Wed Jun 17 2026

Logo

નેપાળમાં નવા યુગની શરૂઆત! 35 વર્ષના રેપર બાલેન શાહે વડાપ્રધાન તરીકે લીધા શપથ

Kathmandu   2026-03-27 14:22:00
Author: Savan Zalariya
Article Image

કાઠમંડુ: ભારતના પાડોશી રાજ્ય નેપાળનાં રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઇ છે, આજે શુક્રવારે 35 વર્ષીય ગાયક બાલેન શાહે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે, આ સાથે તે દેશના સૌથી નાની વયના વડા પ્રધાન બન્યા છે. 

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 'રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી' ના ભવ્ય વિજય બાદ આજે બાલેન શાહે નેપાળના 40મા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. આ સાથે નેપાળના લાંબા સમયથી ચાલતા રાજકીય રાજવંશો અને પરંપરાગત પક્ષોના વર્ચસ્વનો અંત આવ્યો છે.

રાજધાની કાઠમંડુમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવન "શીતલ નિવાસ" ખાતે રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે બાલેન શાહને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં વૈદિક મંત્રોચ્ચાર તેમજ બૌદ્ધ લામાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી

બાલેન શાહે બપોરે 12:34  વાગ્યે શપથ લીધા હતાં, ત્યારબાદ તેમણે બપોરે 1:15 વાગ્યે પદ સંભાળ્યું હતું.

બાલેનની પાર્ટીની ભવ્ય જીત:
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાંનેપાળમાં યુવાનોએ આર્થિક તકલીફો, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મામલે સરકાર સામે બળવો પોકાર્યો હતી, હિંસક દેખાવો બાદ સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ વચગાળાની સરકારે વહીવટ સંભાળ્યો હતો. તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીઓમાં બાલેનની આગેવાની હેઠળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એ 275 માંથી 182 બેઠકો જીતી હતી. 

બાલેન શાહે ઝાપા-5 મતવિસ્તારમાંથી ચાર વખતના વડા પ્રધાન અને નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી યુનિફાઇડ  માર્ક્સિસ્ટ-લેનિનીસ્ટ (UML) ના દિગ્ગજ નેતા કે.પી. શર્મા ઓલીને ભારે માર્જિનથી હરાવ્યા.

કોણ છે બલેન?
બાલેનનો જન્મ  27 એપ્રિલ, 1990 ના રોજ થયો હતો, તેમણે  સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે રેપર તરીકે નામના મેળવી હતી, તેમના ગીતો દ્વારા સિસ્ટમની ખામીઓની ટીકા કરતા હતા. મે 2022 માં તેમણે કાઠમંડુ મેયરની ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત મેળવી હતી.