Thu Sep 03 2026

Logo

‘કરુણામયી રાણી’ નું બિરુદ પામનારી માછીમારની દીકરી રસમણિ

2026-03-05 08:39:00
Author: Mumbai Samachar Team
‘કરુણામયી રાણી’ નું બિરુદ પામનારી માછીમારની દીકરી રસમણિ

વિશેષઃ

રાજેશ યાજ્ઞિક

સાવ સાધારણ માછીમારોના પરિવારમાંથી આવવા છતાં, ‘કોલકાતાની રાણી’ તરીકે ઓળખાતી રસમણિ (બંગાળી ઉચ્ચાર: રોશમોણી) કોણ હતી, જાણો છો?
એક મહિલા જો નિર્ધાર કરે તો શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે આ રાણી રસમણિ... 

રસમણિનો જન્મ 1793માં કુમારહટ્ટા-કંચનપલ્લી (હાલના નાદિયા-ઉત્તર 24 પરગણા સરહદ) ખાતે એક માછીમારોના પરિવારમાં થયો હતો. પિતા ખૂબ ઓછું ભણેલા હતા, પણ એટલું ચોક્કસ ગણેલા કે તેમને  કૃતિવાસી રામાયણ અને કાશીદાસી મહાભારત વાંચી શકતા- એનું બહુ સારું પઠન પણ કરી જાણતા. તેથી સમુદાયમાં એ આદરણીય હતા. એ ઘર બાંધકામમાં પણ ખૂબ કુશળ હતા. આ કારણે રસમણિના પિતા હાલીસર અને નજીકના ગામડાઓમાં  જણીતા હતા.

રસમણિ સાત વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું. 11 વર્ષની થઇ ત્યારે તો તેના લગ્ન પણ થઇ ગયા! તેના લગ્ન જાનબજાર, કોલકાતાના બાબુ રાજચંદ્ર દાસ (માર્હ) સાથે થયાં હતાં, જે  ‘જાનબજાર રાજ’ તરીકે ઓળખાતા. એ જમીનદાર પરિવારના હતા. એક સમૃદ્ધ જમીનદાર પરિવારમાં લગ્ન કરનારી અગિયાર વર્ષની રસમણિ માટે આશ્વાસન એ વાતનું હતું કે તેના જમીનદાર શ્વસુરગૃહે લોકો પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હતા. પરિણામે તેને તેના પતિ રાજચંદ્ર દાસે એને આગળ ભણવા માટે પ્રોત્સાહન પણ આપ્યું અને સહાય પણ કરી.

રસમણિમાં શીખવાની અસાધારણ ક્ષમતા હતી અને ખૂબ જ કુશળ બુદ્ધિમત્તા ધરાવતી હતી. તેથી તે ઝડપથી શિક્ષણ મેળવી શકી. સાથે પતિના સહયોગથી તે તેમણે વ્યવસાયમાં પણ મદદ કરવા લાગી. આ બધી વાત તે સમયના રૂઢિચુસ્ત વાતાવરણમાં અસાધારણ હતી, પણ જમીનદાર પરિવારનો વિરોધ કોણ કરે?

આપણે ફિલ્મોમાં જોયું છે કે જમીનદાર એટલે ગરીબોનું શોષણ કરીને પોતાની તિજોરી ભરનાર વ્યક્તિ, પણ સદનસીબે રસમણિનો પરિવાર લોકસેવાની ભાવના ધરાવતો હતો. તેમની આવકનો મોટાભાગનો ભાગ ગરીબ વ્યક્તિઓને સહાય પૂરી પાડવા, સામુદાયિક રસોડા સ્થાપવા અને જરૂરિયાતમંદ લોકો માટે પાણી વિતરણ સુવિધાઓ બનાવવા માટે ફાળવવામાં આવતો  હતો.

બધું સમુંસૂતરું ચાલતું હતું, ત્યારે જ કાળ ત્રાટક્યો. રસમણિ હજી 37 વર્ષની જ હતી, ત્યાં તેના પતિનું અકાળે અવસાન થયું. પતિ પડખે ઊભા હતા ત્યાં સુધી બધું ઠીક હતું, પણ તેમનો સહારો જતાં જ સમાજને એક સ્ત્રી વ્યવસાયમાં આગળ પડતી હોય તે આજુબાજુવાળાને સહન થાય તેમ નહોતું. તેમ છતાં ચાર સંતાનો એકલે હાથે ઉછેર કરવાની સાથે પતિના વ્યવસાયનું સમગ્ર સંચાલન રસમણિએ પોતાના હાથમાં લીધું. 

સમાજની કે લોકોની પરવા કર્યા વિના તેણે સફળતાપૂર્વક વ્યવસાય સંભાળી લીધો. કદાચ વિધિએ આ કારણથી જ રસમણિના પતિને પ્રેરણા આપી હશે કે તે પત્નીને શિક્ષણ આપે અને વ્યવસાયમાં સામેલ કરે.

સ્ત્રી એક શક્તિ છે તે વાતનો પુરાવો આવી કઠણ પરિસ્થિતિઓમાં સહેજે પ્રાપ્ત થાય છે. તે સમયે બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને તેમના પતિની  હરીફોએ એની કંપની પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો, જેનું મુખ્ય કારણ તેમની સંપત્તિ અને પુરુષ ઉત્તરાધિકારીનો અભાવ હતો.     

