Mon Sep 07 2026

Logo

ઝટકે પે ઝટકા...કોહલી પછી આ દિગ્ગજ ખેલાડી પણ ઈજાને લીધે વન-ડે સિરીઝની બહાર થઈ શકે

2026-06-04 19:11:00
Author: Ajay Motiwala
ઝટકે પે ઝટકા...કોહલી પછી આ દિગ્ગજ ખેલાડી પણ ઈજાને લીધે વન-ડે સિરીઝની બહાર થઈ શકે

PTI


નવી દિલ્હીઃ શનિવાર, 13મી જૂને ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે શરૂ થનારી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી સાથળની પાછળના ભાગમાં અસહ્ય દુખાવો (હૅમ્સ્ટ્રિંગની ઈજા) થવાને કારણે નથી રમવાનો એ સમાચાર બહાર આવ્યા ત્યાર પછી હવે રોહિત શર્માની ફિટનેસે પણ ભારતીય ટીમ મૅનેજમેન્ટ માટે ચિંતા વધારી દીધી છે.

આઇપીએલની પોણાબે મહિનાની રોમાંચક સીઝન પૂરી થઈ અને હવે ભારતીય ખેલાડીઓએ પહેલાં વાઇટ જર્સીમાં અને પછી બ્લુ જર્સીમાં રમવાનો સમય આવી ગયો છે. કોહલી અને રોહિત (Rohit) ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી શનિવારે અફઘાનિસ્તાન સામે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટમાં નહીં રમે, પણ હવે અહેવાલ મળ્યા છે કે રોહિત શર્મા હજી પૂરેપૂરો ફિટ નથી.

બીસીસીઆઇની મેડિકલ ટીમ ઓપનિંગ બૅટ્સમૅન રોહિતની ફિટનેસ (Fitness) પર સતત નજર રાખે છે. રોહિત પણ હૅમ્સ્ટ્રિંગની ઈજાનો શિકાર થયો છે. કોહલીની જેમ તેને પણ આઇપીએલ દરમ્યાન આ ઈજા થઈ હતી. રોહિત ઘણી મૅચ નહોતો રમી શક્યો. આ ટૂર્નામેન્ટમાં તેનો પર્ફોર્મન્સ સારો નહોતો. તેણે નવ મૅચમાં કુલ 283 રન બનાવ્યા હતા જેમાં બે હાફ સેન્ચુરી સામેલ હતી.

સિલેક્ટરોએ થોડા દિવસ પહેલાં વન-ડેની ટીમ જાહેર કરી ત્યારે જ જાહેરાત કરી હતી કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસ કેવી રહેશે એને આધારે નક્કી થશે કે તેઓ અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં રમશે કે નહીં.