યશસ્વી મૅન ઑફ ધ મૅચ: રિયાન પરાગની ટીમ પાવરપ્લેમાં ચડિયાતી સાબિત થઈ
ગુવાહાટી: રાજસ્થાન રોયલ્સે મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સને 27 રનથી હરાવ્યું હતું. એ પહેલાં, 15 વર્ષના વૈભવ સૂર્યવંશી (39 રન, 14 બૉલ, પાંચ સિક્સર, એક ફોર)
અને તેનાથી બમણી ઉંમરના જસપ્રીત બુમરાહ (3-0-32-0) વચ્ચેની ટક્કરમાં વૈભવ મેદાન મારી ગયો હતો. મૅચમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ યશસ્વી જયસ્વાલ (77 અણનમ, 32 બૉલ, ચાર સિક્સર, દસ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
રાજસ્થાન સતત ત્રીજી મૅચ જીતીને અને સૌથી વધુ 6 પોઇન્ટ સાથે હવે મોખરે છે. ત્રણમાંથી બે મૅચ હારનાર મુંબઈ સાતમા નંબરે છે.
રાજસ્થાન 3/150, મુંબઈ 9/123
વરસાદને કારણે મૅચ અઢી કલાક મોડી શરૂ થયા બાદ રાજસ્થાને બૅટિંગ મળ્યા પછી નિર્ધારિત 11 ઓવરમાં ત્રણ વિકેટે 150 રન કર્યા હતા. મુંબઈની ટીમ 11 ઓવરમાં નવ વિકેટે 123 રન કરી શકી હતી.
મુંબઈનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ થતાં હાર નક્કી થઈ
મુંબઈને 151 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મળ્યો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈની ટીમ જે માત્ર 123 રન કરી શકી એમાં નમન ધીર અને શેરફેન રુધરફર્ડના 25-25 રન હાઈએસ્ટ હતા. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર સહિત સાત બૅટ્સમેન સિંગલ ડિજિટમાં રન કરી શક્યા હતા. રાજસ્થાનના નેન્ડ્રે બર્ગર, રવિ બિશ્ર્નોઈ અને સંદીપ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ જોફ્રા આર્ચર અને પાછલી મૅચના છેલ્લી ઓવરના હીરો તુષાર દેશપાંડેને મળી હતી.
મુંબઈને શરૂઆતમાં જ ત્રણ ઝટકા
રાજસ્થાને બન્ને ઇનિંગ્સના પાવરપ્લેના પર્ફોર્મન્સની મદદથી આસાનીથી વિજય મેળવ્યો હતો. 11-11 ઓવરની આ મૅચમાં પાવરપ્લે તરીકે પહેલી 3.2 ઓવર નક્કી થઈ હતી. રાજસ્થાને પહેલાં તો એ 3.2 ઓવરમાં વિના વિકેટે 59 રન કર્યા હતા. ત્યાર બાદ મુંબઈની ઇનિંગ્સમાં રાજસ્થાને પહેલી 3.2 ઓવરમાં ત્રણ વિકેટ લઈ લીધી હતી. એ સાથે, રાજસ્થાન વિનિંગ મોડમાં આવી ગયું હતું. એ ત્રણ વિકેટ અનુક્રમે આર્ચર, બર્ગર અને સંદીપ શર્માએ મેળવી હતી. શરૂઆતમાં જ મુંબઈને ત્રણ ઝટકા આપ્યા બાદ રાજસ્થાને મૅચ પર છેક સુધી પકડ જમાવી રાખી હતી.
