મુંબઈઃ આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં અવનવા રેકોર્ડ નોંધાયા છે, જેમાં મોટા ભાગની મેચમાં હાઈ સ્કોર કરવામાં આવ્યા છે, જ્યારે અચીવ પણ કરવામાં આવી રહ્યા છે. એનાથી મોટું આશ્ચર્ય આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના પ્રદર્શનનું હતું. પહેલી મેચ જીત્યા પછી તબક્કાવાર મેચમાં ભુંડી રીતે હાર્યા પછી ટીમ નવમા ક્રમે ફંગોળાઈ ગઈ હતી, જેમાં રોહિત શર્મા અને રિકલ્ટનને નવો પ્રાણ ફૂંક્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે લખનઊ સુપર જાયન્ટસ (LSG)ને હરાવીને ફરી બેઠું થઈ રહ્યું હોવાનો અણસાર આપ્યો હતો, પરંતુ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં રોહિત શર્માએ નવો વિક્રમ બનાવીને મુંબઈ ઈન્ડિયન્સ પ્રેમીઓને નવો મેસેજ આપ્યો છે.
229 રનના પડકાજનક ટાર્ગેટ પ્રાપ્ત કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં રયાન રિકલ્ટન અને રોહિત શર્માએ જે પ્રકારે આક્રમક ઈનિંગ રમીને મુંબઈને જીતના કિનારે લાવ્યું એનાથી ટીમમાં પણ નવું જોમ આવ્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા વિના મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માના ખભા પરના ભારથી ટીમ જીતવા માટે સક્ષમ હોવાનું પણ રોહિત શર્માએ પુરવાર કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે લખનઊને છ વિકેટથી હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ દિશાહિન બન્યું હોવાના અહેવાલો વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યાકુમાર યાદવથી લઈને બોલર (જસપ્રીત બુમરાહ)ના પ્રદર્શનનને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. પાંચ મેચ પછી રોહિત શર્માએ ટીમમાં વાપસી કરીને 'ધુરધંર' સ્ટાઈલમાં જે રીતે રમ્યો, તેનાથી રોહિત ટીમ મેનેજમેન્ટને સીધો મેસેજ આપ્યો હતો. રોહિત શર્માએ 44 બોલમાં 84 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને સાત ગગનચુંબી સિક્સર ફટકારીને નવા ઈતિહાસનું નિર્માણ કર્યું હતું.
રોહિત શર્માએ આઈપીએલના ઈતિહાસમાં સર્વોચ્ચ ટાર્ગેટ ચેઝ કરતા 150 સિક્સર મારનારો પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો. આઈપીએલમાં રોહિત શર્માના નામે 154 સિક્સર લખાઈ છે, જ્યારે તે દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલથી (156) પાછળ છે. રોહિત શર્માના ઐતિહાસિક પ્રદર્શન અને રયના રિકલ્ટનની સાથે 143 રનની ભાગીદારી નોંધાવતા 229 રનનો પડકારજનક સ્કોર પ્રાપ્ત કરવા નજીક લાવી દીધા હતા.
ગઈકાલની મેચની વિશેષતા એ હતી કે કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી રમી શક્યો નહોતો, જ્યારે તેનો ભાર તો સૂર્યાકુમાર યાદવના ખભે હતો. જોકે, રિકલ્ટન અને રોહિત શર્માએ ધુરંધર ફિલ્મની સ્ટાઈલમાં બેટિંગ કરીને મુંબઈની ટીમમાં નવો પ્રાણ પૂર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી કેટલીક મેચોમાં જે સંઘર્ષ કર્યો છે, પરંતુ રોહિતના નવા અંદાજ, આત્મવિશ્વાસ અને આક્રમકતાએ આખી ગેમના પાસા બદલી નાખ્યા હતા.
સોશિયલ મીડિયા પર પણ રોહિત શર્માની સાથે રયાન રિકલ્ટનના અંદાજની લોકોએ ભારોભાર પ્રશંસા કરી હતી. એક યૂઝરે તો લખ્યું હતું કે રોહિત શર્મા એક સિસ્ટમ છે. લોકોએ લખ્યું હતું કે રોહિત શર્મા એક નામ જ કાફી છે તેની ઓળખ, સંતુલન અને દિશા એટલે રોહિત શર્મા. એક મેચ જીતવાથી પ્લેઓફમાં પહોંચવાની આશા જાગી છે. અત્યારે પરિસ્થિતિ એટલી નબળી છે કે તેની પાસે હવે ફક્ત ચાર મેચ બાકી છે એટલે એક પણ મેચ હારે તો પ્લેઓફમાંથી બહાર થઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આગળ શું કરશે એ પણ સવાલ છે. મેનેજમેન્ટ પર પણ ટીમના કેપ્ટન, લીડરશિપ, બેટિંગ, બોલિંગથી લઈને અન્ય બાબતમાં સવાલો કરવામા આવી રહ્યા છે. કહેવાય છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો આત્મા છે. જો ટીમ આ સત્યને અવગણશે તો આ ફક્ત ખેલાડી જ નહીં, પરંતુ ટીમ પણ પોતાની ઓળખ ગુમાવી શકે.