Wed Jul 22 2026

Logo

બારામતી પ્લેન ક્રૅશમાં એફઆઇઆર દાખલ કરવાનો પોલીસે કર્યો ઇનકાર

2026-02-25 19:18:00
Author: Yogesh D. Patel
Article Image

અમારી શંકા વધુ દ્રઢ બની રહી છે: રોહિત પવાર

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું જેમાં મૃત્યુ થયું હતું એ પ્લેન ક્રૅશ પ્રકરણે મુંબઈ પોલીસે એફઆઇઆર દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો, એવો દાવો વિધાનસભ્ય રોહિત પવારે બુધવારે કર્યો હતો. પવારે જણાવ્યું હતું કે આ નકારને કારણે દુર્ઘટનામાં અમારી શંકા વધુ દ્રઢ બની રહી છે. સરકાર અને યંત્રણા કોઇકને બચાવી રહ્યા હોય એવું લાગે છે, એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

ઉડ્ડયન નિયામક ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) મંગળવારે વીએસઆર વેન્ચર્સનાં ચાર વિમાનને ગ્રાઉન્ડિંગ કરવા નિર્દેશ આપ્યાં છે. આ જ કંપનીનું વિમાન બારામતીમાં 28 જાન્યુઆરીએ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં અજિત પવાર તેમ જ અન્ય ચાર જણનાં મૃત્યુ થયાં હતાં.

લિયરજેટ 45 એરક્રાફ્ટ (વીટી-એસએસકે) દુર્ઘટના બાદ ઉડ્ડયન નિયામકે વીએસઆર વેન્ચર્સનું વિશેષ સુરક્ષા ઑડિટ કરવાનો આદેશ આપ્યો હતો. ઑડિટ ટીમે હવાઇ સુરક્ષા, વિમાનનું સંચાલન અને ફ્લાઇટ ઑપરેશન્સમાં મંજૂરી પ્રક્રિયાઓનું પાલન કરાતું ન હોવાનું અવકોલન કર્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા મેસેજમાં પવારે દાવો કર્યો કે ગઇ કાલે ડીજીસીએના અહેવાલમાં આ દુર્ઘટના વીએસઆર કંપનીની બેદરકારીથી બની હોવાનું નોંધ્યું છે. જોકે આ સંદર્ભે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો ન હોવાથી હું, પાર્ટીના વિધાનસભ્ય અમોલ મિટકરી, ઇદ્રિસ નાઇકવાડી અને સંદીપ ક્ષીરસાગર મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવવા વિનંતી કરવા ગયા હતા.

પવારે દાવો કર્યો કે મારું નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે વરિષ્ઠ અધિકારીએ એફઆઇઆર દાખલ કરવાનું નકાર્યું હતું અને ઔપચારિકતા તરીકે ફક્ત અરજી સ્વીકારી. પોલીસના આવા વર્તનથી અમારી શંકા વધુ દ્રઢ બની છે. જો વિપક્ષ અને શાસક પક્ષના જનપ્રતિનિધિઓની માગણી પર પણ પોલીસ એફઆઇઆર દાખલ નહીં કરે તો રાજ્ય માટે આ બદનસીબી છે.

સરકાર અને યંત્રણા કોઇકને બચાવી રહી હોય તે જણાય છે. આવી સ્થિતિમાં અજિત પવારને ન્યાય મળશે કે કેમ તે શંકા છે. આ મામલાનો તાર્કિક નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે શાંત નહીં બેસીશું. મારા કાકા અજિત પવારને પ્રેમ કરનારા બધાએ ગુરુવારે સવારે નવ વાગ્યે એફઆઇઆર દાખલ કરવાની માગણી સાથે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવવાનું છે, એમ પણ પવારે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)