આ બધા વચ્ચે રસમણિએ તેમના જમાઈ મથુરા નાથ બિશ્વાસની મદદથી કંપનીના કામકાજનું સંચાલન કરતી. એ વખતે જે ચતુરાઈ અને વ્યવહારિકતા દર્શાવી તેનાથી એના હરીફો  આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
માત્ર વ્યવસાયમાં જ નહિ, બંગાળમાં સામાજિક સુધારણા ચળવળોમાં રસમણિ એક અગ્રણી વ્યક્તિ તરીકે ઊભરી આવ્યાં.

તેમણે બહુપત્નીત્વની પ્રથા સામે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ઔપચારિક અરજી કરીને તેને નાબૂદ કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી. સતી પ્રથા, બાળ લગ્ન અને જાતિ આધારિત અન્યાય સામે સક્રિયપણે તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, વિદ્વાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિધવા પુનર્લગ્નના અભિયાનને સમર્થન આપ્યું.

તે સમયે જમીનદારો કરતાં વધુ શોષણ ઇસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી. બંગાળમાં માછીમારી કરવા પર કંપનીએ ભારે કર લગાવ્યો હતો. આ અન્યાય સામે પણ રસમણિએ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ બાંયો ચઢાવી. રસમણિએ ગંગાના એક ભાગમાં બ્રિટિશ કંપનીના શિપિંગ વેપારમાં અવરોધ ઊભો કરીને બ્રિટિશ સરકારને નદીમાં માછીમારી પર લાદવામાં આવતા કરને નાબૂદ કરવા દબાણ કર્યું. જેની સામે સરકારે ઝૂકવું પડ્યું. 

બંગાળની પ્રસિદ્ધ દુર્ગા પૂજાના અવસરે બ્રિટિશ સરકારે દેવીની શોભાયાત્રા પર એમ કહીને પ્રતિબંધ મૂકી દીધો કે તેનાથી શાંતિ જોખમાય છે. રસમણિએ આ પ્રતિબંધને અવગણીને લોકો સાથે શોભાયાત્રા કાઢી. સરકારે તેના પર દંડ લગાવ્યો. તે આપવાનો પણ રસમણિએ ઇનકાર કરી દીધો. અહીં પણ બ્રિટિશ સરકારને આખરે ઝૂકવું પડ્યું. રસમણિની આ લોકસેવાને કારણે તેઓ લોકોનો ખૂબ પ્રેમ અને આદર પામ્યાં. લોકોએ સ્નેહથી તેમને ‘રાણી’ કહેવાનું શરૂ કર્યું.

આ રીતે રસમણિ સત્તાના સિંહાસન પર નહિ પણ લોકહૃદય પર રાજ કરનારાં કરુણામય ‘રાણી રસમણિ’ બન્યાં.

ઇડન ગાર્ડન્સ (તે સમયે માર બાગાન) પણ તેમના જમીનદારી વિસ્તારનો એક ભાગ હતો, જે તેમણે પાછળથી ભારતના તત્કાલીન ગવર્નર-જનરલ લોર્ડ ઓકલેન્ડની ઇડન બહેનોને ભેટમાં આપ્યો હતો, કારણ કે તેમણે પોતાની એક ત્રીજી પુત્રીને જીવલેણ રોગથી ઉગારવામાં મદદ કરી હતી. તેમણે બંગાળમાં ગંગા નદીના કિનારે યાત્રાળુઓને સ્નાનની સુવિધાઓ માટે કેટલાક  ઘાટનું નિર્માણ કરાવ્યું,જેમાંથી એકને પોતાના પતિની યાદમાં બાબુઘાટ નામ આપ્યું. રસમણિએ તત્કાલીન ઇમ્પિરિયલ લાઇબ્રેરી (હવે નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા) અને હિન્દુ કોલેજ (હવે પ્રેસિડેન્સી યુનિવર્સિટી) ને પણ દાન આપ્યું હતું.

આ બધાં સખાવતી કાર્યોની વચ્ચે તેમને સતત એક સ્વપ્ન આવતું હતું, તે હતું દેવી મહાકાળીનું એક મંદિર બનાવવાનું. સતત આવી રહેલા એક જ સ્વપ્નને પ્રેરણા સમજીને રાણીએ દક્ષિણેશ્વર ગામમાં 30,000 એકરનો પ્લોટ ખરીદ્યો. ત્યાં 1847 અને 1855ની વચ્ચે વિશાળ મંદિર સંકુલનું નિર્માણ કરાવ્યું. આજથી પોણા બસ્સો વર્ષ પહેલાં આ મંદિર માટે તેમણે નવ લાખ રૂપિયાનો અધધધ કહેવાય એવો ખર્ચ કર્યો હતો!!

રામકુમાર ચટ્ટોપાધ્યાયની મુખ્ય પૂજારી તરીકે નિમણૂંક કરવામાં આવી. રામકુમારના નાના ભાઈ, જેમને પાછળથી વિશ્વ શ્રી રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખતું થયું.

દેવી કાલીના પ્રખર ભક્ત હોવાથી, તેમની જાગીરની સત્તાવાર મહોર પર શબ્દો અંકિત  રહેતા :  ‘શ્રી રાસમણિ દાસી, કાલીના ચરણોની ઝંખના ‘ભારત સરકારે આવી નીડર , સેવાભાવી અને પ્રગતિશીલ મહિલાનાં કાર્યોને ઉચિત આદર આપવા, ભારતીય કોસ્ટ ગાર્ડના  ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સમાંથી એકનું નામ રાણી રસમણિના નામ પર રાખ્યું છે. તેમના નામની ટપાલ ટિકિટ પણ ભારત સરકારે બહાર પાડી છે.