મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયાને ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ અત્યારે આ ફિલ્મ એક અજીબોગરીબ કારણસર ફરી ચર્ચામાં આવી છે. ફિલ્મના સીક્વલ 'ધુરંધર: ધ રિવન્જ'ની રિલીઝ આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે નેટિઝન્સે ફિલ્મના પહેલા ભાગમાં મોટી ટેકનિકલ ખામી શોધી કાઢી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફિલ્મમાં પાકિસ્તાનનો જે સીન બતાવવામાં આવ્યો છે, તે વાસ્તવમાં મુંબઈનું એક જાણીતું સ્થળ હોવાનું સામે આવતા લોકો રમુજ કરી રહ્યા છે.
વિવાદની શરૂઆત ફિલ્મના લોકપ્રિય ગીત 'ગહેરા હુઆ' થી થઈ છે. આ ગીતના એક સીનમાં રણવીર સિંહ અને સારા અર્જુન પાકિસ્તાનના કરાચીમાં આવેલા એક મોલમાં ફરતા દેખાય છે. જોકે, મુંબઈના ચાહકોએ તરત જ ઓળખી લીધું કે આ કરાચીનો કોઈ મોલ નથી, પરંતુ મુંબઈના મલાડ વેસ્ટમાં આવેલો પ્રખ્યાત 'ઇનઓર્બિટ મોલ' છે. આ વાત સોશિયલ મીડિયા પર ફેલાતા જ યુઝર્સ લખવા લાગ્યા કે રણવીર સિંહ સેકન્ડોમાં કરાચીથી સીધા મલાડ પહોંચી ગયા! લોકેશનની આ ભૂલે ફિલ્મની ગંભીર સ્પાઈ થ્રિલર ઈમેજ પર સવાલો ઉભા કર્યા છે.
નેટિઝન્સે માત્ર લોકેશન નહીં પણ ફિલ્મની નાના માનાની વાતને પણ જોઈ હતી. ગીતના દ્રશ્યોમાં પાછળની બાજુએ એક દુકાનમાં ભગવાન ગણેશ, નટરાજ અને બુદ્ધની મૂર્તિઓ સ્પષ્ટપણે વેચાતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પરના અગ્રણી રેડિટ જેવા પ્લેટફોર્મ પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાનના મોલમાં આ રીતે સરેઆમ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ વેચાતી હોય તે તાર્કિક રીતે ગળે ઉતરે તેમ નથી. આ બાબતને ફિલ્મ નિર્માણ દરમિયાન થયેલી મોટી બેદરકારી ગણાવવામાં આવી રહી છે.
લોકેશનના વિવાદ વચ્ચે એ જાણવું પણ રસપ્રદ છે કે ફિલ્મના બીજા ભાગ માટે ટીમે ખૂબ મહેનત કરી હતી. કરાચીના લ્યારી વિસ્તારને બતાવવા માટે બેંગકોકમાં છ એકરનો વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લદ્દાખ, અમૃતસર અને ચંદીગઢમાં પણ શૂટિંગ થયું હતું. હવે ફેન્સની નજર 19 માર્ચે રિલીઝ થનારા સીક્વલ પર છે. 18 માર્ચથી આ ફિલ્મના પેઇડ પ્રિવ્યુ શરૂ થઈ જશે. જોવાનું એ રહેશે કે શું નવા ભાગમાં આવી ભૂલો ટાળવામાં આવી છે કે કેમ, પરંતુ હાલ તો 'કરાચી ટુ મલાડ'ની આ સફર લોકોમાં ચર્ચાનો વિષય બની છે.