Sun Sep 06 2026

Logo

કોહલી આજે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે? જાણો લેટેસ્ટ અપડેટ

2026-04-18 11:39:00
Author: Mayur Patel
કોહલી આજે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે? જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં આજે 26મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે. બેંગ્લૂરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકથી મેચ શરૂ થશે. મેચ પહેલાં  બેંગ્લૂરુના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કોહલીના રમવા અંગે મોટું અપડેટ આપ્યું હતું. હેઝલવુડે સ્પષ્ટ કર્યું કે કોહલી મેચમાં રમશે જ, પરંતુ તે પ્લેઈંગ-11માં રહીને રમશે કે 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે મેદાનમાં આવશે, તે હજુ નક્કી થયું નથી.

હેઝલવુડે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી ચોક્કસપણે રમશે. સવાલ એ છે કે તે મેદાન પર કેટલું યોગદાન આપી શકે છે. તે ટીમમાં એક અલગ ઊર્જા લાવે છે અને તે સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક છે. અમે ઈચ્છીએ છીએ કે તે આખી મેચમાં રમે. જ્યાં સુધી હું જાણું છું, તે એવા ખેલાડી નથી જે બહાર બેસી રહે. તે હંમેશા રમતનો હિસ્સો બનીને પોતાનો પ્રભાવ પાડવા માંગે છે.

વિરાટ કોહલી  15 એપ્રિલે લખનઊ સામે રમાયેલી મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતો નજરે પડયો હતો. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત તે ઈમ્પેક્ટ પ્લેયર બનીને રમ્યો હતો. લખનઊ સામે ઈમ્પેક્ટ પ્લેયર બનીને રમવા ઉતર્યો પહેલા 12 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેના મુકાબલામાં કોહલી ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો નહોતો. તેની એડીમાં પરેશાની હતી. આ ઉપરાંત કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે તે મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.

આઈપીએલમાં કેવો છે કોહલીનો દેખાવ
સીઝનમાં કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. 5 ઈનિંગમાં તેણે 57ની સરેરાશ અને 158.33ના સ્ટ્રાઈક રેટથી 228 રન બનાવ્યા છે. તે વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે.

 તાજેતરમાં વિરાટ કોહલીએ એક ફોરેનર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્એન્સરની પોસ્ટ લાઈક કરતા સમગ્ર વિષય ચર્ચામાં રહ્યો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર રીએક્શનની જાણે સુનામી ઊઠી હોય એવો માહોલ જોવા મળ્યો છે. ફેન્સથી લઈને ઘણા જાણીતા લોકો આના પર મનપસંદ રીએક્શન આપી રહ્યા છે.