Sat May 02 2026

Logo

દેશની સૈન્ય તાકાતમાં થશે વધારો, હાયપરસોનિક મિસાઈલ સૈન્યમાં સામેલ થતા દુશ્મનોને ધ્રુજાવશે

2026-05-02 16:28:30
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારત દેશના સુરક્ષા ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ જોડાવવા જઈ રહી છે. DRDOના ચેરમેન સમીર કામતે તાજેતરમાં એક મોટી વાત કહેતા આ સિદ્ધિ અંગે વાત કરી હતી. નેશનલ સિક્યુરિટી સમિટમાં તેમણે કહ્યું હતું કે, ભારત હાયપરસોનિક ગ્લાઈડ અને હાયપરસોનિક ક્રૂઝ મિસાઈલની શૈલી પર કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ગ્લાઈડ મિસાઈલ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ ઘણી આગળ છે. 

ક્રૂઝ મિસાઈલ પર કામ ચાલું
હાયપરસોનિક મિસાઈલના પ્રોજેક્ટમાં અમે બે મોટા કાર્યક્રમો પર કામ કરી રહ્યા છીએ. હાયપરસોનિક ગ્લાઈડ મિસાઈલ અને હાયપરસોનિક ક્રૂઝ મિસાઈલ પર કામ ચાલી રહ્યું છે. હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલમાં સ્કેમજેટ એન્જિન હોય છે. ઉડાન દરમિયાન આ વાનને ઊર્જા મળે છે. હાયપરસોનિક ગ્લાઈડ મિસાઈલને શરૂઆતમાં વેગ આપવા માટે બુસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછી તે કોઈ પ્રકારની ઊર્જા વગર પણ ફ્લાઈ કરી શકે છે. કામતે આ પ્રોજેક્ટ પર વાત કરીને એ વાતનો સંકેત આપી દીધો કે, ગ્લાઈડ મિસાઈલનું ટેસ્ટિંગ ઝડપથી શરૂ થઈ શકે છે. ગ્લાઈડ મિસાઈલ પહેલા આવશે, ક્રૂઝ મિસાઈલની તુલનામાં તે પહેલા પૂર્ણ થશે. 

સરકારની મંજૂરીની રાહ
હાલમાં સંસ્થા અગ્નિ 6 માટે તૈયાર છે, બસ કેન્દ્રમાંથી મંજૂરી મળે એની રાહ જોવાઈ રહી છે. આ એક બેલેસ્ટિક મિસાઈલ છે, આ કાર્યક્રમનો નિર્ણય સરકાર પર આધારિત છે. મંજૂરી મળ્યા બાદ આગળની પ્રક્રિયા પૂરી કરાશે અને સૈન્યને સોંપી દેવામાં આવશે. આ બેલેસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા અગ્નિ સીરિઝની હાલની શૈલીની સરખામણીમાં આની ક્ષમતા શ્રેષ્ઠ છે. છેલ્લા ઘણા સમયથી આપણો દેશ રક્ષા ક્ષેત્રને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. અનેક એવી શાનદાર વસ્તુઓની નિર્માણ કર્યું છે જે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્ત્વની હોય. માત્ર સુરક્ષા જ નહીં દુશ્મનોના દાંત ખાટા કરવા માટે પણ સક્ષમ હોય. આત્મનિર્ભરતાના પ્રતીક સમાન DRDOએ તાજેતરમાં અનેક અત્યાધુનિક ટેકનોલોજી અને શસ્ત્રો વિકસાવીને વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધાર્યું છે. 

ઉત્પાદક દેશ બની રહ્યો છે ભારત
સેનાની શક્તિમાં વધારો કરવા માટે DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી અગ્નિ અને પૃથ્વી શ્રેણીની મિસાઇલો તેમજ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ ભારતીય સુરક્ષા કવચના મજબૂત સ્તંભો છે. સ્વદેશી લડાયક વિમાન તેજસ, મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન અને અત્યાધુનિક રડાર સિસ્ટમ ઉત્તમ વિકસાવી છે. આ ઉપરાંત, પાયદળ માટે આકાશ મિસાઇલ સિસ્ટમ અને સબમરીનમાંથી છોડી શકાય તેવી K-શ્રેણીની મિસાઇલો એ ભારતીય નૌકાદળની તાકાત બમણી કરી છે. ડ્રોન ટેકનોલોજીમાં  તપસ અને લક્ષ્ય જેવા માનવરહિત વિમાનો તેમજ રાસાયણિક અને જૈવિક હુમલાઓ સામે રક્ષણ આપતા ઉપકરણો બનાવીને DRDO એ સાબિત કર્યું છે કે, ભારત હવે માત્ર સંરક્ષણ સામગ્રીનો આયાતકાર નહીં, પણ એક સક્ષમ ઉત્પાદક દેશ પણ છે.