મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનની માતાના 25 લાખ રૂપિયાના દાગીના (જ્વેલરી)ની ચોરી થઈ છે. જુહુ પોલીસે આ મામલે 47 વર્ષની રાશિ છાબડિયા નામના મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા પર એક્ટ્રેસની માતાના પરિવારનો ભરોસો જીતીને તેમની પાસેથી આશરે 25 લાખ રૂપિયાના દાગીના અને કિંમતી ઘડિયાળો ચોરવાનો આરોપ છે.
તિજોરી તોડીને ઘરેણાં અને મોંઘી ઘડિયાળો ચોરવાનો આરોપ
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આરોપી મહિલા 2020 થી ટંડન પરિવારના સંપર્કમાં હતી અને રવીના ટંડનની માતાની સંભાળ રાખવા માટે અવારનવાર તેમના ઘરે આવતી-જતી રહેતી હતી. તે રસોઈ બનાવતી હતી અને એક્ટ્રેસની 86 વર્ષની વૃદ્ધ માતાની દેખરેખમાં મદદ કરતી હતી. સમય જતાં, તેણે ધીમે-ધીમે પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું કે આ ચોરી પરિવારના ઘરમાંથી થઈ હતી, જ્યાં ઘરેણાં કથિત રીતે એક લોકરમાં રાખવામાં આવ્યા હતા. આરોપી મહિલાએ લોકર તોડીને ઘરેણાં અને બે કિંમતી ઘડિયાળો ચોરી લીધી હતી.
ઘટનાની ખબર ત્યારે પડી જ્યારે પરિવારે જોયું કે દાગીના અને ઘડિયાળો ગાયબ છે. આ પછી, તેઓએ કેરટેકર (ઘરકામ કરતી મહિલા) ની પૂછપરછ કરી, જેણે પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ચોરીમાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી (ઇન્વોલ્વમેન્ટ) હોવાનો ઇનકાર કર્યો હતો. ફરીથી પૂછપરછ કરવા પર, તેણે કિંમતી ઘડિયાળો પાછી આપી દીધી અને કહ્યું કે તેણે દાગીના જગદીશ નામના એક વ્યક્તિને આપ્યા છે અને તે ટૂંક સમયમાં જ પાછા આપી દેશે.

આરોપી મહિલાએ આપી હતી ધમકી
પરિવારને જ્યારે એ વાતની ખાતરી થઈ ગઈ કે દાગીના પાછા નહીં મળે, ત્યારે આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. બીજી તરફ, આરોપી મહિલા છાબડિયાએ કથિત રીતે રાજીવને ધમકી આપી હતી કે જો દાગીના પાછા આપવા માટે દબાણ કરવામાં આવશે, તો તે તેને ડ્રગ્સ (નશીલા પદાર્થો)ના ખોટા કેસમાં ફસાવી દેશે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરિવારે ગયા વર્ષે 2 ઓક્ટોબરે દશેરાના તહેવાર પહેલાં જ્યારે લોકર ચેક કર્યું, ત્યારે તેમને ખબર પડી કે દાગીના ગાયબ છે.
હાઉસ હેલ્પની કરાઇ ધરપકડ
જો કે, 19 મેના રોજ જુહૂ પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરુ કરાઇ હતી. તપાસ દરમિયાન પોલીસે 21 મેના રોજ આરોપી હાઉસ હેલ્પની ધરપકડ કરી અને તે 29 મે સુધી કસ્ટડીમાં હતી. પોલીસે બાકીની જ્વેલેરીની શોધખોળ અને રિકવરીના પ્રયાસો હાથ ધર્યા છે.