(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રોહિત શેટ્ટીના જૂહુના નિવાસસ્થાન પર ગોળીબાર કરવાના કેસમાં શૂટર પકડાતાં જ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશથી પકડાયેલા શૂટર દીપક શર્મા અને તેના સાથીઓ માટે સોશ્યલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા આંખ-કાન બની રહ્યાં હતાં, જેના દ્વારા આરોપીઓ પોલીસની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા.
પકડાયેલા આરોપીઓએ યુપી એસટીએફના અધિકારીઓની પૂછપરછમાં સ્પષ્ટતા કરી હતી કે સોશ્યલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર તેઓ સતત નજર રાખી રહ્યા હતા. પોલીસની કાર્યવાહી અને આગામી કામગીરી વિશે મીડિયાના માધ્યમથી જ માહિતી મેળવવામાં આવતી હતી.
પોલીસની કાર્યવાહીની વિગતો પ્રાપ્ત કરીને તેના આધારે પોલીસથી બચવાના માર્ગ શોધી કાઢવામાં આવતા હતા. પોલીસની કામગીરી જોઈને વારંવાર પોતાનાં ઠેકાણાં બદલતાં હતાં, એવો દાવો આરોપીએ કર્યો હતો.
આરોપી જતીન અને વિશાલે પોલીસને જણાવ્યું હતું કે દીપક અને તેના સાથીઓએ રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કર્યો હોવાની માહિતી તેમને હતી. ચોંકાવનારી માહિતી એટલે ગોળીબારની જાણકારી હોવા છતાં જતીન અને વિશાલે જ દીપક અને તેના સાથીઓને છુપાવાના સ્થાન અને જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવાની વ્યવસ્થા કરી હતી. પોલીસ દીપકને શોધી રહી હોવાનું માલૂમ હોવા છતાં બન્નેએ પોલીસને કોઈ જાણકારી આપી નહોતી.
કહેવાય છે કે પુણેથી પકડાયેલા પાંચ આરોપીમાંથી બે જણ પુણેથી સેક્ધડ હેન્ડમાં ખરીદવામાં આવેલું સ્કૂટર લઈને મુંબઈ આવ્યા હતા. પછી નક્કી કરેલા સ્થળે સ્કૂટર પાર્ક કરીને બન્ને ત્યાંથી રવાના થયા હતા. ત્યાર બાદ તેમનો એક સાથી મુંબઈ આવીને પિસ્તોલ સ્કૂટરની ડિકીમાં મૂકી ગયો હતો. આ સ્કૂટર પછી શૂટર દીપક શર્મા પોતાની સાથે લઈ ગયો હતો. પોલીસને સ્કૂટર પાર્ક કરાયું હતું તેનાથી થોડે જ અંતરે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ મળી આવ્યાં હતાં. ફૂટેજને આધારે શૂટરની ઓળખ મેળવવામાં આવી હોવાનું કહેવાય છે.