બૅટિંગ કરનારી ટીમ પર તોતિંગ સ્કોર નોંધાવવાનો બોજ રહેશે. જોકે સાત નંબરની પિચ પર રમાનારી આ મૅચ પરથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસશે એટલે 80,000થી 90,000 જેટલા પ્રેક્ષકો ફરી ક્રિકેટોત્સવ માણવામાં મશગુલ થઈ જશે. લાલ માટીવાળી પિચ પર બોલરને એક્સ્ટ્રા બાઉન્સ મળશે. એકંદરે, બંને ટીમમાં અનેક હાર્ડ-હિટર્સ હોવાને લીધે બોલર્સ કરતાં બૅટ્સમેનો આ પિચનો વધુ ફાયદો ઉઠાવતા જોવા મળશે.