વૈભવ-યશસ્વીની 80 રનની ભાગીદારી
રાજસ્થાને પ્રથમ બૅટિંગ મળ્યા પછી નિર્ધારિત 11 ઓવરમાં ત્રણ વિકેટે 150 રન કરીને મુંબઈને 151 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. યશસ્વી જયસ્વાલ (77 રન) ટૉપ-સ્કોરર હતો. મુંબઈએ ફીલ્ડિંગ પસંદ કરી હતી અને રાજસ્થાનના બન્ને ઓપનર્સે (વૈભવ અને યશસ્વીએ) મુંબઈ (Mumbai)ના બોલર્સ પર વરસવાનું શરૂ કરી દીધું હતું. તેમની વચ્ચે પાંચ ઓવરમાં 80 રનની ભાગીદારી થઈ હતી. મૅચનો પ્રારંભ થતાં પહેલાં તો યશસ્વી જયસ્વાલ ત્રાટક્યો હતો અને ત્યાર બાદ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી (14 બૉલમાં 39 રન) છવાઈ ગયો હતો, કારણકે તેણે મોસ્ટ ડૅન્જરસ બોલર બુમરાહની બોલિંગમાં પહેલા બૉલથી જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. વૈભવ પ્રોફેશનલ ક્રિકેટમાં પહેલી જ વખત બુમરાહ સામે રમ્યો હતો અને એમાં શરૂઆતમાં વૈભવ મેદાન મારી ગયો હતો.

બુમરાહના પહેલા જ બૉલમાં વૈભવની સિક્સર
વૈભવે બુમરાહના પહેલા જ બૉલમાં તેમ જ ચોથા બૉલમાં સિક્સર ફટકારી હતી અને એ ઓવરમાં 14 રન બન્યા હતા. એ પહેલાં, યશસ્વીએ દીપક ચાહરની મૅચની પહેલી ઓવરમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કુલ બાવીસ રન કર્યા હતા. યશસ્વીએ ત્રીજા પેસ બોલર ટ્રેન્ટ બૉલ્ટને પણ નહોતો છોડ્યો અને તેના પહેલા ચારમાંથી ત્રણ બૉલમાં સિક્સર ફટકારી હતી. એ ઓવરમાં પણ બાવીસ રન બન્યા હતા. ત્રણ ઓવરને અંતે રાજસ્થાનનો સ્કોર 0/58 હતો. રાજસ્થાનની અડધી જીત ત્યાં જ નક્કી થઈ ગઈ હતી. કૅપ્ટન હાર્દિકે ચોથી ઓવર કરી હતી જેમાં રાજસ્થાનના ઓપનર્સને બ્રેક લાગી હતી અને ત્રણ રન થયા હતા. જોકે વૈભવે પાંચમી ઓવર કરનાર શાર્દુલના પ્રથમ બૉલમાં છગ્ગો અને બીજા બૉલમાં ચોગ્ગો ફટકારીને બરસાપારા સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. જોકે એ જ ઓવરમાં વૈભવ વધુ એક ચોગ્ગો માર્યા બાદ છેલ્લા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. વૈભવે 278.57ના સ્ટ્રાઇક-રેટથી અને યશસ્વીએ 240.62ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા.
કેપ્ટન રિયાન પરાગ હોમ ગ્રાઉન્ડ પર જીત્યો
કૅપ્ટન રિયાન પરાગ આસામમાં ગુવાહાટીના હોમ-ગ્રાઉન્ડ પર 20 રનનું જ યોગદાન આપી શક્યો હતો. જોકે તેના સુકાનમાં રાજસ્થાને જવલંત વિજય મેળવ્યો હતો. રિયાનના 20 રનમાં બે સિક્સર અને એક ફોર સામેલ હતી. જુરેલ બે રન કરીને આઉટ થયો હતો અને હેટમાયરના સાત બૉલમાં અણનમ છ રન હતા. મુંબઈના છ બોલરમાંથી અફઘાની સ્પિનર અલ્લાહ ગઝનફરને બે તથા શાર્દુલને એક વિકેટ મળી હતી. બુમરાહ, બૉલ્ટ, હાર્દિક અને ચાહર વિકેટ વિનાના રહ્યા હતા.
હવે આજે દિલ્હીમાં (સાંજે 7.30 વાગ્યાથી) દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ થશે.